આયુષ્માન ખુરાના બાદ રાજકુમાર રાવ સાથે કામ કરશે અનુભવ સિન્હા, ‘થપ્પડ’, ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મો બનાવી છે
આયુષ્માન ખુરાના બાદ રાજકુમાર રાવ સાથે કામ કરશે અનુભવ સિન્હા, ‘થપ્પડ’, ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મો બનાવી છે
રાજકુમાર રાવ અને અનુભવ સિન્હા ફિલ્મ 'ભીડ'માં પહેલી વખત સાથે કામ કરવાના છે. (File photo and anubhavsinha/instagram)
અનુભવ સિન્હા (Anubhav Sinha)એ કહ્યું કે, ‘ભીડ’ એક એવું શીર્ષક છે જે આખી ટીમને પસંદ આવ્યું છે. મારા માટે ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ ઘણું મહત્વનું હતું અને રાજકુમાર રાવ તેમાંનો એક છે જે પોતાને કોઇપણ વાર્તામાં સરળતાથી ઢાળી શકે છે.’
‘થપ્પડ’, ‘આર્ટિકલ 15’ ફેમ ફિલ્મમેકર અનુભવ સિન્હા (Anubhav Sinha)એ 14 ઓક્ટોબરે પોતાના નવા પ્રોજેક્ટ ‘ભીડ’ (Bheed)ની જાહેરાત કરી છે. આ એક સોશ્યો પોલિટિકલ ડ્રામા ફિલ્મ હશે જેમાં રાજકુમાર રાવ (Rajkumar Rao) લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમેકર અનુભવ સિન્હા ગંભીર અને વાસ્તવિક મુદ્દાઓ પર ફિલ્મ બનાવવા માટે જાણીતાં છે. ‘મુલ્ક’ (Mulk), ‘આર્ટિકલ 15’ (Article 15), ‘થપ્પડ’ (Thappad) જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સિન્હાનું કહેવું છે કે તેઓ ઘણાં સમયથી રાજકુમાર રાવ સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેમની ફિલ્મોમાં કોઈ મુદ્દાને પકડીને તે અંગે મેસેજ આપવામાં આવે છે. તેઓ સામાજિક વિષયોને પડદા પર સુંદર રીતે દેખાડવા માટે જાણીતાં છે.
અનુભવ સિન્હાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ‘ભીડ’ એક એવું શીર્ષક છે, જે આખી ટીમને પસંદ આવ્યું હતું. મારા માટે ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ ઘણું મહત્વનું હતું અને રાજકુમાર રાવ તેમાંનો એક છે જે પોતાને કોઇપણ વાર્તામાં સરળતાથી ઢાળી શકે છે. તેની સાથે કામ કરવાની ઘણી ઈચ્છા હતી. રાવ સાથે કામ કરવા માટે હું બહુ ઉત્સાહિત છું.’
નિર્દેશકે જણાવ્યું કે ભૂષણ કુમાર (Bhushan Kumar)ની નિર્માણ કંપનીના બેનર હેઠળ ‘ભીડ’નું નિર્માણ થશે. તો રાજકુમાર રાવે જણાવ્યું કે, અનુભવ સિન્હા એક વિશિષ્ટ ફિલ્મ નિર્માતા છે અને તે એમની સાથે કામ કરવા માટે બહુ રોમાંચિત છે. રાવ કહે છે, ‘અનુભવ સિન્હા સાથે કામ કરવા બાબતે હું ઘણો ઉત્સાહિત છું. એવા નિર્માતા સાથે કામ કરવું અત્યંત ગર્વની વાત છે. તો, ફિલ્મ ‘લૂડો’ની સફળતા બાદ ભૂષણ કુમાર સાથે કામ કરવું ઘર વાપસી જેવું છે.’
રાજકુમાર રાવ છેલ્લે હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે જાન્હવી કપૂર, વરુણ શર્મા જેવા કલાકારો હતા. જોકે, આ ફિલ્મને ‘સ્ત્રી’ જેટલી સફળતા મળી ન હતી. રાજકુમાર રાવ પાસે ‘બધાઈ દો’, ‘સેકન્ડ ઇનિંગ્સ’, ‘ધ લાસ્ટ રેવ’, ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’, ‘હમ દો હમારે દો’ સહિતના પ્રોજેક્ટ્સ છે જે હવે રિલીઝ થશે.