મનીષા કોઈરાલા (Manisha Koirala) આજે 51 વર્ષના થયા છે. તેમનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નેપાળના કાઠમંડુ ખાતે થયો હતો. તેમણે ફિલ્મ 'સૌદાગર'થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું. મનીષા કોઈરાલાએ શાહરૂખ ખાનથી લઈને આમિર અને સલમાન ખાન સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જમાવી હતી. જેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને મનીષા કોઈરાલાના જીવન સાથે સંબંધિત રસપ્રદ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.
આ કિસ્સો વિધુ વિનોદ ચોપડા (Vidhu Vinod Chopra) સાથે જોડાયેલો છે. તેમણે મનીષા કોઈરાલાને ખૂબ ખરાબ એક્ટ્રેસ કહી હતી. PTIના અહેવાલ મુજબ મનીષાએ પોતાની બુક 'હીલ્ડ: હાઉ કેન્સર ગેવ મી એ ન્યુ લાઇફ' (Healed: How Cancer Gave Me a New Life)માં આ ઘટના અંગે લખ્યું છે. તેમણે લખ્યું છે કે, '1942-અ લવ સ્ટોરી'ના સ્ક્રીન ટેસ્ટ માટે ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ મને બોલાવી હતી. સીન પૂરો થયા બાદ તેમણે કહ્યું હતું કે, મનીષા, તમે ખૂબ જ ખરાબ એક્ટિંગ કરી છે. તમે ખૂબ ખરાબ કલાકાર છો.
આ ઘટના બાદ મનીષાની અંદર રહેલી લડાકુ મહિલા પરેશાન થઈ ગઈ હતી. તેણે આ વાતને ચેલેન્જ તરીકે લીધી હતી અને વિધુ વિનોદ ચોપડા પાસે એક દિવસનો સમય માંગ્યો હતો. જેથી વિધુએ તેની વાત સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ઘરે ગઈ અને તેના ડાયલોગની સતત પ્રેક્ટિસ કરી હતી. મનીષાને આ રીતે પ્રેક્ટિસ કરતા જોઈને તેની માતા પરેશાન થઈ ગઈ અને રિજેક્શનના કારણે આત્મહત્યા ન કરવાની સલાહ આપી હતી. જોકે, મનીષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયાસ કર્યો હતો.
બીજા દિવસે મનીષા કોઈરાલા પૂરી તૈયારી સાથે પહોંચી હતી અને પોતાના અભિનયથી વિધુ વિનોદ ચોપડાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, જો તમે મારી ફિલ્મનો દરેક સીન દિલ અને જાનથી કરવા તૈયાર હોય તો હું માધુરી દીક્ષિતના સ્થાને તમને સાઈન કરીશ. કાલે તમે ઝીરો હતા આજે તમે 100 પર છો.
ઉલ્લેખનીય છે કે, 2012માં મનીષા કોઈરાલાને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તે ફિલ્મ જગતથી દુર ચાલી ગઈ હતી. ત્યારબાદ 2017માં તેણે ડિયર માયાથી બોલિવૂડમાં ફરીથી એન્ટ્રી કરી હતી. જોકે, મનીષા કોઈરાલા હવે ફિલ્મોમાં બહુ સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે અને તસવીરો શેર કરે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર