રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા કરનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

ફાઇલ તસવીર

ચંદ્રકાંત પંડ્યાને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો.

 • Share this:
  મુંબઈ: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું (Gujarati Actor Chandrakant pandya) ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની (Ramayan Nishad Raj) ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.

  માનવીની ભવાઇ માટે મળ્યો હતો રાષ્ટ્રીય પુરસ્કાર

  ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે.

  જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં થયો હતો

  અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાઈ થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી.

  નિષાદ રાજની ભૂમિકામાં ચંદ્રકાંત પંડ્યાની ફાઇલ તસવીર


  ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. જે બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયના કામણ પાથર્યા છે.  તેમણે રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published: