વેબ સિરીઝમાં બાબરનો મહિમા જોઈ અનેક યુઝર્સનો પિત્તો ગયો, વિરોધ કરવા #UninstallHotstar થયું ટ્રેન્ડ

બાબરના જીવન પર વેબ સિરીઝ

ડિઝની હોટસ્ટાર પર મધ્યયુગીન ભારત દરમિયાન અસ્તિત્વમાં રહેલા મુઘલ સામ્રાજ્યની વાર્તા પર વેબ શ્રેણી બનાવવામાં આવી છે. આ શ્રેણીનું નામ ધ એમ્પાયર છે.

  • Share this:
ડિઝની હોટસ્ટાર પર મધ્યયુગીન ભારત દરમિયાન અસ્તિત્વમાં રહેલા મુઘલ સામ્રાજ્યની વાર્તા પર વેબ શ્રેણી બનાવવામાં આવી છે. આ શ્રેણીનું નામ ધ એમ્પાયર છે. તેમાં પ્રથમ મુઘલ સમ્રાટ બાબરના જીવનની વાર્તા છે. આમ તો નિર્માતાઓ આ સિરીઝને ઇતિહાસથી પ્રેરિત કાલ્પનિક વાર્તા ગણાવી રહ્યા છે, પરંતુ વેબ શ્રેણી રિલીઝ સાથે જ વિવાદમાં ફસાઈ ગઈ છે. ડિઝની+હોટસ્ટારે શુક્રવારે ધ એમ્પાયરનું પ્રીમિયર કર્યું હતું. ત્યારબાદ ટ્વિટર પર યુઝર્સ આ સિરીઝમાં બતાવામાં આવેલા કન્ટેન્ટથી ખફા છે અને રોષ વ્યક્ત કરવા માટે #UninstallHotstar ટ્રેન્ડ શરૂ કર્યો છે.

આ સિરીઝને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ સર્જક નિખિલ અડવાણી દ્વારા બનાવવામાં આવે છે અને ડાયરેક્ટર મિતાક્ષારા કુમાર છે. એમ્પાયર સિરીઝ એલેક્સ રુથરફોર્ડની છ ઐતિહાસિક નવલકથાઓની શ્રેણી એમ્પાયર ઓફ ધ મુઘલ: રાઇડર્સ ફ્રોમ ધ નોર્થ પર આધારિત છે. તેની શરૂઆત 1526માં પાણીપતની પ્રથમ લડાઈથી થાય છે. જ્યાં બાબર તેના જીવનની યાત્રાને યાદ કરી રહ્યો છે. સ્ટોરી ફ્લેશબેકમાં સમાર્કંદ અને ફરગાના સુધી પહોંચે છે. પિતાના મૃત્યુ બાદ નાની (શબાના આઝમી) 14 વર્ષના બાબરને ફરગાનાની ગાદી પર બેસાડી દે છે. ત્યારે ફરગાનાના દુશ્મન શૈબાની ખાન (ડિનો મોરિયા)ની આંખમાં તે કણાંની જેમ ખૂંચે છે. તે ફરગાના અને સમરકંદ બંનેને પકડવા માંગે છે. બાબરને શાંતિ ગમે છે. તે પરિવાર અને પ્રજાની ચિંતા કરે છે. તે રક્તપાત ઇચ્છતો નથી. તેને પિતાનું બતાવેલું સ્વપ્ન પણ યાદ છે.

ધ એમ્પાયરનું ટ્રેલર ગત તા.7 ઓગસ્ટે રિલીઝ થયું હતું. વેબ સિરીઝ એડવેન્ચર ડ્રામા છે. આ સિરીઝમાં એક યુવાન રાજાની અવિશ્વસનીય યાત્રા બતાવાઈ છે. રાજાને તેના ક્રૂર દુશ્મનોના અનેક પડકારોનો સામનો કરવો પડે છે. કુલ 8 એપિસોડની આ સિરીઝમાં ભારત અને ઉજબેકિસ્તાનના અલગ અલગ સ્થળોએ શૂટિંગ થયું છે. આ સિરીઝમાં યુદ્ધના મેદાનો, વિશાળ કિલ્લાઓ સહિતના દ્રશ્યો છે.

આ સિરીઝમાં કુણાલ કપૂર, શબાના આઝમી, દૃષ્ટિ ધામી, આદિત્ય સીલ અને ડિનો મોરિયા સહિતના મોટા કલાકારો છે. નિખિલ અડવાણીની બે બહેનો મોનિષા અડવાણી અને મધુ ભોજવાણીએ એમ્મા એન્ટરટેઇનમેન્ટ હેઠળ આ સિરીઝનું નિર્માણ કર્યું છે.

બાબર અંગે આ સિરીઝમાં કરાયેલા વિવરણથી અનેક યુઝર્સ વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, હિન્દુઓના હત્યારાઓની હોટસ્ટાર પર પ્રશંસા કરવામાં આવશે. ભારતીય સભ્યતાને કચડી નાખનાર, બરબાદ કરનારી બર્બર જાતિને ભવ્ય અને મહાન વર્ણવવામાં આવશે. હોટસ્ટાર અનઇન્સ્ટોલ થવું જોઈએ.

અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ શરમજનક છે. આ સામ્રાજ્ય ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ કરવામાં આવ્યું છે જે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર બાબરના જીવન અને યુદ્ધો પર આધારિત છે.
First published: