કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13)ના શાનદાર શુક્રવાર એપિસોડમાં ખાસ અતિથિ તરીકે હેમા માલિની (Hema Malini) અને રમેશ સિપ્પી (Ramesh Sippy) હાજર રહ્યા હતા. જ્યાં અમિતાભ બચ્ચન સાથે તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. એપિસોડમાં હેમા માલિનીએ ધર્મેન્દ્રની મિમિક્રી કરતા અમિતાભ બચ્ચન હસી પડ્યા હતા.
આ એપિસોડમાં ત્રણેયે શોલે (Sholay) ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી અને શૂટિંગના સમયને યાદ કર્યો હતો. એપિસોડ દરમિયાન સોલે ફિલ્મમાં બસંતીની ભૂમિકા ભજવનારી હેમા માલિનીએ ડાન્સ પ્રત્યેના પોતાના જુસ્સા વિશે પણ વાત કરી હતી અને પછી અમિતાભ બચ્ચને વિનંતી કરતા દેવી દુર્ગાને દર્શાવતી મુદ્રાઓ બતાવી હતી.
શોલેના એક સીન પાછળ 3 વર્ષ લાગ્યા હતા!
શાનદાર શુક્રવાર એપિસોડમાં અમિતાભ બચ્ચને શોલેના એક સીન પાછળ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હોવાનો રસપ્રદ કિસ્સો કહ્યો હતો. ફિલ્મનું પાત્ર જય માઉથ ઓર્ગેન વગાડતો હોય છે અને તે જ સમયે જયા બચ્ચન લેમ્પ ચાલુ કરે છે.. આ સીનને ભજવવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. બચ્ચને કહ્યું કે, એક દ્રશ્ય હતું, અમે નીચે બેસી માઉથ ઓર્ગન વગાડીએ છીએ અને જયાજી દીવો સળગતા હોય છે. તે શોટ લેવામાં તેમને ત્રણ વર્ષ લાગ્યા હતા.
હેમા માલિનીએ ધર્મેન્દ્રની નકલ કરી
આ એપિસોડમાં હાજર રહેલા રમેશ સિપ્પીએ વિનંતી કરતા હેમા માલિની અને બિગ બીએ પણ સત્તા પે સત્તાનું દિલબર મેરે ગીત રિક્રિએટ કર્યું હતું. ત્યારબાદ હેમા માલિનીએ શોલેમાં પોતાના કો-સ્ટાર અને પતિ ધર્મેન્દ્રની નકલ કરી હતી. તેણે ફિલ્મમાંથી અસારની, અમજદ ખાન અને ધર્મેન્દ્રના પાત્રોની કોપી કરી હતી. આ નકલને જોઈ અમિતાભ બચ્ચન અને રમેશ સિપ્પી હસી પડ્યા હતા.