Home /News /explained /Water-fuelled Car: શું પેટ્રોલ-ડિઝલની જેમ પાણીથી પણ ચાલી શકે છે કાર? શું કહે છે અત્યાર સુધીના પ્રયોગ

Water-fuelled Car: શું પેટ્રોલ-ડિઝલની જેમ પાણીથી પણ ચાલી શકે છે કાર? શું કહે છે અત્યાર સુધીના પ્રયોગ

2008માં એક જાપાની કંપની જેનપેક્સે દાવો કર્યો હતો કે તેમની કાર ફક્ત પાણી અને હવા પર ચાલવા સક્ષમ છે.

Water-fuelled Car: પેટ્રોલ, ડીઝલ અને ગેસ બાદ હવે ઈલેક્ટ્રિક કાર લોકપ્રિય થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારો યુગ તેનો છે. હાઇડ્રોજન એનર્જીના માધ્યમથી પણ ચાલતી કારનું ઉત્પાદન થઈ રહ્યું છે. એવામાં શું પાણીથી ચાલતી કાર (Car Run By Water) પણ જોવા મળશે?

વધુ જુઓ ...
  Water-fuelled Car: એવું લાગે છે કે થોડા વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ કાર ભંગાર બની જશે અને તેનું સ્થાન ઇલેક્ટ્રિક (Electric Cars) અથવા હાઇબ્રિડ કાર (Hybrid Cars) લઈ લેશે. 30 માર્ચે કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી હાઈડ્રોજન કારમાં બેસીને સંસદ પહોંચ્યા હતા. કારના ગ્રીન ફ્યુઅલને લઈને વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ પણ થાય છે કે આપણા વાહનો પાણીથી કેમ ચાલી શકતા નથી. થોડા વર્ષો પહેલા ફક્ત પાણીની વરાળ પર ચાલતા એન્જિનો જ ટ્રેનને ખેંચતા હતા ને!

  અત્યાર સુધી સામાન્ય રીતે પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર કાર ચાલતી હતી. તેને અશ્મિભૂત ઇંધણ પણ કહેવામાં આવે છે. પેટ્રોલિયમ ઇંધણ હાઇડ્રોકાર્બનમાંથી બનાવવામાં આવે છે. હાઇડ્રોકાર્બન પરમાણુઓ મોટાભાગે કાર્બન અને હાઇડ્રોજન અણુઓ ધરાવે છે.

  આ પણ વાંચો: OMG! કારના ધુમાડાથી જ ચાલશે તમારી કાર, પહેલા ખર્ચાળ હતી આ ટેકનોલોજી અને હવે..

  આ સાથે ઓક્સિજન જેવા કેટલાક અન્ય તત્વો પણ તેમાં હાજર છે. માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ લાકડા, કોલસા, કાગળ વગેરેમાં હાઈડ્રોકાર્બન હોય છે. તેને બાળીને ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે.

  તો કેવી રીતે ઉત્પન્ન થાય છે ઊર્જા

  જ્યારે તમે હવામાં હાઇડ્રોકાર્બન બાળો છો ત્યારે તેના અઓ તૂટી જાય છે. આ પછી ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઇડ (CO2) ગેસ અને પાણી (H2O) બને છે. આ પ્રક્રિયામાં પરમાણુઓના તૂટવા અને જોડાવાને કારણે મુક્ત થતી ઊર્જા ગરમી તરીકે બહાર આવે છે. આને જ્વલન (combustion) કહેવાય છે. આનાથી ઘણી ઊર્જા ઉત્પન્ન થાય છે.

  water car future
  પાછલા દિવસોમાં ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયેલના સંયુક્ત ઉપક્રમે પણ પાણીથી ચાલતી કાર બનાવવાની જાહેરાત કરી હતી, જે ઇઝરાયેલની ટેક્નોલોજીથી હાઇડ્રોજન પર આધારિત હશે.


  માણસે સૌપ્રથમ ઊર્જાનું સ્વરૂપ ક્યારે જાણ્યું?

  હજારો વર્ષોથી હાઇડ્રોકાર્બનનો ઉપયોગ ઊર્જા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. જ્યારે માનવીઓ અગ્નિનો ઉપયોગ કરવાનું શીખ્યા ત્યારે પ્રથમ વખત ઊર્જા પેદા થઈ. વાહનો ચલાવવા માટે જરૂરી છે કે આ ઊર્જા ગરમીના રૂપમાં નહીં, પરંતુ મશીનો ચલાવી શકાય તેવા સ્વરૂપમાં ઉત્પન્ન થાય. વાહનોમાં પેટ્રોલ અથવા ડીઝલની કમ્બશન - જ્વલન પ્રક્રિયા બંધ ડબ્બામાં એટલે કે એન્જિનમાં થાય છે. આ એન્જિન તેમનું કામ એવી રીતે કરે છે કે તેઓ મહત્તમ ઊર્જાનો ઉપયોગ કરે.

