છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા, રશિયા, જર્મની અને ચીન વચ્ચે હથિયારોના નિર્માણ અને નિકાસની હરીફાઈ જામી હતી. કોલ્ડ વોર બાદ હથિયારોની નિકાસ અને આયાત બંને ટોચ પર પહોંચી ગઇ છે. આ બાબતે અમેરિકા હરોળના સ્થાને છે. જે વિશ્વભરમાં હથિયારોની નિકાસમાં લગભગ 37 ટકાનો હિસ્સો ધરાવે છે. જ્યારે ચીન હવે નીચે જતું દેખાય છે. કોરોના પાછળ ચીનને જવાબદાર ઠેરવતા દેશોએ ચીનના હથિયાર ખરીદવાનો નનૈયો ભણી દીધો છે.
સિપ્રીનો રિપોર્ટ શું કહે છે?
Stockholm ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ SIPRI દ્વારા તાજેતરમાં આ બાબતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, ચીન પાસેથી હથિયાર ખરીદવામાં હવે ઘણા દેશો દૂર ખસી રહ્યા છે. ચીનની નિકાસ ઝડપથી ઘટવા લાગી છે. જેની પાછળ તેની આક્રમકતા પણ એક કારણ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીન તેના પાડોશી દેશોની સરહદોમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેટનામ સાથે પણ તેના સંબંધો બગડી ચૂક્યા છે. હવે તે આ દેશોને હથિયારો અને ફાઈટર વિમાનો વેચવા માંગે છે, પરંતુ તણાવના કારણે તે લેવા કોઈ તૈયાર નથી.
બીજી તરફ ભારતે પણ ક્યારેય ચીન પાસેથી હથિયારો ખરીદ્યા નથી. હવે ભારત પણ આત્માનિર્ભર ભારત યોજના હેઠળ પોતાના સંરક્ષણના હથિયાર પોતે જ બનાવી રહ્યું છે. આ કારણે જ 2016થી 2020 વચ્ચે હથિયારોની આયાતમાં 33 ટકાનો ઘટાડો થયો છે.
કોરોનાના કારણે થયેલી તબાહીની અસર
કોરોનાના કારણે થયેલા નુકસાનથી યુરોપિયન દેશો પણ ચીન ઉપર ભડકી ગયા છે. અમેરિકા સહિત અનેક દેશો એવું માને છે કે, ચીનની બેદરકારીના કારણે દુનિયાભરમાં કોરોના ફેલાયો છે. અમેરિકાએ તો ત્યાં સુધી કહી દીધું કે, ચીન દ્વારા જાણી જોઈને વાયરસ ફેલાવવામાં આવ્યો છે, કે જેથી તેની ઇકોનોમી ચરમસીમાએ પહોંચી શકે. આવી સ્થિતિમાં અમેરિકાના મિત્ર દેશો ચીન પાસેથી હથિયાર ખરીદવા બાબતે મોઢું ફેરવી રહ્યા છે. ફોરેન પોલિસીના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ પણ છે.
મોટા દેશોની સાથે નાના દેશો પણ ચીન પાસેથી હથિયારો ખરીદવામાં સંકોચ અનુભવી રહ્યા છે. હવે ચીન પાસે લેવડદેવડ માટે એક માત્ર દેશ બાકી રહ્યો છે. તે પાકિસ્તાન છે. પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષોમાં જેટલા હથિયારો આયાત કર્યા છે, તેમાં 74% હથિયારો ચીનના છે. પાકિસ્તાન સાથે બાંગ્લાદેશ અને અલજીરિયા પણ ચીનના હથિયાર ખરીદતા આવ્યા છે.
હથિયાર વેચવામાં ચીન શા માટે થઈ રહ્યું છે નિષ્ફળ?
હથિયારો વેચવામાં મળેલી નિષ્ફળતા પાછળ ચીનની વિદેશ નીતિ જવાબદાર છે. કોઈ દેશ અન્ય દેશ પાસેથી સંરક્ષણના સાધનો લેવા માટે સંપર્ક કરે તો તે સંબંધ માત્ર હથિયાર ખરીદવા પૂરતો સીમિત રહેતો નથી. આ એક પ્રકારની મિત્રતા છે. જો કોઈ બે દેશ વચ્ચે ખૂબ સારી રક્ષા સંધિ થઈ હોય તો તે બંને દેશો વચ્ચેના સંબંધો સારા હોવાનું માનવામાં આવે છે. પરંતુ ચીનની વિદેશનીતિ સંબંધો બાંધવામાં વિશ્વાસ કરતી નથી. ચીનના સરહદો બાબતે સતત આક્રમક રહ્યું છે. વિશ્વ આખું કોરોનાના ખતરા સામે લડી રહ્યું છે, ત્યારે પણ ચીને કોઈને મદદ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. મદદ કરવાથી દૂર ભાગી રહ્યું હોવાનું ફલિત થાય છે.
આયાતથી બચી રહ્યું છે ચીન
બે દેશો વચ્ચેના વ્યાપાર સંબંધોનેમાં માત્ર નિકાસ જ થતી નથી, બીજા દેશ પાસે કંઈક ખરીદવું પડે છે. પરંતુ ચીન વિશ્વનો સૌથી મોટા હથિયારના વેપારી બનવાની લ્હાયમાં માત્ર હથિયારો બનાવી રહ્યું છે. પરિણામે ખરીદવાની તેને જરૂર પડતી નથી. આ જ કારણ છે કે તેની હથિયારોની ડિલ ઉપર અસર પડી રહી છે.
આમ તો હથિયારોના નિકાસકાર દેશોમાં ચીન પાંચમાં નંબરે છે. તેની પહેલા અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જર્મની છે. ઇઝરાયલ અને દક્ષિણ કોરિયાએ પણ સંરક્ષણના સાધનોમાં વધારો કર્યો છે. પરંતુ વિકાસની બાબતે તેઓ હજુ નાના સ્તરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર