યામી ગૌતમને છે સ્કિનની અસાધ્ય બીમારી, પોસ્ટ શેર કરીને લખ્યું- 'વર્ષોથી સહન કરી રહી છું.'
યામી ગૌતમને છે સ્કિનની અસાધ્ય બીમારી, પોસ્ટ શેર કરીને લખ્યું- 'વર્ષોથી સહન કરી રહી છું.'
(Photo-instagram/@yamigautam)
એક્ટ્રેસ યામી ગૌતમે (Actress Yami Gautam)પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખુલાસો કર્યો છે કે તેને ચામડીની અસાધ્ય બીમારી છે. આ બીમારીનું નામ કેરાટોસિસ પિલારીસ (Keratosis Pilaris) છે, જેનો કોઈ ઈલાજ નથી.
ફિલ્મ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam)ની સુંદરતાના સૌકોઈ દીવાના છે. જે કોઈ એક્ટ્રેસને જુએ છે બસ જોતા રહી જાય છે. યામીના લુક્સની વાત કરીએ કે તેની સુંદરતાની, બધું જ પરફેક્ટ છે. તો છેલ્લા કેટલાક સમયમાં તેની એક 'કાબિલ' અભિનેત્રી તરીકે પણ નોંધ લેવાઈ છે એટલે તે ઘણી યુવતીઓની પ્રેરણા બની છે. યામીને જોઈને એવું લાગે છે જાણે ભગવાને બહુ આરામથી તેને બનાવી હશે. તેની સુંદરતામાં કોઈ કમી નથી. જોકે, આવું તેના ચાહકોને લાગે છે. યામી ગૌતમે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક ખુલાસો કર્યો છે જેમાં તે કહી રહી છે કે તેને સ્કિન ડિઝીઝ (Skin Disease) છે અને તેનો કોઈ ઈલાજ નથી.
આ સ્કિન ડિઝીઝ સામે યામી ગૌતમ ઘણાં સમયથી ઝઝૂમી રહી છે. ચામડીની આ અસાધ્ય બીમારીનું નામ કેરાટોસિસ પિલારીસ (Keratosis Pilaris) છે. આ સ્કીન ડિઝીઝ યામીને તરુણ વયથી છે, જેમાં સ્કીન ઉપર નાના-નાના દાણા ઉપસી આવે છે. જ્યારે યામીએ મોડેલિંગ અને એક્ટિંગ (Modeling and Acting)ની દુનિયામાં પગ મૂક્યો ત્યારે મેકઅપના માધ્યમથી દાણાને છૂપાવવામાં આવતા હતા, પણ હવે યામીએ નિર્ણય લીધો છે કે તે આ બાબતને હવે નહીં છૂપાવે. આ વાતનો તે પોતે સ્વીકાર કરે છે.
યામી ગૌતમે (Yami Gautam Instagram) પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'મેં તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન સ્કિન પર જોવા મળતા દાણાને છૂપાવી શકાત, પણ મેં નિર્ણય લીધો છે કે હવે આ હકીકતનો હું ખુલીને સ્વીકાર કરીશ.
યામી ગૌતમ પોતાની બીમારી વિશે વિસ્તારમાં જણાવે છે કે, આ બીમારીનું નામ કેરાટોસિસ પિલારીસ (Keratosis Pilaris) છે, જેનો કોઈ ઈલાજ નથી. સાથે તે પોતાનું સેન્સ ઓફ હ્યુમર દેખાડતા કહે છે કે, 'આ ડિઝીઝ તમને એટલું બધું હેરાન નહીં કરે, જેટલું તમારું દિમાગ અને પડોશી આંટી કરે છે.'
યામી ગૌતમે પોતાની બીમારીનો ખુલીને સ્વીકાર કર્યો છે એટલે તે વધુ સારું અનુભવી રહી છે. પોતાની પોસ્ટમાં તે લખે છે, 'મેં ઘણાં વર્ષોથી આને સહન કર્યું છે, હવે વધુ નહીં કરું, મેં નક્કી કર્યું છે કે પોતાની ખામીઓને દિલથી સ્વીકારીશ. અને સત્ય સાથે આ વાતને હું શેર કરી રહી છું.'
મોડેલિંગ અને સિરિયલના રસ્તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી યામી ગૌતમ છેલ્લે 'ભૂત પોલિસ' ફિલ્મમાં જોવા મળી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેકલીન ફર્નાન્ડીઝ છે. યામી ગૌતમ તેની આગામી ફિલ્મ 'લોસ્ટ'નું શૂટિંગ કરી ચૂકી છે. તો 'દસવીં' અને 'અ થર્સડે' જેવી ફિલ્મોમાં પણ યામી જોવા મળશે.