Cytomegalovirus: કોરોના કાળમાં હવે સાઈટોમેગલોવાયરસનું જોખમ, જાણો શું છે તેના લક્ષણો અને COVID સાથેનો સંબંધ

પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન વધુ એક સંક્રમણ સાઈટોમેગલો (Cytomegalovirus)  વાયરસ જોવા મળ્યું છે. જેને ટૂંકમાં CMV કહેવાય છે. આ વાયરસનો શિકારો અનેક લોકો બની ચૂક્યા છે

 • Share this:
  ભારત સહિત વિશ્વમાં કોરોના (Coronavirus) મહામારીની ઊંડી અસર જોવા મળી છે. બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા છે. અનેક પરીવારો બરબાદ થઈ ગયા છે. ત્રીજી લહેર વધુ ભયંકર હશે તેવી ધારણા છે. બીજી લહેરમાં તો બ્લેક ફંગસ  (Black Fungus)સહિતની અનેક આડઅસરો પણ જોવા મળી છે. આ દરમિયાન વધુ એક સંક્રમણ સાઈટોમેગલો (Cytomegalovirus)  વાયરસ જોવા મળ્યું છે. જેને ટૂંકમાં CMV કહેવાય છે. આ વાઇરસનો શિકારો અનેક લોકો બની ચૂક્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં કોરોનાના છ દર્દીઓમાં આ વાયરસનું સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું. તો ચાલો સાઈટોમેગલોવાયરસ શું છે? તે કેટલો જોખમી છે? અને કોરોના સાથે તેનો શું સંબંધ છે તે અંગે જાણીએ.

  શું છે સાઈટોમેગલોવાયરસ?

  આ સામાન્ય રીતનો હર્પીજ વાયરસ છે. આમ તો આ સામાન્ય વાયરસ છે. પરંતુ આ વાયરસના લક્ષણો દેખાતા ન હોવાથી મોટાભાગના લોકો આ વાયરસ અંગે જાણતા નથી. આ વાયરસ શરીરમાં શુપ્ત અવસ્થામાં રહે છે. ગર્ભવતી મહિલાઓ અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, તેઓ સામે સ્વાસ્થ્ય સંબંધી પડકારો ઊભા કરે છે. ઘણી વખત સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.

  કઈ રીતે ફેલાય છે સંક્રમણ?

  આ વાયરસ શરીરમાં દ્રવ્યો દ્વારા ફેલાય છે. લોહી, લાળ, આંસુ સહિતના દ્રવ્યોના સંપર્કમાં આવેલા લોકોમાં ભય ફેલાઈ શકે છે. આ વાયરસ ગર્ભવતી મહિલાઓમાંથી તેમના બાળક સુધી જાય છે. બાળકમાં લક્ષણ જોવા પણ મળી શકે છે. આમ તો આ વાઇરસની શોધ 40 વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી. પરંતુ કોરોના વચ્ચે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર આ વાઇરસનો હુમલો ઝડપથી થઇ રહ્યો છે અને લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

  ગમે તે વ્યક્તિને લાગી શકે સંક્રમણ

  અમેરિકાના ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનસ CDCના અનુમાન મુજબ આ વાયરસથી સંક્રમિત થયેલા મોટાભાગના લોકો 40 વર્ષથી ઉપરની વયના છે. આ સ્ત્રી-પુરુષોને સમાન રીતે પ્રભાવિત કરે છે. અલબત્ત, રોગપ્રતિકારક શક્તિ પર લક્ષણો આધારિત હોય છે.

  અલગ અલગ લક્ષણ

  દર્દીઓમાં તાવ, પરસેવો, થાક, કળતર, ગળાના દુ:ખાવા, સાંધા અને સ્નાયુમાં દુઃખાવો, ઓછી ભૂખ અને વજન ઘટવા સહિતના દુ:ખાવા જેવા લક્ષણો જોવા મળે છે. જે 2 અઠવાડિયાની અંદર ચાલ્યા પણ જાય છે.

  આ લક્ષણો પણ સામે આવી શકે

  આ વાયરસના લક્ષણો અસરગ્રસ્ત અંગ પર નિર્ભર કરે છે. જેમાં આંખો, ફેફસાં, પાચક તંત્ર મુખ્ય છે. તાવ, ઝાડા, પેટના અલ્સર, લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, મોઢામાં ચાંદા, દ્રષ્ટિની તકલીફ, મગજની સોજો તેમજ ગંભીર સંજોગોમાં કોમામાં પણ સરકી શકે છે. જ્યારે પણ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આવા લક્ષણો દેખાય ત્યારે તેમને તબીબી સહાયની જરૂર પડે છે.

  ચિંતાની વાત કઈ છે?

  કોન્જેનિટલ CMV સૌથી જોખમી CMV હોય છે. જોકે, તે ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. CMV લક્ષણો સાથે પેદા થયેલા 90 ટકા બાળકોમાં આ સંક્રમણ જોવા મળતું નથી. અલબત, કોન્જેનિટલ CMVના લક્ષણ ખૂબ જોખમી હોય શકે છે. દર્દી એક કાનમાંથી સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી શકે છે. આ ઉપરાંત ન્યુમોનિયા, લીવર અને કમળા સહિતની તકલીફો પણ ઉભી થઇ શકે છે. બાળપણમાં વજન ઓછું થઈ જાય તેવા ગંભીર લક્ષણ જોવા મળે છે. બાળકોમાં ઓટીઝમ, ખેંચ આવવી જેવા રોગની સમસ્યાની દહેશત પણ ઉભી થાય છે.

  શું છે સારવાર?

  હજુ સુધી વિજ્ઞાનિકો CMVની રસી શોધી રહ્યા છે. આ બીમારીની કોઈ ચોક્કસ સારવાર નથી. શરૂઆતમાં લક્ષણો સ્પષ્ટતાથી દેખાતા પણ નથી. પરિણામે લોકો સારવાર માટે લક્ષણ આધારિત દવાઓનું સેવન કરવા લાગે છે. આવી રીતે સારવાર કરવામાં કોઇ નુકશાન પણ નથી. પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. ગંભીર દર્દીઓએ ખાસ દવાઓ લેવી જોઈએ, જેનાથી સંક્રમણ ફેલાય નહિ.

  કોરોના સાથે શું છે સંબંધ?

  આ બીમારીને કોરોના વાયરસ સાથે શું સંબંધ છે? તે પ્રશ્ન ઉઠી શકે. કોવિડ 19 અને CMV વચ્ચેની કડી નબળી રોગપ્રતિકારક શક્તિ છે. કોરોના વાયરસ રોગ પ્રતિકારક શક્તિ નબળી કરી નાખે છે અને દર્દી CMVના સંક્રમણ માટે સરળ શિકાર બની જાય છે. આ સંક્રમણ ગંભીર બની શકે છે. જેથી સાવધાન રહેવું જરૂરી છે.
  First published: