Tanuja Bday Special: 78નાં થયા તનુજા, એક સમયે ડિરેક્ટરનાં હાથે થપ્પડ ખાઇ ચુક્યાં છે
Tanuja Bday Special: 78નાં થયા તનુજા, એક સમયે ડિરેક્ટરનાં હાથે થપ્પડ ખાઇ ચુક્યાં છે
એક્ટ્રસ તનુજાનો આજે 78મો જન્મ દિવસ છે
Happy Birthday Tanuja: તનુજા ફિલ્મી (Actress Tanuja) બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે એટલે એક અભિનેત્રી બનવાના તેના નિર્ણય અંગે પરિવારને જરા પણ આશ્ચર્ય થયું ન હતું. તેમની મા શોભના પોતે એક સફળ અભિનેત્રી હતા અને પિતા કુમારસેન સમર્થ પ્રોડ્યુસર હતા.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તનુજા (Tanuja) 70ના દાયકાના સૌથી સફળ અભિનેત્રી તરીકે જાણીતાં છે. તેમણે કેટલાંય દાયકાઓ સુધી બોલિવુડ પર રાજ કર્યું હતું. 23 સપ્ટેમ્બર 1943ના જન્મેલા તનુજા (Happy Birthday Tanuja) આજે પોતાનો 78મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેઓ એક ઉત્તમ અભિનેત્રી હતા અને ૬૦-૭૦ના દાયકામાં સંજીવ કુમાર, ધર્મેન્દ્ર અને રાજેશ ખન્ના સાથે તેમની જોડી બહુ લોકપ્રિય થઈ હતી.
તનુજા એક ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે એટલે એક અભિનેત્રી બનવાના તેના નિર્ણય અંગે પરિવારને જરા પણ આશ્ચર્ય થયું ન હતું. તેમની મા શોભના પોતે એક સફળ અભિનેત્રી હતા અને પિતા કુમારસેન સમર્થ પણ પ્રોડ્યુસર હતા. એવામાં તનુજાએ નાની વયે જ બોલિવુડમાં પગ મૂક્યો અને સ્ટારડમ પણ ભોગવ્યું.
તનુજાને ભણવા માટે નાની વયે સ્વિત્ઝરલેન્ડ મોકવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષા શીખી. એવું કહેવાય છે કે ગીતા બાલીના અચાનક નિધનથી બોલિવુડમાં એક સહજ અભિનેત્રીની જગ્યા ખાલી થઈ હતી, જે પૂરી કરવામાં તનુજા સફળ રહ્યા.
16 વર્ષની વયે ફિલ્મી કરિયરની શરૂઆત- તનુજાએ કરિયરની શરૂઆત આમ તો બાળ કલાકાર તરીકે ‘હમારી બેટી’ ફિલ્મથી કરી હતી, પણ યુવા અભિનેત્રી તરીકે તનુજાએ ‘છબીલી’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તનુજાને લાગ્યું કે પોતાની મા અને બહેન સ્ટાર છે એટલે એક્ટિંગમાં કોઈ વાંધો નહીં આવે. કહેવાય છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમના નખરાંથી આખી ટીમ પરેશાન થઈ ગઈ હતી. તેઓ કોઇપણ સમયે મજાક-મસ્તી કરી લેતાં.
જ્યારે ડિરેક્ટરે તનુજાને થપ્પડ લગાવી-એક સીનમાં તનુજાને રડવાનું હતું, પણ તેઓ એટલું બધું હસતા હતા કે સીન પૂરો કરી શકતા ન હતા. તનુજાએ ડિરેક્ટર કેદાર શર્માને કહ્યું કે, આજે તેમનો રડવાનો મૂડ નથી. તેમની આ વાતથી ડિરેક્ટર એટલા ભડકી ગયા કે તનુજાને થપ્પડ લગાવી દીધી. તનુજા રડતાં રડતાં પોતાની મા પાસે ગયા તો આખી ઘટના જાણ્યા બાદ શોભનાએ પણ તનુજાને થપ્પડ લગાવી. ત્યારબાદ શોભા દીકરીને સેટ પર લઈ ગયા અને પછી શૂટિંગ શરુ થયું.
બંગાળી ફિલ્મોના સફળ અભિનેત્રી બન્યા- તનુજાએ પોતાની અદાકારીથી મોટું ફેન ફોલોઈંગ ઊભું કર્યું છે. તેમણે બોલિવુડમાં તો ઘણી હિટ ફિલ્મો આપી, સાથે બંગાળી સિનેમામાં પણ આગવી ઓળખ બનાવી. ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચેટર્જી સાથે તેમની જોડી હિટ રહી હતી.
સૌથી બિન્દાસ એક્ટ્રેસ-તનુજાને પોતાના સમયની સૌથી બિન્દાસ એક્ટ્રેસ માનવામાં આવે છે. તનુજા એ અભિનેત્રીઓમાંથી એક હતા જે સિગરેટ અને વ્હિસ્કી પીતાં પણ અન્ય અભિનેત્રીની જેમ આ વાત છૂપાવતા ન હતા. તેમણે ક્યારેય લોકો શું વિચારશે એની ચિંતા કરી ન હતી. એટલે જ તેઓ ઓન સ્ક્રીન સહજ રહી શકતા હતા.
શોમૂ મુખર્જી સાથે કર્યા લગ્ન- 1973માં તનુજાએ બંગાળી ફિલ્મમેકર શોમૂ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના થોડા વર્ષો બાદ તેઓ અલગ થઈ ગયા. જોકે, તેમણે ક્યારેય ડિવોર્સ લીધા નહીં. તેમની બે દીકરીઓ છે- કાજોલ અને તનીષા.