Home /News /explained /Dr Bhimrao Ambedkar Jayanti 2022: હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ થવામાં શા માટે લાગ્યા 20 વર્ષ?

Dr Bhimrao Ambedkar Jayanti 2022: હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ થવામાં શા માટે લાગ્યા 20 વર્ષ?

બાબાસાહેબ આંબેડકરે (Bhimrao Ambedkar) હંમેશા દલિતોના ઉત્થાન માટે કાર્યો કર્યા. (Image- Wikimedia Commons)

Dr Bhimrao Ambedkar Jayanti 2022: બાબા સાહેબ ભીમરાવ આંબેડકર માત્ર એક રાજકારણી જ નહિ પરંતુ એક બુદ્ધિજીવી પણ હતા. તેમણે દલિતોના ઉત્થાન માટે કાર્યો કર્યા. જ્યારે તેમણે હિંદુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પહેલા તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો કે તેમણે બૌદ્ધ ધર્મ (Buddhism) શા માટે અપનાવવો જોઈએ.

વધુ જુઓ ...
Dr Bhimrao Ambedkar Jayanti 2022: ડૉ. ભીમરાવ આંબેડકર (Dr Bhimrao Ambedkar) આધુનિક ભારતીય ઇતિહાસ (Indian History)માં એક રાજકારણી, કાયદા નિષ્ણાત, બુદ્ધિજીવી, સમાજ સુધારક અને દલિત આંદોલનના પ્રણેતા હતા. ભારતમાં જાતિવાદ(Casteism in India)ની કુપ્રથાના અત્યાચારો સહન કરતા તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને કાયદાના નિષ્ણાત બન્યા અને પછીથી સ્વતંત્ર દેશના નિર્માણમાં બંધારણ નિર્માતાઓમાંના એક બન્યા. આ સાથે તેઓ દલિતોના ઉત્થાન માટે જીવનભર લડ્યા. હિંદુ જાતિવાદથી તંગ આવીને તેમણે 1935માં જાહેર કર્યું કે 'તેઓ હિંદુ જન્મ્યા છે, પણ હિંદુ મરશે નહીં.' પરંતુ નવો ધર્મ અપનાવવામાં તેમને 20 વર્ષ લાગ્યાં. તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

બાળપણથી જ જાતિવાદનો સામનો કર્યો

ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્ય પ્રદેશના મહુમાં થયો હતો. તેઓ રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈના 14મા અને છેલ્લા સંતાન હતા. તેમનો પરિવાર મરાઠી મૂળનો હતો અને તેઓ હિંદુ મહાર જાતિના હતા, જેને અસ્પૃશ્ય માનવામાં આવતી હતી. આ કારણે ભીમરાવને બાળપણથી અને ખાસ કરીને શાળામાં ભેદભાવ અને સામાજિક પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Mahatma Phule: શા માટે દરેક ભારતીય મહિલાએ જ્યોતિરાવ ફૂલેનો આભાર માનવો જોઈએ?

એક શિક્ષિત બુદ્ધિજીવી

આંબેડકર અભ્યાસમાં ઉત્કૃષ્ટ સાબિત થયા. તેમણે બોમ્બેની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. તે પછી 1912 સુધી તેઓ બોમ્બે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા. 1913થી 1916ની વચ્ચે તેમણે ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં એમએની ડિગ્રી મેળવી, જેમાં અર્થશાસ્ત્ર મુખ્ય વિષય હતો. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ડોક્ટરેટની પદવી મેળવી, જે તેમણે ઔપચારિક રીતે 1927માં પ્રાપ્ત કરી.

Dr Ambedkar Jayanti
ડૉ. આંબેડકરે કાયદાની ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી, તેમ છતાં તેમને પોતાના દેશમાં અસ્પૃશ્યતા અને ભેદભાવનો સામનો કરવો પડ્યો. (Image- Wikimedia Commons)


ભેદભાવે પીછો ન છોડ્યો

વિદેશ જતાં પહેલા અને આવ્યા બાદ પણ આંબેડકરને ભેદભાવ અને છૂઅછૂતનો સામનો કરવો પડ્યો. એટલે સુધી કે વિદ્યાર્થીઓમાં તેઓ લોકપ્રિય પ્રોફેસર હતા, પણ સાથી પ્રોફેસરો તરફથી તેમને ભેદભાવ જ મળ્યો. 1926માં જ તેઓ રાજકારણમાં આવ્યા અને દલિતો માટે કામ કરવાનું શરુ કર્યું, પરંતુ તેમને અહીં વધારે નિરાશાનો સામનો કરવો પડ્યો અને મહાત્મા ગાંધી સુધી તેમના મતભેદ રહ્યા.

હિંદુ ધર્મથી નિરાશા

પોતાના કડવા અનુભવો અને મોટા-મોટા રાજનેતાઓથી નિરાશા મળ્યા બાદ તેમણે 1935માં કહ્યું, ‘હું હિંદુ ધર્મમાં જન્મ્યો છું, પરંતુ હિંદુ રહીને મરીશ નહીં.’ તેમણે દલિતોને કહ્યું કે જો તેઓ પોતાનું ઉત્થાન ઇચ્છે છે તો એ માટે તેમણે ખુદ પ્રયત્નો કરવા પડશે. એ સમયે તેમણે અન્ય ધર્મ ન અપનાવ્યો.

Dr Ambedkar Jayanti
ડૉ.ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ પર એક પુસ્તક લખ્યું જેમાં તેમણે બુદ્ધના જીવન પર પ્રકાશ પાડ્યો છે. (Image- Wikimedia Commons)


તરત જ ધર્મ પરિવર્તન કેમ ન કર્યું?

આંબેડકર જાણતા હતા કે ધર્મ પરિવર્તન એ ભારતમાં જાતિવાદનો ઉકેલ નથી, તેથી તેમણે તેના માટે ઉતાવળ કરી ન હતી. તેઓ માનતા હતા કે વાત માત્ર તેમના ધર્માંતરણની નહીં પરંતુ આખા સમાજની હતી. તેથી તેમણે તમામ ધર્મોના ઇતિહાસને સમજવા અને લેખો લખીને શોષિત સમાજને જાગૃત કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો: Morarji Desai: જ્યારે ગોધરા રમખાણોને કારણે મોરારજીને છોડવું પડ્યું કલેક્ટરનું પદ

જાતિવાદનો ઊંડો અભ્યાસ

આંબેડકરે 1940માં ધ અનટચેબલ્સમાં ઉલ્લેખ કર્યો કે ભારતમાં અસ્પૃશ્ય ગણાતા લોકો વાસ્તવમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હતા. તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે આ ધર્મ સૌથી વૈજ્ઞાનિક અને તર્કસંગત ધર્મ છે. 1946માં તેમનું પુસ્તક 'હૂ વર ધ શુદ્રાઝ' પ્રકાશિત થયું હતું જેમાં તેમણે ઐતિહાસિક દૃષ્ટિકોણથી શૂદ્ર વર્ણની ઉત્પત્તિ વિશે વિગતવાર વર્ણન કર્યું હતું જેમાં તેમણે મહાભારત અને વેદ દ્વારા સાબિત કર્યું હતું કે શુદ્રો ખરેખર આર્ય જ હતા.

1950ના દાયકામાં તેમનો બૌદ્ધ ધર્મ તરફ ઝુકાવ વધવા લાગ્યો. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ બૌદ્ધ ધર્મ પર એક પુસ્તક લખી રહ્યા છે અને તે પૂર્ણ કર્યા બાદ તેઓ બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. 14 ઓક્ટોબર 1956ના રોજ તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તે પછી 5 લાખ અનુયાયીઓએ પણ આંબેડકરના માર્ગદર્શન હેઠળ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમણે 6 ડિસેમ્બર 1956ના રોજ તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા પોતાનું પુસ્તક ‘ધ બુદ્ધા એન્ડ હિઝ ધમ્મ’ પુસ્તક પૂર્ણ કર્યું હતું.
First published:

Tags: Dr. Ambedkar, Explained, Today history, જ્ઞાન