આશિષ સિંહ, મુંબઈ: બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના દીકરા મહાક્ષય (Mahaakshay Chakraborty) ઉર્ફે મેમો પર બળાત્કાર (Rape), છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો કેસ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મિથુનની પત્ની યોગિતા બાલીનું પણ નામ છે. પીડિતા તરફથી પોલીસને આપવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, "પીડિતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય ઉર્ફે મેમો વર્ષ 2015થી સંબંધમાં હતા. મહાક્ષયે આ દરમિયાન પીડિતાને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા."
પોલીસમાં આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, "વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી હતી અને તેણીને સૉફ્ટ ડ્રિંકમાં નશીલી દવા આપી હતી. આ દરમિયાન મહાક્ષયે તેણી સાથે કોઈ જ ગર્ભનિરોધક વગર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં લગ્નનું વચન આપતો રહ્યો હતો. મહાક્ષય ઉર્ફે મેમો ચાર વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો અને તેણીને શારીરિક, માનસિક પીડા આપતો રહ્યો હતો."
પીડિતાના જણાવ્યા પ્રમાણે, આ સંબંધ દરમિયાન તેણી પ્રેગનેન્ટ થઈ હતી. જે બાદમાં મહાક્ષય ઉર્ફે મેમો એબૉર્શન માટે દબાણ કરતો હતો. પીડિતા ન માનતા તેણીને કોઈ દવા ખવડાવીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. પીડિતા જણાવ્યા પ્રમાણે તેણીને જાણ ન હતી કે તેને આપવામાં આવેલી દવાથી ગર્ભપાત થઈ શકે છે. પીડિતાનું કહેવું છે કે, મહાક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાને ફરિયાદ બાદ ધમકાવી હતી અને મામલાને રફેદફે કરવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો:
પીડિતાએ પહેલા પણ આ મામલે એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આ દરમિયાન પીડિતા દિલ્હી ચાલી ગઈ હતી, જ્યાં તેણીએ દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવા માટે અપીલ કરી હતી. કોર્ટે આ મામલે એફઆઈઆર દાખલ કરવાનો અને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં ગુરુવારે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલે વધારે તપાસ શરૂ કરશે.
Published by:Vinod Zankhaliya
First published:October 17, 2020, 08:42 am