ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) એ ગ્લોબલ વોર્મિંગ (Global Warming) ના કારણે ઉત્પન્ન થયેલ ગંભીર જોખમ અંગે ચેતવણી આપી છે. IPCCએ રિપોર્ટમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2100 સુધીમાં ધરતીના સરેરાશ તપામાનમાં પૂર્વ ઔદ્યોગિક કાળ (Pre-Industrial Era)ની સરખામણીએ 2 ટકાથી વધુ વૃદ્ધિ થઈ શકે છે. જેથી ગ્રીન હાઉસ ગેસ (Green House Emission)નું ઉત્સર્જન તાત્કાલિક ઓછું કરવા તાકીદ કરાઈ છે. IPCCએ છઠ્ઠા આકલન રિપોર્ટનો પહેલો ભાગ, પૃથ્વીના જળવાયુ પરિસ્થિતિનું મૂલ્યાંકન, પરિવર્તન અને ગ્રહ પર તેની અસરને જાહેર કરવામાં આવી છે. પૃથ્વીની જળવાયુ પરિસ્થિતિ અંગેનો આ રિપોર્ટ વ્યાપકરૂપે સ્વીકૃત વૈજ્ઞાનિક સલાહ છે. આકલન રિપોર્ટનો પહેલો ભાગ ક્લાઈમેટ ચેન્જ અંગે પોતાની દલીલોના પક્ષમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વર્ષ 1850થી 1900 વચ્ચે વૈશ્વિક તાપમાનમાં પૂર્વ ઈન્ડસ્ટ્રીયલ ટાઈમની સરખામણીએ પહેલા કરતા 1.1 ડિગ્રીની વૃદ્ધિ થઈ છે. રિપોર્ટમાં IPCCએ ચેતવણી આપી છે, કે વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રીની વૃદ્ધિ થઈ શકે છે.
મનુષ્યના જીવનને બચાવવું મુશ્કેલ થઈ જશે!
વર્ષ 2015ની પેરિસ સમજૂતી મુજબ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વૈશ્વિક તાપમાનમાં થતી વૃદ્ધિને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડીને 1.5 ડિગ્રી સુધીમાં રાખવાનો લક્ષ્યાંક છે. વૈજ્ઞાનિકો જણાવે છે, કે ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીથી વધુ વૃદ્ધિ થશે તો પૃથ્વીના જળવાયુ પર ગંભીર અસર થશે. પૃથ્વીના જળવાયુ પર ગંભીર અસર થવાને કારણે મનુષ્ય તથા પ્રાણીઓને બચાવવા મુશ્કેલ થઈ જશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધુ પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે તો પણ ધરતીના તાપમાનમાં થતી વૃદ્ધિ 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરીને 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. ત્યારબાદ તે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી શકે છે. રિપોર્ટ અનુસાર જો ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં નહીં આવે તો, તાપમાનમાં થતી વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ અથવા 2 ડિગ્રી સેલ્સિયસ સુઘીમાં રોકી નહીં શકાય. IPCCએ રિપોર્ટમાં જણાવ્યું છે, કે ગ્લોબલ વોર્મિંગ પાછળ માનવ ગતિવિધિઓ જવાબદાર છે અને તેના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે.
વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (WMO) અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)એ 1988માં IPCCનું ગઠન કર્યું હતું. IPCC સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને એક મંચ પર લાવીને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક દાવાઓની સમીક્ષા કરે છે. ત્યારબાદ જે પણ પરિણામ પ્રાપ્ત થાય છે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર