નવી દિલ્હી: આજે એટલે કે 27 માર્ચના રોજ સર સૈયદ અહમદ ખાન (Syed Ahmad Khan)ની પુણ્યતિથિ છે. તેમણે 1898માં દુનિયામાંથી વિદાય લીધી હતી. તેમણે મુસ્લિમો (Muslims)ને આધુનિક શિક્ષા સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે સ્થાપિત કરેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University) આજે એક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થા માનવામાં આવે છે.
સૈયદ અહમદ તકવી બિન સૈયદ મુહમ્મદ મુતાકીનો જન્મ 17 ઓક્ટોબર 1817માં દિલ્હી ખાતે થયો હતો. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી મુઘલ પ્રશાસનના પદો પર કાર્યરત રહ્યો છે. પરંતુ તેમના બાળપણ દરમિયાન તેમનો પરિવાર દેવામાં ડૂબેલો હતો. જ્યારે તેઓ 22 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઇ ગયું હતું. જે બાદ તેમણે નાની ઉંમરે નોકરી કરીને પરિવારનો ખર્ચ ઉઠાવ્યો હતો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી
સર સૈયદ અહમદે વર્ષ 1830માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ક્લર્ક તરીકે નોકરી શરુ કરી હતી. જે બાદ તેમણે પોતાની યોગ્યતાના આધારે 1841માં મૈનપુરીમાં ઉપ ન્યાયાધીશની જગ્યા સંભાળી. જે બાદ તેમણે ઘણી ન્યાયિક જગ્યાઓએ ફરજ બજાવી. જોકે, ઊંચા હોદ્દે પહોંચ્યા હોવા છતાં તેમણે હંમેશા સામાન્ય જીવન વિતાવ્યું હતું.
ક્રાંતિનો સમય
1857ના સમયે તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરતા હતા. આ દરમિયાન તેમણે ઘણા અંગ્રેજ અધિકારીઓને બચાવ્યા હતા. કહેવાય છે કે તેઓ અંગ્રેજોના સમર્થક હતા. પરંતુ આ ક્રાંતિ દરમિયાન તેમના ઘણા સંબંધીઓ માર્યા ગયા. જે બાદ અંગ્રેજો પ્રતિ તેમની ધારણા બદલાઈ હતી. પરિણામે તેઓ દેશ છોડીને ઇજિપ્તમાં વસવાનું વિચાર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે ક્રાંતિ બાદ અસબાબ એ બગાવત એ હિન્દ નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે એ વાતને રદિયો આપ્યો કે ક્રાંતિ કેટલાક મુસ્લિમ અમીરોનું ષડયંત્ર હતું.
સ્કૂલોની સ્થાપના
સર સૈયદ અહમદને પશ્ચિમી શિક્ષામાં ફાયદો દેખાયો, તેમને 1850ના દર્શક દરમિયાન ભારતના મુસલમાનોની ચિંતા થતી હતી. તેઓ ગણિત, ચિકિત્સા અને સાહિત્યના ઘણા વિષયોમાં પારંગત હતા. કહેવાય છે કે તેમની બદલી જ્યાં પણ થાય ત્યાં તેઓ સ્કૂલ ખોલી દેતા હતા. તેમણે મુરાદાબાદમાં મદ્રેસાની સ્થાપના કરી પરંતુ બાદમાં તેમને લાગ્યું કે અંગ્રેજી અને વિજ્ઞાન વિના કામ નહીં ચાલે જેથી તેમણે મુસ્લિમ બાળકોને મોડર્ન એજ્યુકેશન મળે તે હેતુથી સ્કૂલોની સ્થાપના કરી.
જોકે, તેમણે મુસ્લિમોને આધુનિક શિક્ષણ મળે તે માટે કોલેજનો પાયો નાંખ્યો ત્યારે ધાર્મિક મુસલમાનોએ તેમની ખૂબ આલોચના કરી હતી. એટલું જ નહીં મુસલમાનો તેમને કુફ્રનો ફતવો આપતા હતા અને મૌલવીઓ તેમને કાફીર પણ કહેતા હતા. શરૂઆતમાં હિન્દી-મુસ્લિમ એકતાના સમર્થક રહેલા સૈયદ બાદમાં બંને ધર્મો માટે અલગ રાષ્ટ્રની માંગ કરવા લાગ્યા હતા. તેમણે પોતાના જીવનના છેલ્લા બે દશક અલીગઢમાં વિતાવ્યા હતા, જ્યાંની કોલેજ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી તરીકે ઓળખાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર