કોરોના મહામારી રોકવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવા મામલે પણ મોટી ગડમથલ જોવા મળે છે. કેટલીક કંપનીઓની રસી અત્યારે ટ્રાયલ પિરિયડમાં છે. આવી સ્થિતિમાં બાળકોને ફલૂ માટે વપરાતી રસી કોરોનાથી બચાવી શકે, તે માન્યતાના આધારે કેટલીક સ્કૂલોએ બાળકોને ફલૂની રસી આપવાનો આગ્રહ કરતા ઇમેઈલ વાલીઓને કર્યા હોવાનું સામે આવ્યું છે. શું ફલૂની રસી કોરોનાથી બાળકોને બચાવી શકે? આ સવાલ મહારાષ્ટ્રમાં ગત મે મહિનામાં મુખ્યમંત્રી ઠાકરે સાથે ટાસ્ક ફોર્સની બેઠક બાદ સામે આવ્યો હતો. જેમાં ઇન્ફ્લૂએન્ઝાના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ થતાં બચાવવા માટે ફલૂની રસીના સકારાત્મક પ્રભાવો મામલે ચર્ચા થઈ હતી. પરંતુ આ વિષયને ગેરમાર્ગે દોરી દેવાયો હતો. મોટાભાગના લોકોએ આ વાત અડધી જ સાંભળી હતી. પરિણામે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોની રક્ષા કરવા માટે ફલૂની રસી અસરકારક રહેશે તેવું સમજી લીધું હતું.
કોરોના કાળમાં બાળકોને ફલૂની રસી આપવા મામલે થયેલી ગેરસમજ અંગે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકસના જનરલ સેક્રેટરી અને કર્ણાટકમાં કોરોનાની ત્રીજી લહેર સામેની નિષ્ણાંતોની સમિતિના સદસ્ય ડો. બસાવરાજ જીવીએ ફોડ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફ્લૂ રસીકરણનો અત્યારે ભારતના રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. તે ઈન્ફલ્યુએન્ઝા અને તેનાથી સંબંધિત લક્ષણો માટે અસરકારક છે. પરંતુ ભારતમાં ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ અમેરિકા અને અન્ય દેશો કરતા વધુ સારી છે. તેથી ત્યાં ફ્લૂ માટે રસી નિયમિત અપાય છે. જ્યારે આપણને તેની જરૂર હોતી નથી.
આ બાબતે વધુ પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, બાળકોને ઈમ્યુન ડિસઓર્ડર, ડાયાબિટીઝના દર્દીઓ, કિડની, લીવર, ફેફસાં, હૃદય અને અન્ય મહત્વપૂર્ણ અંગોની સારવાર અથવા કેન્સરની સારવારમાં ફલૂની રસીની ભલામણ થાય છે. પરંતુ તે પણ મર્યાદિત સમય માટે છે.
શું ફ્લૂની રસી કોઈ પણ રીતે કોવિડ -19 માટે અસરકારક છે? તેના જવાબમાં ડો. બસાવરાજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ના. ફ્લૂ માટેના વિવિધ રસીકરણ કોરોના સામે ક્યારેય અસરકારક સાબિત થતી નથી. ફલૂની રસી બાળક અથવા કોઈને પણ કોરોનાની સારવારમાં મદદ કરે છે તેવા કોઈ એવા કોઈ દાખલા નથી.
ફલૂની રસી બાળકોને કોરોનાની ત્રીજી લહેર સામે લડવામાં મદદ કરશે તે બાબતની કોઈ ખાતરી નથી. અલબત, તે બાળકને ઈન્ફલ્યુએન્ઝાથી સુરક્ષિત કરી શકે છે. પરંતુ જ્યાં સુધી બાળકને પહેલાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અને બાળ ચિકિત્સકો સલાહ ના આપે ત્યાં સુધી ફલૂ માટે રસી લેવી એ સંપૂર્ણપણે બિનજરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, બાળકોના શરીર હળવા સંક્રમણ સામે લડવા માટે પહેલાથી જ મજબૂત હોય છે. જરૂર પડે તો તેને ઓપીડીમાં સારવાર આપી શકાય છે. બાળ ચિકિત્સક દ્વારા સૂચવવામાં ન આવે ત્યાં સુધી બાળકને ફ્લૂનો રસીનો ડોઝ લેવાની ભલામણ થતી નથી.
ઉલ્લેખનીય છે કે, બેંગલુરુમાં કેટલાક કોચિંગ કલાસીસ અને સ્પોર્ટસ ટીમો સભ્યોને ફ્લૂની રસી લીધા બાદ જ આવવાની ભલામણ કરે છે. બાળકોની કોવિડ રસીને હજી મંજૂરી નથી. તેથી તેઓને લાગે છે કે, ફ્લૂની રસી ફ્લૂ અને તેના જેવા લક્ષણો સામે બાળકોને બચાવશે. અલબત્ત બાળ ચિકિત્સકોએ આ બાબતને પહેલાથી જ નકારી કાઢી છે.
સાગર હોસ્પિટલમાં સલાહકાર બાળ ચિકિત્સક અને ત્રીજી લહેર સામે લડવા રાજ્ય સરકારની નિષ્ણાંતોની ટીમના સભ્ય ડો. રઘુનાથ સી.એન કહે છે કે, તમારી પાસે શરદી, તાવ અને જેવા નાના નાના ચેપ સામે લડવાની સારી રોગપ્રતિકારક શક્તિ છે, તો તમે આ રસી કેમ લેવા માંગો છો? તે પણ સમાન અસર કરે છે.
તેઓએ વધુમાં કહ્યું કે, દરરોજ ઘણા માતાપિતા તેમના બાળકો માટે ફલૂની રસી લેવા હોસ્પિટલોમાં આવે છે. આ રસી તદ્દન બિનજરૂરી છે અને કોવિડ -19 સામે લડવામાં મદદ કરશે નહીં, તેવું અમે તેમને સમજાવીએ છીએ. તેના બદલે અમે તેઓને સાવચેત રહેવા અને પ્રોટોકોલોનું કડક પાલન કરવાનું સૂચન કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, લોકોએ ભયભીત થવાને બદલે બાળકોના સ્વાસ્થ્યને લઈને જાગૃત રહે. શક્ય હોય એ બધું જ કરવામાં આવી રહ્યું છે. લોકોએ તબીબની સલાહ લીધા વિના સારવાર અને દવાઓ અંગે કોઈ નિર્ણય ન લેવો જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર