Home /News /explained /આજનો ઇતિહાસ: મહાન વૈજ્ઞાનિક Albert Einsteinનું નિધન, જાણો કેટલું ખાસ હતું તેમનું દિમાગ
આજનો ઇતિહાસ: મહાન વૈજ્ઞાનિક Albert Einsteinનું નિધન, જાણો કેટલું ખાસ હતું તેમનું દિમાગ
આઈન્સ્ટાઈનના મૃત્યુ પહેલા જ તેમનું મગજ અભ્યાસનો વિષય બની ચૂક્યું હતું. (Image- Pixabay)
Albert Einstein Death Anniversary: 18 એપ્રિલ 1955ના રોજ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું અવસાન થયું. તેમનું મગજ (Brain of Albert Einstein) અભ્યાસ માટે રાખવામાં આવ્યું, પરંતુ પાછળથી તે ચોરાઈ ગયું અને તેના ટુકડેટુકડા પણ કરવામાં આવ્યા. ચાલો જાણીએ કે તેમનું મસ્તિષ્ક કેટલું અને શા માટે ખાસ હતું.
Albert Einstein Death Anniversary: વિજ્ઞાનના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિકનું એટલું અધ્યયન થયું હશે જેટલું આલ્બર્ટ આઈન્સ્ટાઈન (Albert Einstein)નું થયું હોય. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી માનવામાં આવે છે, જેમણે વિશ્વને ફોટોઈલેક્ટ્રીક અસર અને સાપેક્ષતાનો સિદ્ધાંત (Theory of Relativity) આપીને વિજ્ઞાનની દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો. આઈન્સ્ટાઈનને હંમેશા સામાન્ય વ્યક્તિ કરતાં વધુ બુદ્ધિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. 18 એપ્રિલ 1955ના રોજ તેમનું અવસાન થયું, તેમનું મગજ (Brain of Albert Einstein) અભ્યાસ માટે રાખવામાં આવ્યું, પરંતુ પાછળથી તે ચોરાઈ ગયું અને તેના ટુકડેટુકડા પણ કરવામાં આવ્યા. ચાલો જાણીએ કે તેમનું મસ્તિષ્ક કેટલું અને શા માટે ખાસ હતું.
ઈચ્છા વિરુદ્ધ કાઢવામાં આવ્યું દિમાગ
આઈન્સ્ટાઈનના મૃત્યુ પહેલા જ તેમનું મગજ અભ્યાસનો વિષય બની ચૂક્યું હતું. જ્યારે અમેરિકાના ન્યુ જર્સીના પ્રિન્સટનમાં તેમનું અવસાન થયું ત્યારે થોમસ હાર્વી નામના પેથોલોજિસ્ટે પોસ્ટમોર્ટમ દરમિયાન તેમનું બ્રેઇન બહાર કાઢી લીધું હતું. અહીં વિચિત્ર વાત એ હતી કે આઈન્સ્ટાઈને ક્યારેય પોતાના મગજને બહાર કાઢવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી.
હાર્વીએ પરવાનગી વગર જ આઈન્સ્ટાઈનનું મગજ તેમના શરીરમાંથી કાઢી લીધું હતું. એટલે એમ કહી શકાય હાર્વીએ ટેક્નિકલી આઈન્સ્ટાઈનનું મગજ ચોરી લીધું હતું. એટલું જ નહીં, હાર્વીએ તેમના મગજનો અભ્યાસ પણ કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ મગજ સામાન્ય મસ્તિષ્કથી કેટલું અલગ છે.
240 ટુકડા પણ કર્યા
હાર્વીએ આઈન્સ્ટાઈનનું બ્રેઇન સુરક્ષિત પણ રાખ્યું હતું. ત્યારબાદ હાર્વીએ આઈન્સ્ટાઈનના પુત્ર પાસેથી તેના પિતાના મગજનો અભ્યાસ કરવાની પરવાનગી લઈ લીધી હતી. હાર્વી પ્રિન્સટન હોસ્પિટલની નોકરી ગુમાવ્યા બાદ આઈન્સ્ટાઈનનું મગજ પોતાની સાથે ફિલાડેલ્ફિયા લઈ ગયા હતા. આ પછી હાર્વીએ અભ્યાસ હેતુથી જ આઈન્સ્ટાઈનના મગજના 240 ટુકડાઓ પણ કર્યા અને તેમને બે જારમાં સિલોઈડિન નામના રસાયણમાં સુરક્ષિત રાખ્યા હતા.
હાર્વી પોતાની સાથે દુનિયાના ઘણાં વિસ્તારોમાં આઈન્સ્ટાઈનના મગજના ટુકડા સાથે પ્રવાસ પણ કરતા રહ્યા. 1985માં તેમણે કેલિફોર્નિયામાં પોતાના સાથીઓ સાથે મળીને આઈન્સ્ટાઈનના બ્રેઇન પર પહેલું રિસર્ચ પેપર બહાર પાડ્યું. આમાં તેમણે દાવો કર્યો કે આ મગજમાં ન્યુરોન અને ગ્લિયા નામના બંને કોષોનું અસામાન્ય પ્રમાણ હતું. આ પછી પાંચ વધુ અભ્યાસોએ પણ અસામાન્ય તફાવતની પુષ્ટિ કરી. જો કે, આ સ્ટડીઝને રદિયો આપતા દાવા પણ સામે આવ્યા.
અસાધારણ ગાણિતિક ક્ષમતા?
1999માં હાર્વી અને તેના કેનેડિયન સાથીઓએ આઈન્સ્ટાઈનના બ્રેઇન રિલેટેડ રિસર્ચને વિશ્વના પ્રખ્યાત મેડિકલ જર્નલમાં પ્રકાશિત કર્યું. આઈન્સ્ટાઈનના મગજના ફોટોગ્રાફ્સના આધારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આઈન્સ્ટાઈનના મગજના પેરિટલ લોબના વળાંકનો આકાર અસામાન્ય હતો. આ ભાગને મનુષ્યની ગાણિતિક ક્ષમતા સાથે જોડવામાં આવે છે.
અત્યારે શું સ્થિતિ છે?
2010માં હાર્વીના અનુગામીઓએ આઈન્સ્ટાઈનના દિમાગના હિસ્સા અને તેની તસ્વીરો, બધું જ નેશનલ મ્યુઝિયમ ઓફ હેલ્થ એન્ડ મેડિસિનને સોંપ્યું. આમાંથી કંઈપણ જાહેર કરવામાં ન આવ્યું. તાજેતરમાં જ આઈન્સ્ટાઈનના મગજના 46 ભાગ ફિલાડેલ્ફિયાના મૂટેર મ્યુઝિયમે મેળવ્યા છે. આ ભાગને મ્યુઝિયમની સ્થાયી ગેલેરીમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે જેને માઇક્રોસ્કોપ હેઠળ જોઈ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર