Eid Milad-un-Nabi 2021: મોહમ્મદ પૈગંબરના જન્મ દિવસની ઉજવણી માટે કેટલીક ખાસ વાનગીઓ

(Representative Image: Shutterstock)

Eid Milad-un-Nabi 2021: આ તહેવારની ઉજવણીની વાત કરવામાં આવે તો સ્વાદિષ્ટ વાનગીઓને આ ઉજવણીની યાદીમાં ચોક્કસથી શામેલ કરવી જ રહી. ઈદ મિલાદ-ઉન-નબીની દાવતમાં જે વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને મૌલિદ વાનગીઓ કહેવામાં આવે છે.

  • Share this:
    આપણા દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં ઈદ મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ ધર્મમાં અલ્લાહના દૂત માનવામાં આવતા મોહમ્મદ પૈગંબરના જન્મ દિવસને ઈદ મિલાદ-ઉન-નબી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે આ તહેવારની ઉજવણીની વાત કરવામાં આવે તો સ્વાદિષ્ટ વાનગીઓને આ ઉજવણીની યાદીમાં ચોક્કસથી શામેલ કરવી જ રહી. ઈદ મિલાદ-ઉન-નબીની દાવતમાં જે વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને મૌલિદ વાનગીઓ કહેવામાં આવે છે. મહત્વનું છે કે આજના દિવસે કરવામાં આવતી દાવતમાં મોહમ્મદ પૈયગંબરના પ્રિય ખજૂર અને મધનો પણ સમાવેશ કરવામાં આવે છે. આજે અમે આપને મિલાદ-ઉન-નબીની કેટલીક ખાસ વાનગીઓ વિશે જણાવીશું.

    અસીદા

    અસીદા એક ખાસ પ્રકારની વાનગી છે. ઘઉંના લોટના બેટરમાં મધ અથવા બટર મિક્સ કરીને અસીદા તૈયાર કરવામાં આવે છે. અસીદા બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ વાત તો એ છે કે અસીદાને ફોર્ક કે ચમચી વિના પણ સરળતાથી ખાઈ શકાય છે. અસીદા બધાને વહેંચવામાં આવે છે અને તેને એક જ વાટકીમાં ખાઈ શકાય છે. અસીદા બનાવવામાં ખૂબ સરળ તો છે પણ તે તૈયાર કરતી વખતે અસીદાના બેટરને સતત હલાવતા રહેવું પડે છે, જો આમ કરવામાં ન આવે તો તેમાં ગઠ્ઠા પડી જાય છે.

    રોગન જોશ (મટન)

    રોગન જોશ એક ખૂબ જાણીતી વાનગી છે. રોગન જોશ ખાસ કરીને કશ્મીરી મુસ્લિમો દ્વારા ઈદ જેવા ખાસ દિવસો પર બનાવવામાં આવે છે. રોગન જોશ મટનમાંથી બનાવવામાં આવે છે. ધીમા તાપે તૈયાર કરવામાં આવતું રોગન જોશ એ મટનની તમામ વેરાયટીઝમાંથી સૌથી સ્વાદિષ્ટ અને ઉત્તમ મનાય છે. રોગન જોશમાં વપરાતા ખાસ મસાલાઓને કારણે તે ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાનગીને ભાત અથવા પુલાવ સાથે ખાવામાં આવે છે.

    શીર ખુરમા

    શીર ખુરમા એક એવું ડેઝર્ટ છે, જેનાંથી મોટાભાગના લોકો પરિચિત જ હશે. મુસ્લિમ સમુદાયમાં ઈદ અને ખાસ પ્રસંગોએ મીઠી વાનગી તરીકે શીર ખુરમા બનાવવામાં આવે છે. શીર ખુરમા દુધ, ખજૂર, ડ્રાય ફ્રુટ અને ઝીણી સેવને મિક્સ કરીને બનાવવામાં આવતી એક સ્વીટ વાનગી છે. શીર ખુરમા મૂળ પર્શિયન વાનગી છે. પર્શિયામાં શીર એટલે દુધ અને ખુરમા એટલે ખજૂર થાય છે, જેથી શીર ખુરમા એ મૂળ દુધ અને ખજૂરથી બનતી એક વાનગી હતી તેમ કહી શકાય પણ સમયની સાથે તેમાં ઘણા બદલાવ આવ્યા છે.

    બકલાવા

    બકલાવા મૂળ એક તુર્કિશ વાનગી છે, જેને ફીલોના લોટ થવા ફીલો શીટની મદદથી બનાવી શકાય છે. ફીલોના લોટમાં ક્રશ કરેલા પિસ્તા, તજ, બટર, લીંબુનો રસ અને ચાસણી મિક્સ કરીને બકલાવા તૈયાર કરવામાં આવે છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. બકલાવા તૈયાર કરવા માટે તમે મેંદા અને મકાઈના લોટનું મિશ્રણ પણ ઉપયોગમાં લઈ શકો છો. બકલાવા તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવતા તજને કારણે તેનાં સ્વાદમાં વધારો થાય છે. ઈદ જેવા ખાસ અવસરો પર આ વાનગી ખાસ બનાવવામાં આવતી હોય છે.

    બિરયાની

    બિરયાની એક એવી વાનગી છે, જેનું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જતું હોય છે. નાના હોય કે મોટા બિરયાની તેમને પસંદ જ હોય છે. બિરયાની બનાવવાની અલગ અલગ રીતો હોય છે, પરંતુ જ્યારે દમ બિરયાનીની વાત આવે તો તે સૌથી વધારે વખણાતી અને ટેસ્ટી બિરયાનીમાં ગણાય છે. દમ બિરયાનીમાં મીટને વિવિધ પ્રકારના ખાસ મસાલાના મિશ્રણમાં વરાળમાં પકવવામાં આવે છે, જેનો સ્વાદ લાજવાબ હોય છે. બિરયાની બનાવવા માટે બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. બિરયાની ખાવામાં ખૂજ જ સ્વાદિષ્ટ લાગે છે.
    First published: