'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીનો લોકપ્રિય શો છે. તેનું એક એક પાત્ર એકદમ ખાસ છે. નાના બાળકોની સાથે બેસીને જ પરિવારના મોટા પણ આ શો માણે છે. ટપ્પુ સેના, માસ્ટર ભિડે, બબીતાજી, બંન્ને રોશનની સાથે એન્ટરટેઇનમેન્ટનો તડકો લગાવતી દયા બહેન. આ શોના ફેન્સ પોતાના એક પસંદગીના સ્ટારનો ઘણાં લાંબા સમયથી મિસ કરી રહ્યાં છે.
દિશા વાકાણી એટલે દયા બેન શોમાંથી ગાયબ છે. મેટર્નિટી લીવ પર ગયેલ દયાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. એટલે તેની સંભાળ રાખવા માટે તે હાલ શો કરી નથી રહ્યાં. પ્રોડક્શન ટીમે ઘણીવાર દિશાને મળીને તેને પાછી આવવા માટે કહ્યું પરંતુ તે હાલ દીકરી પર ધ્યાન આપવા માંગે છે. એટલે તેમણે કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
તેના આ નિર્ણય અંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ લખ્યું હતું. દિશાએ શોની એક તસવીર શેર કરતાં લખ્યું કે, બધા મને શોમાં પાછી આવવા માટે કહે છે. હું પણ શોને ઘણો મિસ કરૂં છું. હું પાછી ફરવા પણ માંગુ છું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આ સંભવ નથી થઇ રહ્યું. મારી વાત સમજવા માટે આભાર. તમે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ને પોતાનો પ્રેમ આપતા રહો અને જોતા રહો.