પશ્ચિમ એશિયામાં (West Asia)આવેલ લેબનોન (Lebanon)આર્થિક કટોકટીમાંથી (lebanon crisis economy)પસાર થઈ રહ્યું છે. અહીં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. લોકોને બ્રેડનું પેકેટ લેવા માટે પણ લાઇનમાં ઉભા રહેવું પડે છે. એક વર્ષ પહેલાં 1,000 લેબેનીઝ પાઉન્ડ (લગભગ 48 રૂપિયા)માં મળતી બ્રેડ હવે 6,000 લેબેનીઝ પાઉન્ડ (લગભગ 288 રૂપિયા) (Lebanese pound)માં મળે છે. જ્યારે પાણીના ભાવ 8 ગણા વધ્યા છે. ખાવાની વસ્તુની કિંમતમાં પણ 6 ગણો વધારો થઈ ગયો છે. રાજકીય આંટીઘૂટીમાં ફસાયેલું લેબનોન હાલ અસ્થિર છે. 1975ના ગૃહયુદ્ધમાંથી બેઠા થવા મથામણ કરતું લેબનોનની આ સ્થિતિ ચિંતાજનક છે.
સરકાર પાસે વીજળી પહોંચાડવા માટે પૂરતા પૈસા પણ બચ્યા નથી. સરકારી પુરવઠાની વીજળી 24 કલાકમાં ફક્ત એક કલાક મળે છે. કોરોનાના વધતા કેસો વચ્ચે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે પડી ભાંગી છે. બાળકો શાળાએ જવા માટે સક્ષમ નથી. ત્યારે નવા બનેલા વડાપ્રધાન નજીબ મિકાતીએ રાષ્ટ્રપતિ મિશેલ ઓઉન સાથેની નવી કેબિનેટ માટે તૈયારી બતાવી છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સમાધાનની આશા પણ વ્યકત કરી છે.
ગયા વર્ષે 4 ઓગસ્ટે બેરુતમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ બાદ લેબનીઝ સરકાર પડી ભાંગી હતી અને દેશમાં આર્થિક કટોકટી વધી હતી. દેશમાં રાજકીય તણાવને કારણે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યો નહીં. ત્યારબાદ આ સ્થિતિ સર્જાઈ છે. બે વર્ષમાં લેબનીઝ વસ્તીના લગભગ 78 ટકા લોકો ગરીબી રેખામાં આવી ગયા છે.
લેબેનોન હાલમાં છેલ્લા 150 વર્ષની સૌથી ખરાબ સ્થિતિમાં છે. લેબનાનમાં છેલ્લાં બે વર્ષમાં આર્થિક કટોકટી વધુ વણસી છે. એટલું જ નહીં દેશના જુદા જુદા ભાગોમાં હજારો લોકો વિરોધ કરી રહ્યા છે. રમખાણો પણ થઈ રહ્યા છે. આ લોકો સરકાર પાસેથી પોતાના માટે સલામત જીવન અને ખોરાકની માંગ કરી રહ્યા છે.
આર્થિક કટોકટી પાછળના કારણો
- 1975થી 1990ના ગૃહયુદ્ધ બાદ એક પછી એક સરકારો લોન લેતી હતી. આનાથી બોજ વધ્યો છે. કેન્દ્રીય બેંકો અને અર્થતંત્ર પડી ભાંગ્યા છે. લેબનાન જાહેર દેવાના મોટા ઢગલા હેઠળ દટાઈ ગયું છે. તેના દેવામાં 31 અબજ ડોલરના યુરોબોન્ડ્સનો સમાવેશ થાય છે. આયાત પર નિર્ભર દેશમાં ખરીદ શક્તિ તૂટી છે અને ચલણમાં 90 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બેંકિંગ સિસ્ટમ લકવાગ્રસ્ત થઈ ગઈ છે.
- યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર ઓક્ટોબર 2019થી ખાદ્ય વસ્તુઓના ભાવમાં 557 ટકાનો વધારો થયો છે. ચાર વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં 30 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે પણ તેમાં 12 ટકાનો ઘટાડો થઈ શકે છે. બળતણની અછતના કારણે સામાન્ય જીવન પર ગંભીર અસર થઈ છે. કૌશલ્ય ધરાવતા લોકો દેશ છોડીને નીકળી ગયા છે. જેના કારણે દેશ બ્રેઇન ડેડ જેવી સ્થિતિમાં મુકાયો છે.
ઇંધણની અછતથી અફરાતફરી
- ઇંધણની અછતના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે. ઘણા સ્થળે અથડામણ અને ટેન્કરની લૂંટના અહેવાલ સામે આવી રહ્યા છે. દક્ષિણ લેબનાનમાં ઇંધણના કારણે મુસ્લિમ અને ખ્રિસ્તી ગામો વચ્ચેના સાંપ્રદાયિક મડાગાંઠ સર્જાઈ છે.
- સબસિડી નાબૂદ કરવામાં આવી છે. ઈંધણના ભાવમાં 70 ટકાનો વધારો થયો છે. હાઇડ્રોકાર્બનના ભાવ બે મહિનામાં ત્રણ ગણા થયા છે. જ્યારે એલપીજી 50 ટકા મોંઘો થયો છે.
- લેબનાનની ખરાબ પરિસ્થિતિથી સેનાને પણ અસર થઈ રહી છે. સૈન્યએ તેના ખર્ચ માટે લશ્કરી હેલિકોપ્ટર ભાડે આપવાનું શરૂ કર્યું છે. લેબનીઝ આર્મી પ્રવાસીઓને પ્રતિ વ્યક્તિ રૂ. 1100માં હેલિકોપ્ટર જોયરાઇડ્સ આપી રહી છે
રાજકીય સંઘર્ષ
લેબનોનની આ સ્થિતિમાં ભ્રષ્ટાચાર પણ જવાબદાર છે. સરકારને પૈસા આપવા દાતાઓ તૈયાર છે, પણ સરકાર ભ્રષ્ટાચારનો ખાતમો કરે તેવી શરત મૂકી છે. જોકે, સરકારને તેમાં રસ નથી. નેતાઓએ ગૃહયુદ્ધ લડી રાજકીય સંઘર્ષ કર્યો છે. અત્યારે પણ આવું જ ચાલુ છે. ખ્રિસ્તી અને મુસ્લિમ નેતાઓ વચ્ચે ખેંચતાણ જોવા મળે છે. જોકે, મિકાતીએ શુક્રવારે લેબનાનને ખાતરી આપી હતી કે, મંત્રીમંડળ રાજકીય ઝઘડાને બાજુએ રાખશે અને ભવિષ્યના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ દરમિયાન હિઝબુલ્લાહના દ્વારા ઈરાનથી ઇંધણની આયાત કરવાની માંગના કારણે રાજકીય ધોરણે વધુ એક વિવાદ થયો છે. તેના વિરોધીઓ તેમના પર દેશને વધુ નબળો પાડવાનો અને લેબેનોનને યુ.એસ. પ્રતિબંધોના જોખમમાં મુકવાનો આરોપ લગાવે છે.
બીજી તરફ લેબનાન માટે મિત્ર સમાન રહેલું ગલ્ફ લેબનોનના રાજકીય આગેવાનો દ્વારા ઈરાન તરફેણમાં થયેલા નિવેદનથી દુઃખી છે. ત્યારે મિકાતીએ અરબ જગતને વધુ પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું હોવાનું ફલિત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર