Explained: ટૂંકા સમયમાં ઊંચું વળતર આપનારી ક્રિપ્ટોકરન્સી વિવાદમાં શા માટે ઘેરાયેલી છે? ભારતમાં શું છે ભવિષ્ય?

પ્રતિકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સીનો પ્રારંભ 2009માં થયો હતો. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટોકરન્સી નામ સામે આવ્યું હતું.

 • Share this:
  ક્રિપ્ટોકરન્સી (Crypto currency) એટલે કે વર્ચ્યુઅલ કરન્સી (Virtual Currency) છેલ્લા ઘણા સમયથી ભારત સહિત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તળિયેથી આસમાને પહોંચી ગયેલી ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો માર્કેટને લઈને દુનિયાભરમાં ચર્ચાએ જોર પકડયું છે. માર્કેટમાં ઉદ્યોગપતિ એલન મસ્ક (Elon  Musk)સહિતના અનેક દિગ્ગજોએ તેમાં રસ દાખવ્યો છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે કે, જેઓ આ કરન્સીથી દૂર રહેવાની સલાહ આપે છે.

  તો ચાલો ક્રિપ્ટોકરન્સી અંગે બધું જ જાણીએ.

  ક્રિપ્ટોકરન્સી એક પ્રકારની ડિજિટલ એસેટ છે. જેનો ઉપયોગ વસ્તુ કે સેવાની ખરીદી માટે થઈ શકે છે. આ કરન્સીમાં ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે. તમે ક્રિપ્ટોકરન્સીને સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે કોઈ બેન્ક, એટીએમ નથી. વિશ્વભરમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઓનલાઈન ખરીદીમાં થઈ રહ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો દરેક દેશ પાસે પોતાની કરન્સી હોય છે. જેમ કે ભારત પાસે રૂપિયો, સાઉદી અરબ પાસે રિયાલ અને અમેરિકા પાસે ડોલર છે. આવી જ રીતે અન્ય દેશો પાસે પણ પોતાનું ચલણ હોય છે. જોકે, ક્રિપ્ટોકરન્સીને નોટ કે સિક્કાની જેમ પ્રિન્ટ કરી શકાય નહીં. તો પણ તેની વેલ્યુ છે.

  ક્રિપ્ટોકરન્સીની શરૂઆત ક્યારે થઈ??

  ક્રિપ્ટોકરન્સીનો પ્રારંભ 2009માં થયો હતો. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટોકરન્સી નામ સામે આવ્યું હતું. બીટકોઈનને જાપાનના સતોષી નાકમોતો નામના એન્જિનિયરે બનાવ્યો હતો. વિશ્વભરમાં એક હજારથી વધુ ક્રિપ્ટોકરન્સી છે.

  ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરે છે

  ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન દ્વારા કાર્ય કરે છે. ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તેમાં રાખવામાં આવ્યો છે. પાવરફુલ કમ્પ્યુટર્સ તેનું નિરીક્ષણ કરે છે, જેને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કહેવાય છે. આવી સ્થિતિમાં તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેનને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર નથી. ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેંજ પર થાય છે. અત્યારે Binance, coinbase, WazirX, Coinone, crypto.com સહિતના મુખ્ય એક્સચેન્જ કાર્યરત છે.

  બ્લોક ચેન કેવી રીતે કામ કરે છે?

  ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત હોય છે. જે લોકો તેને બનાવે છે તેમને માઇનર્સ કહેવામાં આવે છે. જ્યારે ટ્રાન્ઝેક્શન ક્રિપ્ટોમાં થાય છે, ત્યારે તેની માહિતી બ્લોકચેનમાં રેકોર્ડ કરવામાં આવે છે. તેને Encryptionથી સુરક્ષિત રાખવામાં આવે છે. માઇનર્સ ક્રિપ્ટોગ્રાફિક પઝલ હલ કરે છે. તેના માટે કોડ શોધે છે. એકવાર બ્લોક માઇનર્સ દ્વારા સલામત હોવાનું સુનિશ્ચિત કરવામાં આવે એટલે તેને બ્લોકચેનમાં ઉમેરવામાં આવે છે. તે પછી નેટવર્કમાં હાજર અન્ય નોડ્સ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયાને Consensus કહેવામાં આવે છે. Consensusમાં બ્લોક સુરક્ષિત હોવાનું પુષ્ટિ આપવામાં આવે છે. તે યોગ્ય હોવાનું જણાય એટલે સુરક્ષિત કરનારા માઇનર્સને ક્રિપ્ટોકોઈન આપવામાં આવે છે.

  કેટલીક મુખ્ય ક્રિપ્ટોકરન્સીના નામ

  બિટકોઇન-બીટીસી
  ઇથેરિયમ-ઇટીએચ
  રિપલ - એક્સઆરપી
  મોનીરો- (એક્સએમઆર)
  કોસ્મોસ- (એટીઓએમ)
  બીનન્સ કોઈન-બીએનબી
  પોલકડોટ-ડીઓટી
  અનઇસ્વેપ-યુ.એન.આઇ.
  કાર્ડાનો-એડીએ
  ટીથર-યુએસડીટી
  લિટેકોઇન- (એલટીસી)
  ડોજેકોઇન

  ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ

  ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં 80 લાખ લોકો રોકાણ કરે છે. રોકાણનું કુલ મૂલ્ય આશરે રૂ.100 અરબ જેટલું હોઈ શકે છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 20 હજાર નવા રોકાણકારો જોડાયા છે. વર્ષ 2020 માં ક્રિપ્ટો માર્કેટમાં કુલ 173 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. તેવું કેટલાક અહેવાલમાં જાણવા મળ્યું છે. ભારતમાં Coinswitch, CoinFCX, WazirX જેવા ખ્યાતનામ ક્રિપ્ટો એક્સચેન્જ છે. જેનાથી બીટકોઈન સહિત અનેક મુખ્ય કરન્સીમાં કારોબાર થાય છે.

