મુંબઈ : રાજકપૂરની દીકરી તેમજ અભિનેતા ઋષિ કપૂરની બહેન અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાના સાસુએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ઋષિ કપૂરની મોટી બહેન રિતુ નંદાનું 71 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી બચ્ચન અને કપૂર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રિતુ નંદાના નિધનના સમાચાર ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Instagram Post)એ આપ્યા છે. રિદ્ધિમાએ આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, 'આ એ દયાળું વ્યક્તિ માટે જેની સમકક્ષ આજ દિવસ સુધી મેં કોઈ વ્યક્તિને નથી જોઈ. તેઓ હવે તમારા જેવા લોકોને નથી બનાવતા. RIP બુઆ. હું હંમેશા તમને યાદ કરીશ.' રિદ્ધિમા કપૂરની આ પોસ્ટ પર કપૂર ખાનદાનના નજીકના લોકો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. તમામ લોકોએ રિતુ નંદાની આત્મા માટે પ્રાર્થના કરી હતી.
2018માં રિતુ નંદાના પતિનું નિધન થયું હતું.
રિદ્ધિમા કપૂરની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એકતા કપૂરે લખ્યું કે, 'સાંભળીને ખૂબ જ દુઃખ થયું.' રિતુ કપૂરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર ક્યાં થશે તે વિશે કપૂર ખાનદાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ પહેલા ઓગસ્ટ 2018માં રિતુ નંદાના પતિ રાજન નંદાનું નિધન થયું હતું, જેઓ શ્વેતા બચ્ચનના સસરા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે રિતુ નંદાના અંતિમ સંસ્કારમાં બચ્ચન પરિવાર પણ સામેલ થશે. રાજન નંદાના નિધન વખતે અમિતાભ બચ્ચન પોતાના ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ અડધું છોડીને ભારત આવ્યા હતા. રાજન નંદા કૃષિ ઉપકરણો બનાવતી કંપની એસ્કૉર્ટ ગ્રુપના ચેરમેન હતા. તેમના પુત્ર નિખિલ નંદા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર