એન્ટરટેનમેન્ટ ડેસ્ક: બોલિવૂડના બે ચહિતા કલાકારો શાહિદ કપૂર (Shahid Kapoor) અને રણવીર સિંહ (Ranveer Singh) 2018માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં (Padmawat) સાથે જોવા મળ્યા હતા, જેમાં બંને વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂર મહારાજા રતન સિંહના રોલમાં હતો, તો રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને મહારાજા રતન સિંહ વચ્ચે મહા મુકાબલો થયો હતો અને હવે શાહિદ-રણબીરની ટક્કર બોક્સ ઓફિસ પર થવાની છે.
આવનારા સમયમાં ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે સુપરસ્ટાર્સની ફિલ્મો પડદા પર જોવા માટે ચાહકો આતુર છે. આ વખતે શાહિદ અને રણવીર માટે બોક્સ ઓફિસ (Box Office Collection) ‘યુદ્ધભૂમિ’માં પરિણમશે કેમકે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી થિએટર ખૂલશે અને બીજી તરફ શાહિદની ફિલ્મ ‘જર્સી’ (Jersey) અને રણવીરની ફિલ્મ ‘83’ની રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ બંને ફિલ્મો આ વર્ષે બોક્સ ઓફિસ પર ડિસેમ્બરમાં એકબીજાથી ટકરાશે. મોટી ફિલ્મો સાથે રિલીઝ થાય એ દર્શકો માટે હવે ‘નોસ્ટેલ્જીક’ ફીલ બનવાની છે.
‘83’ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે, તો ‘જર્સી’ પણ 31 ડિસેમ્બરે સિનેમાઘરોમાં દસ્તક આપશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ બંને ફિલ્મો ક્રિકેટથી જોડાયેલી છે એટલે આ ડિસેમ્બરે શાહિદ અને રણવીર વચ્ચે બોક્સ ઓફિસ પર ‘બેટનો મુકાબલો’ થશે એમ કહી શકાય. ફિલ્મ ‘83’માં રણવીર સાથે દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. આ ફિલ્મ 1983માં ભારતની ક્રિકેટ વર્લ્ડકપ જીત પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો રોલ પ્લે કરતો જોવા મળશે. તો દીપિકા ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ કરી રહી છે. લગ્ન બાદ દીપિકા અને રણવીર ઓન-સ્ક્રીન પહેલી વખત સાથે જોવા મળશે.
તો ‘જર્સી’માં શાહિદ કપૂર એક ક્રિકેટરનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ આ જ નામની એક તેલુગુ ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર પણ મહત્વના રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, મૃણાલ ઠાકુર છેલ્લે ફરહાન અખ્તર સાથે સ્પોર્ટ્સ-ડ્રામા ‘તૂફાન’માં જોવા મળી છે. ‘તૂફાન’ એમેઝોન પ્રાઈમ પર આ વર્ષે રિલીઝ થઈ છે.