  શા માટે પાણીને બળતણ તરીકે બાળી શકાતું નથી

  બીજી બાજુ એ પણ સાચું કે પાણીને બળતણની જેમ બાળી શકાતું નથી. વાસ્તવમાં પાણીની કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી, જેની મદદથી પાણીનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય. જો કે, જ્યારે પાણી ગરમ વરાળમાં ફેરવાય છે, ત્યારે તે ઊર્જા ઉત્પન્ન કરે છે, પરંતુ આ ઊર્જાની ઉત્પત્તિ માટે પાણીને ગરમ કરવા માટે કોલસો અથવા અન્ય બળતણની પણ જરૂર પડે છે, તેથી આ પ્રક્રિયા નાના વાહનો અને કારમાં ઉપયોગી નથી.

  તો પછી સ્ટીમ એન્જિન કેવી રીતે કામ કરતા હતા?

  એ વાત સાચી છે કે સ્ટીમ એન્જિન વરાળની શક્તિથી ચાલતું હતું, પરંતુ તેમાં સતત મોટા પાયે કોલસો નાખવો પડતો હતો. આ કારણોસર આ ટેકનીકની જગ્યા ફરીથી ઇલેક્ટ્રિક અથવા ડીઝલ એન્જિને લઈ લીધી.

  water car future
  અત્યાર સુધી ઘણી કંપનીઓએ પાણીથી ચાલતી કારની ટેક્નોલોજીની શોધ કરવાનો દાવો કર્યો છે, પરંતુ તેઓ એમ કરવામાં નિષ્ફળ રહી છે.


  પાણીમાંથી ઊર્જા ક્યારે ઉત્પન્ન થાય છે

  રાસાયણિક ક્રિયાઓ વિશે વાત કરીએ તો એકલા પાણીમાંથી રાસાયણિક ઊર્જા કાઢવાની કોઈ રીત નથી. હા, જ્યારે પાણીને ખૂબ જ બળ સાથે છોડવામાં આવે છે, ત્યારે તે ચોક્કસપણે ઊર્જા ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ અથવા ડેમમાં થાય છે. મોટા ડેમમાં ટર્બાઇન પર ખૂબ ઊંચાઈએથી પાણી છોડવામાં આવે છે. ટર્બાઇનને ફેરવવાથી વીજળી ઉત્પન્ન થાય છે. પરંતુ કારમાં આટલી ઊંચાઈ ક્યાંથી મેળવવી. માટે તેમ કરવું મુશ્કેલ બને છે.

  આ પણ વાંચો: Covid-19 Vaccine: એ નાનકડો દેશ, જેણે કોવિડની 1-2 નહીં, પરંતુ 5 વેક્સિન બનાવી!

  તો પાણીથી ચાલતી ગાડી ઘણી જોખમી સાબિત થશે..

  ધારો કે તમે પાણીથી ચાલતી ગાડી બનાવવા માંગો છો, તો પહેલા તમારે એવા ઉપકરણની જરૂર પડશે જે પાણીના અણુઓને તોડી શકે અને ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ કરી શકે. બંને ગેસને અલગ-અલગ ટાંકીમાં રાખવાના હોય છે. આ પછી તેમના માટે કમ્બશન સિસ્ટમની જરૂર પડશે, જેથી બંનેને બાળી શકાય. પરંતુ આ પ્રક્રિયા બહુ અસરકારક નહીં હોય. અધૂરામાં પૂરું, હાઈડ્રોજનના કારણે જો બે વાહનોની નાની અથડામણ થાય તો મોટો વિસ્ફોટ થઈ શકે છે.

  આ કંપનીએ પાણીથી ચાલતી કાર બનાવવાનો દાવો કર્યો હતો

  2002માં જિનેસિસ વર્લ્ડ એનર્જીએ જાહેરાત કરી હતી કે તેણે એક વાહન વિકસાવ્યું છે જે હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરીને અને પછી પાણીના રૂપમાં પુનઃસંયોજિત કરીને ઊર્જા મેળવશે. કંપનીએ આ માટે રોકાણકારો પાસેથી 25 લાખ ડોલર પણ લીધા હતા, પરંતુ તેઓ આજ સુધી બજારમાં આવી કોઈ ગાડી લાવી શક્યા નથી.

  જાપાનીઝ કંપનીનો દાવો પણ ફેઇલ ગયો

  2008માં એક જાપાની કંપની જેનપેક્સે દાવો કર્યો હતો કે તેમની કાર ફક્ત પાણી અને હવા પર ચાલવા સક્ષમ છે. ઘણી ચર્ચા અને તપાસ પછી પોપ્યુલર મિકેનિક્સ નામના મેગેઝિને જેનપેક્સના દાવાઓને રદિયો આપ્યો. જેનપેક્સે મીડિયા સમક્ષ જે ગાડીનું પ્રદર્શન કર્યું તે વાસ્તવમાં એક ઈલેક્ટ્રિક કાર હતી જેનું ભારતમાં ઉત્પાદન થયું હતું. તે યુકેમાં જી-વિઝ (G-Wiz) નામથી વેચવામાં આવ્યું હતું.

  ભૂતકાળમાં ઘણી વખત પાણીથી ચાલતી ગાડીઓના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા. જો કે, આપણે આશા રાખવી જોઈએ કે ભવિષ્યમાં આવું કંઈક બને અને ગાડીઓ પાણીથી દોડવા લાગે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Cars, Electric car, Explained, Fuel, જ્ઞાન, પાણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन