Home /News /entertainment /Sanjay Mishra B’day: સંજય મિશ્રાએ ઘરનું ભાડું ચૂકવવા માટે ‘ઑફિસ ઑફિસ’ શો કર્યો હતો, પણ પછી...
Sanjay Mishra B’day: સંજય મિશ્રાએ ઘરનું ભાડું ચૂકવવા માટે ‘ઑફિસ ઑફિસ’ શો કર્યો હતો, પણ પછી...
સંજય મિશ્રાની ફાઈલ તસવીર
અફલાતૂન અભિનેતા સંજય મિશ્રા (Sanjay Mishra Birthday) આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે દિલ્હીના એનએસડી (NSD)માં અભ્યાસ કર્યો છે. 1991માં તેમને ટીવી સીરીયલ ‘ચાણક્ય’માં કામ કરવાની તક મળી, પરંતુ શૂટિંગના પહેલા દિવસે જ તેમણે 28 ટેક આપ્યા.
મુંબઈઃ અફલાતૂન અભિનેતા સંજય મિશ્રા (Sanjay Mishra Birthday) આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 6 ઓક્ટોબર, 1963ના રોજ બિહારના દરભંગાના એક નાના ગામ સકરીમાં થયો હતો. તેમના પિતા પીઆઈબીમાં નોકરી કરતા હતા અને તેમના દાદા-દાદી ભારતીય સેવા અધિકારી હતા. સરકારી નોકરી હોવાના કારણે તેમના પિતાની ટ્રાન્સફર વારાણસીમાં થઈ ગઈ. સંજય મિશ્રાએ ત્યાં બીએચયુના કેન્દ્રિય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. બાદમાં તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (National School of Drama)માં એડમિશન લીધું અને એક્ટિંગનો અભ્યાસ કર્યો. 1989ની સાલમાં તેઓ ગ્રેજ્યુએટ થયા હતા.
સંજય મિશ્રાએ 1995ની સાલમાં આવેલી ફિલ્મ ‘ઓહ ડાર્લિંગ યે હૈ ઈન્ડિયા’ દ્વારા બૉલીવુડ ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેમનો અત્યંત ટૂંકો, હાર્મોનિયમ વાદકનો રોલ હતો. એ પછી તેમણે અનિલ કુમાર અને માધુરી દીક્ષિત અભિનિત ફિલ્મ ‘રાજકુમાર’માં કામ કર્યું. 1998ની સાલમાં તેમણે ફિલ્મ ‘સત્યા’ (Satya)માં કામ કર્યું. બંને ફિલ્મ સુપરહિટ રહી, પરંતુ બંનેમાં તેમનું પાત્ર ટૂંકુ હતું.
ફિલ્મોમાં એન્ટ્રીથી પહેલા સંજય મિશ્રાએ અઢળક ઍડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે અમિતાભ બચ્ચન સાથે એક કોલ્ડ ડ્રિન્કની જાહેરાત પણ કરી હતી. 1991માં તેમને ટીવી સીરીયલ ‘ચાણક્ય’માં કામ કરવાની તક મળી, પરંતુ શૂટિંગના પહેલા જ દિવસે તેમણે 28 ટેક આપ્યા. તેનાથી કંટાળીને ડાયરેક્ટરે તેમને એક અસિસ્ટન્ટ ડાયરેક્ટર સાથે મૂકી દીધા. જેમની સાથે તેઓ વ્યવસ્થિત રિહર્સલ કરી શકે.
‘સત્યા’ અને ‘દિલ સે...’ ફિલ્મમાં તેમણે ભજવેલા પાત્રોના કારણે તેમને ટીવીની સિટકૉમ સીરીયલ ‘ઑફિસ ઑફિસ’ (Office Office)માં શુક્લાનું પાત્ર મળ્યું. આ શો થકી તેમને સારી એવી લોકપ્રિયતા મળી. આમાં તેઓ ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીનું પાત્ર ભજવતા હતા જે માત્ર પાન ખાતું હતું. સંજય મિશ્રાએ એક વખત એવું સ્વીકાર્યું હતું કે ‘ઑફિસ ઑફિસ’ શો તેમણે ફક્ત પૈસા માટે કર્યો હતો પણ પછી તેમને શોમાં બહુ રસ પડવા લાગ્યો અને કામ કરવું ગમવા લાગ્યું કેમકે શોની રાઈટિંગ ખૂબ સારી હતી અને કલાકારો પણ જોરદાર હતા.
2005 સુધી તેમણે ટીવી સીરીયલમાં કામ કર્યું. આ જ વર્ષે આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી’માં તેણે કામ કર્યું અને ઓળખ મળવાની શરૂઆત થઈ. તે પછી સંજય મિશ્રાએ ‘અપના સપના મની મની’માં મહત્વનું પાત્ર ભજવ્યું. ત્યાર પછી તેમણે પાછળ વળીને જોયું નથી.
સંજય મિશ્રાને તેમના કૉમિક ટાઈમિંગ માટે ઓળખવામાં આવે છે. તેમને 2010ની સાલમાં આવેલી ફિલ્મ ‘ફસ ગએ રે ઓબામા’ માટે બેસ્ટ એક્ટર અપ્સરા એવૉર્ડ મળ્યો. 2014માં આવેલી ફિલ્મ ‘આંખો દેખી’ (Aankho Dekhi) માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) એવૉર્ડ મળ્યો. આ ઉપરાંત અલગ અલગ એવૉર્ડ શોમાં તેમને ‘મસાન’ તથા ‘કામયાબ’ ફિલ્મ માટે નૉમિનેશન અને એવૉર્ડ મળેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર