Explained Vehicle Scrappage Policy: કઈ રીતે તમારા વાહનને થશે અસર, જાણો વિગત

પ્રતીકાત્મક તસવીર

Explained new Vehicle Scrappage Policy: પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે.

  • Share this:
નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2021ના ​​કેન્દ્રીય બજેટ (Union budget 2021)માં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (Vehicle Scrappage Policy) રજૂ કરી હતી. તેના થોડા દિવસો બાદ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ લોકસભામાં આ પોલિસી અંગે જાણકારી આપી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુજરાતમાં ઈન્વેસ્ટર સમિટ (Investor Summit- Gandhinagar)માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. નવી સ્ક્રેપેજ પોલિસી સ્વૈચ્છિક છે. પરંતુ અમુક સમયગાળા પછી વાહનો માટે ફરજિયાત ફિટનેસ ટેસ્ટની જરૂર પડશે. આ પોલિસીને લઈ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી નવી સ્ક્રેપેજ પોલિસી શું છે અને તેના કારણે ઉદ્યોગને કઈ રીતે ફાયદો થશે? તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી શું છે?

પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

પોલિસીના કારણે શું પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે?

વાહનનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે તે પહેલા કરતા વધુ પ્રદુષણ ફેલાવા લાગે છે. આવું પ્રદુષણ રોકવા માટે વાહનને સ્ક્રેપ કરવું જરૂરી છે. આ ઉપરાંત જુના વાહનને સ્ક્રેપ કરવાથી નવા વાહન માટે જગ્યા થશે. જેના પરિણામે અત્યારે ગૂંગળાતી ઓટો ઈન્ડસ્ટ્રીમાં નવા શ્વાસ પુરાશે. આ બાબતે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એકવાર વાહનોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવો પડશે. અલબત્ત લોકો સ્ક્રેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

શું મર્યાદાથી વધુ સમયના બધા વાહનોને સ્ક્રેપ કરવાના છે?

આ સ્કીમ સ્વૈચ્છિક છે. જેથી બધા વાહનોને સ્ક્રેપ કરવાના નથી. જોકે, આયુષ્ય પૂરું કરી ચૂકેલા બધા જ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો રિન્યૂ સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તેને ચલાવી શકાશે નહીં. અલબત્ત, જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે તો રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે સાબિત કરવા દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.

મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?

પોલિસી કારણે થતા આર્થિક ફાયદા અંગે મંત્રી નીતિન ગડકરીએ પ્રકાશ પાડ્યો છે. જે આ મુજબ છે.

1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

2) રોડ ટેક્સ ભરવામાં 25 ટકા સુધી મુક્તિની રાહત મળશે.

3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.

ફિટનેસ ટેસ્ટ શું છે?

ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે.

મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક ફિટનેસ ટેસ્ટ પાછળ ઓછામાં ઓછા રૂ. 30,000-40,000નો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશનને રિન્યૂ કરતી વખતે ગ્રીન સેસ પણ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો: દેશમાં જૂની ગાડીઓને ભંગારમાં ફેરવવાની પોલિસી જાહેર, ગાડીઓની ઉંમર નહીં, ફિટનેસ જોઈને સ્ક્રેપ કરાશે-વાંચો અહેવાલ 

મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?

વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.

આ પોલિસી ક્યારથી અમલમાં આવશે?

વડાપ્રધાન મોદીએ પોલિસીને લોન્ચ કરી દીધી છે, પરંતુ આ પોલિસી ગ્રાઉન્ડ લેવલે અમલમાં આવતા હજુ ઘણો સમય લાગશે. હજી સુધી સ્ક્રેપીગ સેન્ટર તૈયાર થયા નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના સેક્રેટરી ગિરિધર અરમાને કહે છે કે, 2023થી ભારે કોમર્શિયલ વાહનો નિયમો મુજબ ફિટનેસ લેવલને અનુરૂપ નહીં હોય તો તેને સ્ક્રેપ કરવા જરૂરી છે. જયારે પર્સનલ વાહનો માટે જૂન 2024થી પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
Published by:Vinod Zankhaliya
First published: