પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોનું દિલ જીતનાર તાપસી પન્નુ (Taapsee Pannu) હવે ‘રશ્મિ રોકેટ’ (Rashmi Rocket)માં એક એથ્લીટનો રોલ કરીને દર્શકોનો જુસ્સો વધારવા આવી રહી છે. ‘રશ્મિ રોકેટ’ દશેરા એટલે કે 15 ઓક્ટોબરે ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઈવ (Zee5) પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રૂવાલાના આરએસવીપી તેમજ મેંગો પીપલ ઇન્ડિયાએ કર્યું છે.
એક ગામની છોકરીની વાત છે
‘રશ્મિ રોકેટ’માં એક એવી યુવતીની વાત છે જે નાના ગામમાંથી આવે છે અને કુદરતે આપેલી પ્રતિભાના જોરે જીવનની દરેક ‘રેસ’માં આગળ નીકળી જાય છે. ‘રશ્મિ રોકેટ’ના ડિરેક્ટર આકર્ષ ખુરાના છે જેમણે જાણીતી સિરીઝ ‘ટીવીએફ ટ્રીપલિંગ’ (TVF Tripling)ના રાઈટર તરીકે અને ‘યે મેરી ફેમિલી’ (Yeh Meri Family)માં એક્ટર તરીકે કામ કર્યું છે.
તાપસીના ટ્રાન્સફોર્મેશનનો વીડિયો પણ મૂક્યો છે
‘રશ્મિ રોકેટ’માં તાપસી ઉપરાંત પ્રિયાંશુ પેન્યુલી, સુપ્રિયા પિલગાંવકર, અભિષેક બેનર્જી, સુપ્રિયા પાઠક, શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ નંદા પેરિયાસામીની એક મૂળ વાર્તા પર આધારિત છે. પોસ્ટરમાં દર્શકોને એડ્રેનલાઈન પેક્ડ સ્ટોરીની ઝલક આપવામાં આવી છે જેમાં તાપસી ધૈર્ય અને દ્રઢ સંકલ્પથી ભરપૂર જોવા મળે છે. આ ફિલ્મ માટે તાપસી પન્નુએ કરેલા ટ્રાન્સફોર્મેશનનો એક વિડીયો પણ મેકર્સે જાહેર કર્યો હતો.
તાપસીએ ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, ‘આ પડકારો ધરાવતી રેસ શરુ થઈ ગઈ છે અને હવે રાવણ દહન પર આવીને જ થોભશે. ઘણું બધું નષ્ટ કરવાનું છે રશ્મિને આ વર્ષે. રશ્મિ સાથે આ ઑન અને ઑફ ધ ટ્રૅક રેસમાં દોડવા માટે તૈયાર થઈ જાઓ. એને તમારી જરૂર પડશે.’