Home /News /explained /Afghanistan crisis: 1 ટ્રિલિયન ડોલરના ખનીજ ભંડાર પર બેઠું છે તાલિબાન, વિશ્વને આ ખજાનાની છે ખૂબ જ જરૂર

Afghanistan crisis: 1 ટ્રિલિયન ડોલરના ખનીજ ભંડાર પર બેઠું છે તાલિબાન, વિશ્વને આ ખજાનાની છે ખૂબ જ જરૂર

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ફાઈલ તસવીર

Mineral resources in Afghanitan: વિજ્ઞાનિકોના મત મુજબ, અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબુ, કોબાલ્ટ, સોનું અને લિથિયમ, આયર્ન ઓર અને લેન્ટમ, સેરિયમ જેવા દુર્લભ ખનીજ, નિયોડીમિયમ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, ઝીંક, પારો અને લિથિયમનો ભંડાર છે.

વધુ જુઓ ...
Afghanistan crisis:  અફઘાનિસ્તાનમાં તાલિબાનનું (Afghanistan taliban) શાસન પાછું આવ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનની ગરીબી (Poverty in Afghanistan) અને હિંસાની વાત ફરી ઉપસી આવી છે. અફઘાનિસ્તાનના નાગરિકો હંમેશા ગરીબીનું જીવન જીવતા આવ્યા છે. આ દેશ 1980ના દાયકાથી અનેક વખત યુદ્ધોનો (wars) સામનો કર્યો છે. જેથી અફઘાનિસ્તાન વિકાસ બાબતે ગરીબ દેશ છે.

યુએસ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના (US Congressional Research Service) અહેવાલ મુજબ 2020 સુધીમાં અંદાજિત 90% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. વિશ્વ બેંકે (world bank) અફઘાનિસ્તાનની આર્થિક (Economic of Afghanistan) સ્થિતિ અંગે જણાવ્યું છે કે, તેની અર્થવ્યવસ્થા સહાય પર નિર્ભર છે. જોકે, અફઘાનિસ્તાનની જમીનમાં ખનીજ સંસાધનોનો (Mineral resources) વિશાળ જથ્થો છુપાયો છે. આ જ કારણે ક્યારેક રશિયા તો ક્યારેક અમેરિકા અને હવે ચીન જેવા દેશ અફઘાનિસ્તાન પર કબજો કરવા પ્રયાસ કરે છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોન દ્વારા જણાવાયું હતું કે, જો અફઘાનિસ્તાનના ખનિજ ભંડારનો ઉપયોગ કરવામાં આવે તો તે સાઉદી અરેબિયા જેટલું પાવરફૂલ થઈ જાય. 2010માં અમેરિકાના લશ્કરી અધિકારીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓએ જાહેર કર્યું હતું કે, અફઘાનિસ્તાનમાં લગભગ 1 ટ્રિલિયન ડોલરની કિંમતનો ખનિજ ભંડાર છે. જે તેની આર્થિક તકલીફમાં રાહત આપી શકે છે. જો થોડા સમય માટે ત્યાં શાંતિ જળવાય તો આ પ્રદેશમાં વિકાસની પુષ્કળ તક છે.

વિજ્ઞાનિકોના મત મુજબ, અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબુ, કોબાલ્ટ, સોનું અને લિથિયમ, આયર્ન ઓર અને લેન્ટમ, સેરિયમ જેવા દુર્લભ ખનીજ, નિયોડીમિયમ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, ઝીંક, પારો અને લિથિયમનો ભંડાર છે. આ ઉપરાંત બારાઇટ, ક્રોમાઇટ, કોલસો, તાંબુ, સોનું, સીસું, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કિંમતી પત્થરો, મીઠું, સલ્ફર, ટેલ્ક અને ઝીંક પણ મળી આવે છે.

અફઘાનિસ્તાનમાં ખનીજ બાબતે ઇકોલોજીકલ ફ્યુચર્સ ગ્રુપની સ્થાપના કરનાર વિજ્ઞાનિક અને સુરક્ષા નિષ્ણાંત રોડ સ્કૂનોવરે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન કિંમતી ધાતુઓમાં સૌથી સમૃદ્ધ પ્રદેશો પૈકીનું એક છે અને 21મી સદીના વિકસતા અર્થતંત્રને ધાતુઓ જરુરી છે.

અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના બોલિવિયામાં મોટા પાયે લિથિયમ એકત્ર કરવાની રિઝર્વ છે. સોવિયત સંઘે 1980ના દાયકામાં આ ખનિજ ભંડારની શોધખોળ શરૂ કરી હતી. સોવિયત યુનિયનના વિભાજન બાદ આ કાર્યક્રમ અટકી ગયો હતો. જે દરમિયાન કાબુલમાં અફઘાન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણની લાઈબ્રેરીમાં ચાર્ટ અને નકશા જમા કરવામાં આવ્યા હતા.

વર્તમાન સમયે સુરક્ષાના પ્રશ્નો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને દુષ્કાળ જેવી બાબતો ખનિજોને બહાર કાઢવાની પ્રક્રિયા સામે પડકાર છે. હવે તાલિબાનની નિયંત્રણ હોવાથી આ સ્થિતિ બદલાય તેવી શક્યતા નથી. તેમ છતાં ચીન, પાકિસ્તાન અને ભારત સહિતના દેશોનો ખનીજમાં રસ છે.

જોકે, અસુરક્ષા, રાજકીય અસ્થિરતા, નબળી સંસ્થાઓ, અપૂરતી માળખાગત સુવિધાઓ, વ્યાપક ભ્રષ્ટાચાર જેવી બાબતોના કારણે ખાનગી ક્ષેત્રનો વિકાસ રૂંધાયો હોવાનું પણ યુએસ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના અહેવાલમાં ફલિત થયું છે. માત્ર અફઘાનિસ્તાન જ નહીં, વિશ્વમાં ઘણા દેશો એવા છે જેની નબળી સરકારોના કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. જેના પરિણામે સ્થાનિક લોકો અને સ્થાનિક અર્થતંત્રને લાભ મળતા નથી. અફઘાનિસ્તાનમાં પણ ઘણી સમસ્યાઓ છે.

જે દેશ પ્રદુષણ ઘટાડવા ક્લીન એનર્જી તરીકે ઈ-વાહન પર વધુ ધ્યાન આપે છે, તેના માટે લીથીયમ અને કોબલ્ટ જેવા મેટલ, નિયોડીમિયમ જેવો દુર્લભ પદાર્થ મહત્વનો છે. IEAના મત મુજબ ઇલેક્ટ્રિક કારને સામાન્ય કાર કરતા છ ગણી વધુ ખનીજની જરૂર પડે છે. બેટરી માટે લિથિયમ, નિકલ અને કોબાલ્ટ મહત્વના છે. ઇલેક્ટ્રિક નેટવર્કને માટે પણ બહોળા પ્રમાણમાં કોપર અને એલ્યુમિનિયમની જરૂર પડે છે,

બીજી તરફ આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીનું પણ કહેવું છે કે, લિથિયમ, તાંબુ, નિકલ, કોબાલ્ટ અને દુર્લભ પદાર્થોના ઉત્પાદનની તાતી જરૂર છે. નહીંતર વાતાવરણ સામે ઊભા થયેલા ખાતરનો સામનો કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળશે.

અમુક પદાર્થોની મદદથી મોબાઇલ ફોન, ટીવી, હાઇબ્રિડ એન્જિન, કોમ્પ્યુટર, લેસર અને બેટરી બનાવવામાં આવે છે. આ પદાર્થ પણ અફઘાનિસ્તાનમાં મળે છે. વર્તમાન સમયે લીથીયમ, કોબાલ્ટ અને દુર્લભ ધાતુનો 75 ટકા જેટલો જથ્થો માત્ર ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો અને ઓસ્ટ્રેલિયામાં છે. પણ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાઈ નથી. તેથી ત્યાં ખનીજ જમીનની અંદર દફન છે. ત્યાં સોના, તાંબા અને લોખંડ કાઢવાનો પ્રયાસ થયો છે. લિથિયમ અને દુર્લભ ખનિજોનું કાઢવા માટે વધારે રોકાણ અને ટેકનોલોજીની જાણકારી જરૂરી છે.

તજજ્ઞોના મત મુજબ ભંડોળની શોધથી લઈ ખાણકામ અને ઉત્પાદન પાછળ 16 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અત્યારે અફઘાનિસ્તાનમાં દર વર્ષે ખનીજના કારણે માત્ર 1 અબજ ડોલર મળે છે. ખનીજની આવકમાં 30% થી 40%નો ભ્રષ્ટાચાર થાય છે. ત્યાં વોરલોર્ડ અને તાલિબાન દ્વારા નાના નાના માઇનિંગ પ્રોજેકટ ચાલુ છે. છતાં પણ અફઘાનિસ્તાનમાં માઇનિંગ સેક્ટર ડેવલપ કરવાની તક છે. તે માટે તાલિબાનોએ તેનું ધ્યાન સુરક્ષા અને માનવતાવાદી મુદ્દાઓ પર આપવાની જરૂર છે.

ચીન પણ ખનીજ સહિતના મુદ્દે અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીન ગ્રીન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. લીથીયમ અને દુર્લભ ધાતુઓ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. પરંતુ ચીનના ટ્રેક રેકોર્ડને જોતા ખાણકામ પ્રોજેક્ટ્સની સ્થિરતા અંગે ચિંતા ઉભી થશે. અગાઉ કોપર પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો પ્રયાસ કરી ચીન હાથ દઝાડી ચૂક્યું છે.

આ કામ બાદમાં અટકી ગયું હતું. આ ઉપરાંત જો ખાણકામ યોગ્ય રીતે ના થાય તો તે પર્યાવરણ માટે જોખમી બની શકે છે. ચીન માટે મધ્ય એશિયા સુધી પહોંચવાનો અફઘાનિસ્તાન શ્રેષ્ઠ માર્ગ છે. ચીન વન બેલ્ટ એન્ડ વન રોડ યોજના હેઠળ અફઘાનિસ્તાનમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સૌથી મહત્વાકાંક્ષી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ની સુરક્ષા માટે તાલિબાનનું સમર્થન પણ મહત્વનું છે.

હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી ગઈ છે. જેથી વિકાસકર્યો માટે સરળતા રહેશે નહીં. એમાં પણ ખનીજ ખનન માટે તો દિલ્હી હજી ઘણું દૂર દેખાય છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનની પશ્ચિમી સમર્થિત સરકારને હાંકી કાઢતા ખાનગી મૂડી આકર્ષવું હવે વધુ મુશ્કેલ બનશે.

આ પણ વાંચોઃ-અફઘાનિસ્તાનઃ તાલીબાનોએ મહિલા માટે બનાવ્યા આ 10 નિયમ, ટાઈટ કપડા અને હીલ્સ પર પ્રતિબંધ

તાલિબાની સરકાર નહોતી ત્યારે પણ કોઈ રોકાણ કરવા તૈયાર નહોતું, તો હવે ત્યાં કોણ રોકાણ કરશે. ખાનગી રોકાણકારો રિસ્ક લેવા તૈયાર નથી. અત્યાર સુધી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાલિબાનને સત્તાવાર રીતે વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું નથી. પણ તાલિબાનને વૈશ્વિક આતંકવાદીઓની યાદી ખાસ યાદીમાં મુકાયું છે. આ બાબત પણ રોકાણ સામે પડકાર છે.
First published:

Tags: Afghanistan Airstrike News, Afghanistan Crisis, Taliban income

विज्ञापन