સોનૂ સૂદે સરકારને કરી અપીલ, 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ મળે રસી

સોનૂ સુદની સરકારને અપીલ

સોનૂ સૂદે ટ્વીટ કર્યું છે કે, 'હું અપીલ કરું છું કે સરકાર 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિનનો ડોઝ આપે. દેશમાં કોરોનાના કેસ એટલી હદે વધ્યા છે કે બાળકો પણ કોરોણાની ઝપેટમાં આવી ગયા છે

 • Share this:
  ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હાલત ગંભીર છે. કોરોનાના વધતા કેસોને લઈને હોસ્પિટલોમાં અને મોતનો આંકડો વધતા સ્મશાનોમાં લાંબી કતારો લાગી છે. કોરોનાના કેસના મામલે મહારાષ્ટ્ર મોખરે છે. ત્યારે સરકાર પણ આ અંગે કડક વલણ દાખવી રહી છે.

  બીજી તરફ કોરોનાને હરાવવા માટે સમગ્ર દેશમાં મોટા પાયે રસીકરણ હાથ ધરાયુ છે. પરંતુ હાલ 45થી વધુ વયના લોકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. ત્યારે વધતા કોરોનાના કેસને લઈને સોનૂ સૂદે સરકારને અપીલ કરી છે કે, તેઓ 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ જલ્દી જ કોરોના વેક્સીન પૂરી પાડે.

  સોનૂ સૂદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મદદ માટે ગુહાર લગાવતા લોકોને તેઓ તરત જ સોશ્યલ મીડિયા પર જવાબ આપે છે અને તેમને શક્ય તેટલી મદદ કરે છે. ત્યારે સોનૂ સૂદે ટ્વીટ કર્યું છે કે, 'હું અપીલ કરું છું કે સરકાર 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિનનો ડોઝ આપે. દેશમાં કોરોનાના કેસ એટલી હદે વધ્યા છે કે બાળકો પણ કોરોણાની ઝપેટમાં આવી ગયા છે. હવે સમય આવી ગયો છે કે, આપણે 25 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને પણ વેક્સીન આપીએ, કારણ કે યુવાનો પણ કોરોણાની ઝપેટમાં આવી ગયા છે.'

  ઉલ્લેખનીય છે કે, સોનૂ સૂદે તાજેતરમાં જ પંજાબના અમૃતસરની હોસ્પિટલમાં કોરોના વેક્સીન લીધી હતી. આ અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મને આજે કોરોના વેક્સિનનો ડોઝ મળી ગયો છે. હવે મારો દેશ પણ રસી મેળવે. આજથી અમે સંજીવની નામનું રસીકરણ અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન લોકોને વેક્સીન લેવા માટે જાગરૂકતા ફેલાવશે અને તેમને પ્રેરણા પૂરી પાડશે.

  મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન, મલાઈકા અરોરા, રોહિત શેટ્ટી, સલમાન ખાન, રજનીકાંત, શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, રાકેશ રોશન, અલકા યાજ્ઞિક, સતીશ શાહ, હેમા માલિની સહીત ઘણા બૉલીવુડ સેલેબ્સે પણ રસી લીધી છે.

  ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસ વચ્ચે પીએમ મોદી આજે ફરીથી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ દરમિયાન તેઓ દેશના બધા જ સીએમ સાથે કોરોણાની પરિસ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા કરશે.
  First published: