લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે અભિનેતા સલમાન ખાનના પિતાને ધમકી આપવા બદલે શાહરુખ ગુલામ નબી ઉર્ફે શેરુની ધરપકડ કરી લીધી છે. શેરુએ સલમાન ખાનના પર્સનલ આસિસ્ટન્ટ અને તેના પિતા સલીમ ખાનને ધમકી આપી હતી કે જો તેઓ તેની મુલાકાત સલમાન સાથે નહીં કરાવે તો જોયા જેવી જશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી શેરુની ધરપકડ કરી લેવામાં આવી છે.
શાહગંજના નિવાસી શેરુ પર મારામારી અને ઈજા પહોંચાડવાના છ જેટલા કેસ નોંધાયેલા છે. બાન્દ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે શેરુ સલમાન ખાનનો પ્રશંસક છે. શેરુએ 11મી નવેમ્બરના રોજ સલમાન ખાનના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કર્યો હતો અને સલમાન ખાન સાથે મુલાકાત કરી આપવાની વિનંતી કરી હતી. સલમાનના સહાયકે યોગ્ય પ્રત્યુતર ન આપતા શેરુએ સલિમ ખાનનો નંબર મેળવી લીધો હતો.
બાન્દ્રા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી ગીરીશ અનાવકરે જણાવ્યું કે, "શેરુએ સલિમ ખાનને ફોન કરીને તે છોટા શકીલ માટે કામ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેણે એવી ચીમકી પણ આપી હતી કે જો તેઓ તેની મુલાકાત તેના પુત્ર સલમાન ખાન સાથે નહીં કરાવે તો તેનું પરિણામ ખૂબ ગંભીર આવશે."
શેરુએ દાવો કર્યો હતો કે તેને સલીમ ખાનનો નંબર સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પરથી મળ્યો હતો. પરંતુ પોલીસને આશંકા છે કે તેણે ઉત્તર પ્રદેશના કોઈ વ્યક્તિ પાસેથી સલીમ ખાનનો નંબર મેળવ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "શેરુ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરવા માંગતો હતો. સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના સહાયકે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી."
ફરિયાદ બાદ સાયબર ડિટેક્શન ટીમના ચાર લોકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી ગયા હતા. અહીં શેરુનું લોકોશન ટ્રેસ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
શનિવારે શેરુની ધરપકડ કરીને ટીમ મુંબઈ પર ફરી હતી. આરોપી શેરુને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેને 22મી નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.