  ક્રિપ્ટોકરન્સીના ફાયદા ક્યા ક્યા?

  >> ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કરન્સી છે. આમાં છેતરપિંડીની શક્યતા નથી. એટલે કે, તેને હેક કરવું અશક્ય છે.
  >> વળતર ખૂબ સારું હોવાથી રોકાણ માટે સારું છે. રોકાણ માટે બેંકની જરૂર પડતી નથી.
  >> ઘણા ક્રિપ્ટોકરન્સી વોલેટ હોવાથી ક્રિપ્ટોમાં ખરીદી, વેચાણ અને રોકાણ કરવું ખૂબ જ સરળ છે.
  >> વિશ્વના કોઈપણ ખૂણેથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સી વોલેટથી પૈસા બેંક ખાતામાં આવતા ફક્ત 10 મિનિટનો સમય લાગે છે.

  ક્રિપ્ટોકરન્સીના નુકસાન ક્યા ક્યા?

  >> ક્રિપ્ટોકરન્સીનો સૌથી મોટું નુકસાન એ છે કે ક્રિપ્ટોકરન્સી માટે કોઈ નિયમો નથી. ક્રિપ્ટોકરન્સી કોઈપણ રાજ્ય અથવા સરકાર દ્વારા નિયંત્રિત નથી. ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કોઈ દેશ, સરકાર અથવા સંસ્થા નથી. જેથી તેની કિંમતમાં ખૂબ વધ ઘટ થાય છે. આવી સ્થિતિમાં તેમાં રોકાણ કરવું જોખમકારક છે.
  >> ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ કોડ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવે છે. જો તેને ભૂલી જાવ તો તેમાં રોકાણ કરેલી સંપૂર્ણ રકમ ડૂબી જાય છે. રકમ વસૂલ કરી શકાતી નથી.
  >> ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ગેરકાયદે રીતે પૈસા એક સ્થળેથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે. આ જ કારણે ઘણા દેશોમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ છે.

  ક્રિપ્ટોકરન્સીને લઈ ભારતમાં શું છે કાયદા?

  ભારતમાં લોકો ઘણાં વર્ષોથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. આ અંગે કોઈ નિયમ નથી. ભારતમાં તેનું નિયમન થઈ શકે છે, પરંતુ બધું અસ્પષ્ટ છે. ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલને સંસદમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા હતા. આ બિલ ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને કાનૂની રીતે નિયંત્રિત કરશે. જો કે, આ બાબતે કોઈએ હજુ જાહેરમાં નિવેદન આવ્યું નથી.

  બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું છે કે, ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના સરકારની નથી. ક્રિપ્ટોકરન્સી પર આધારિત બ્લોકચેન ટેકનોલોજીનું સરકાર રક્ષણ કરવા માંગે છે.

  શું ભારત સરકાર પોતાની કરન્સી લાવશે?

  RBI અને નાણાં મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે, તેઓ ભારતની પોતાની ડિજિટલ કરન્સી અને તેના વિનિયમન માટે કાયદો બનાવવા વિચાર કરશે. અલબત્ત, ડિજિટલ લીગલ ટેન્ડર બહાર પાડવું પડકારજનક હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.

  RBIનું શું વલણ છે?

  RBIએ બેન્કોને સૂચનો આપ્યા બાદ વર્ષ 2018માં દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ બંધ હતું. આ દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. માર્ચ 2020માં સુપ્રીમ કોર્ટે RBIના પરિપત્રને રદ કરી નાખ્યો હતો. જેથી રોકાણકારો માટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના દ્વાર ફરીથી ખુલી ગયા હતા. તે સમયે કોર્ટે સરકારને આ મામલે કાયદો ઘડવા કહ્યું હતું. અત્યારે તો ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કાયદેસર છે. થોડા દિવસો પહેલા જ ક્રિપ્ટોમાં ખાસ રસ ન હોવાનું RBIના ગવર્નર શક્તિકાંતદાસે કહ્યું હતું.

  તજજ્ઞોનું શું કહેવું છે?

  WazirXના સ્થાપક અને CEO નિશ્ચલ શેટ્ટીએ News18 Hindi.comને કહ્યું હતું કે, ભારતમાં અત્યારે આ અંગે ઘણી મૂંઝવણ છે, પરંતુ સરકારનું વલણ ખૂબ પોઝિટિવ છે. આ અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર થઈ શકે છે.

  ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા આટલી વાતનું ધ્યાન રાખો

  નિશ્ચલ કહે છે કે, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરો. ક્રિપ્ટો એક્સચેંજનું રજીસ્ટર્ડ સરનામું ક્યાં છે? તે ભારતીય કાયદા હેઠળ આવે છે કે નહીં? તેમજ કયા ક્યા રોકાણકારોએ તેમના નાણાં ક્રિપ્ટો એક્સચેંજમાં રોક્યા છે તે પણ તપાસો. ઉપરાંત તમે જે કરન્સીમાં રોકાણ કરવા માંગો છો તે હેતુ માટે બનાવવામાં આવી છે તે પણ જાણવું જોઈએ.
  First published: