Home /News /explained /ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આટલા નિયમોને અનુસરવામાં જ શાણપણ, આવી ટ્રેપમાં આવશો નહીં
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આટલા નિયમોને અનુસરવામાં જ શાણપણ, આવી ટ્રેપમાં આવશો નહીં
ક્રેડિટ કાર્ડના ઉપયોગ વખતે સાવચેતી રાખો.
Credit card use: દરેક ક્રેડિટ કાર્ડ 50 દિવસની બિલિંગ સાયકલ (billing cycle) ધરાવે છે. જો તમે બિલિંગ સાયકલના પ્રથમ દિવસે જ ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કર્યો હોય, તો તમારી પાસે ચૂકવણી કરવા માટે 50 દિવસ હોય છે.
મુંબઈ: છેલ્લા આઠ વર્ષમાં ક્રેડિટ કાર્ડ (Use of credit card)ની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ છેલ્લા આઠ વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા 3 ગણી એટલે કે 6.2 કરોડ જેટલી થઇ ગઈ છે. બીજી તરફ માસિક ટ્રાન્ઝેક્શન 4.7 ગણું વધ્યું છે. એકંદરે ક્રેડિટ કાર્ડના યુઝર્સ અને લેવડદેવડમાં વધારો નોંધાયો છે. જો લોકો સાવચેતીથી ઉપયોગ કરે તો ક્રેડિટ કાર્ડ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. જેથી અહીં ક્રેડિટ કાર્ડનો વધુને વધુ ફાયદો કઈ રીતે લઈ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.
બીલિંગ સાયકલને અનુસરવી જરૂરી
દરેક ક્રેડિટ કાર્ડ 50 દિવસની બિલિંગ સાયકલ (billing cycle) ધરાવે છે. જો તમે બિલિંગ સાયકલના પ્રથમ દિવસે જ ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કર્યો હોય, તો તમારી પાસે ચૂકવણી કરવા માટે 50 દિવસ હોય છે. જો તમે બિલિંગ સાયકલના 30મા દિવસે ખર્ચ કર્યો હોય, તો ચુકવણી કરવા માટે તમારી પાસે 20 દિવસ હોય છે. આ 20-50 દિવસ વ્યાજમુક્ત રહે છે.
દા.ત. તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ દર મહિને 10 તારીખે શરૂ થતી હોય, તો આ દરમિયાન ખર્ચ કરવા માટે તમારી પાસે આવતા મહિનાની 9 તારીખ સુધીનો સમય રહે છે. ત્યારબાદ નવી સાઇકલ શરૂ થઈ જાય છે. અલબત્ત ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે તમને આગલા મહિનાની 29 તારીખ સુધીનો સમય મળે છે. જો તમે 29 તારીખે ચુકવણી ન કરો અને વધુ એક અઠવાડિયું નીકળી જાય, તો જ્યાં સુધી આખું અમાઉન્ટ ચૂકવાઈ ન જાય ત્યાં સુધી તમારે દરરોજ વ્યાજ ચૂકવવું પડે.
એટલું જ નહીં, જ્યાં સુધી તમે બાકી રકમ નહીં ચૂકવો ત્યાં સુધી આગામી સાયકલ માટેનો વ્યાજ મુક્ત પિરિયડ નહીં જોવા મળે. સરળ ભાષામાં કહીએ તો જો તમે ક્રેડિટ કાર્ડના પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહેશો તો આગળની સાયકલમાં નવી ખરીદી કરવા પર પણ વ્યાજ વસુલ કરવામાં આવશે.
રોકડ ન ઉપાડશો
દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા અમુક રોકડ ઉપાડવાની સુવિધા આપવામાં આવે છે. તમારે રોકડની મર્યાદા જાણી લેવી જરૂરી છે. ઇમરજન્સીની સ્થિતિમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. અલબત રોકડ ઉપાડવા પર વ્યાજ લાગતું હોવાથી સામાન્ય પરિસ્થિતિમાં રોકડ ઉપાડવી ન જોઈએ. રોકડ ઉપાડવાની સાથે જ કેશ વિથડ્રોઅલનો ચાર્જ લાગુ થઈ જાય છે. જે વેલ્યુના 2.5થી 3.5 ટકા જેટલો હોય શકે છે. જેથી તેનાથી બચીને રહેવું. પૈસા ઉપાડવા તમારા ડેબિટ કમ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ.
ક્રેડિટ કાર્ડનું બિલ મીનિમમ એમાઉન્ટ સાથે આવે છે. જેની પાછળ ચતુરાઈ વાપરવામાં આવી હોય છે. જો તમે મીનિમમ એમાઉન્ટ ચૂકવો તો વ્યાજથી બચી શકશો નહીં. તમારી પાસે નવી ખરીદી અને જેટલી રકમ બાકી છે, તેના પર દૈનિક વ્યાજ લેવામાં આવશે. ક્રેડિટ કાર્ડનું વ્યાજ 2-3.75 ટકા એટલે કે વાર્ષિક 28થી 45 ટકા જેટલું હોય છે.
ક્રેડિટ કાર્ડની આઉટસ્ટેન્ડિંગ ડ્યુ પર કેટલું વ્યાજ લેવામાં આવે છે? તે બેંકની વેબસાઇટ પર પણ બતાવવામાં આવતું નથી. તમારા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં પણ આ આંકડો ખૂણામાં છપાયો હોય છે. કેટલાક ક્રેડિટ કાર્ડમાં વ્યાજ ઓછું લાગે છે, પરંતુ તેની મેમ્બરશીપ જાળવી રાખવા વર્ષ દરમિયાન ખૂબ વધુ ખર્ચ કરવો પડતો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, HDFC Infinia Credit Cardનો માસિક વ્યાજ દર 2 ટકા છે. જ્યારે HDFC Regalia Credit Cardમાં 3.6 ટકા વ્યાજદર છે. Regaliaમાં 25000 રૂપિયાની મેમ્બરશિપ ફીથી બચવા માટે વર્ષે રૂ. 3 લાખનો ખર્ચ કરવો પડે છે. જ્યારે Infiniaમાં રૂ. 10,000 જેટલી મેમ્બરશિપ ફિથી બચવા વર્ષે રૂ. 8 લાખનો ખર્ચ કરવો પડે છે.
નીચા વ્યાજ દર વધુ ખર્ચ કરવાની પ્રોત્સાહન છે. પરંતુ હજુ ઘણા ચાર્જ લાગે છે. દર વખતે જ્યારે તમે તમારું ક્રેડિટ કાર્ડ વિદેશમાં સ્વાઇપ કરો અથવા તો ભારતમાંથી વિદેશી ચલણમાં ઓનલાઈન માલ ખરીદો છો, ત્યારે ફોરેન કરન્સી માર્કઅપ ચાર્જ લાગુ પડે છે.
ક્રેડિટ વધારવા મામલે આ જાણો
ક્રેડિટ વધારવા માટે તમારી બેંક તમારી પાસે કાલાવાલા કરશે. દરેક ક્રેડિટ કાર્ડની એક સીમા હોય છે. જે મુજબ તમે ખર્ચ કરો છો. મોટાભાગે આ સીમા તમારી ક્ષમતા કરતાં વધુ હોય છે. ઉદાહરણ તરીકે તમે પ્રથમ નોકરી વખતે પ્રથમ ક્રેડિટ કાર્ડ લીધું હતું. તે સમયે રૂ.50 હાજરથી રૂ.1 લાખ સુધીની સીમા હતી. પરંતુ કેરિયરના પ્રારંભમાં જ દર મહિને રૂ. 1 લાખ જેટલી રકમ ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવી તે યોગ્ય નથી.
જો તમે ક્રેડિટ કરતાં વધુ રકમ ખર્ચી નાખો તો દંડ લાગે છે. જે 2.5 ટકા વ્યાજ સુધીનો હોય શકે છે. તમને રિવોર્ડ પોઇન્ટના લાભ ડિસ્કાઉન્ટ, ગિફ્ટ વાઉચર અને વીમા કવચ સહિતના લાભના માધ્યમથી ક્રેડિટ કાર્ડ લેવા આકર્ષવામાં આવે છે. આવી સ્થિતિમાં તણાવમુક્ત રહેવા માટે ક્રેડિટ કાર્ડનો ખૂબ જાળવણીથી ઉપયોગ કરવો જરૂરી છે. (LISA BARBORA- Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર