બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે. જોકે, આ વખતે તે કોઈ ફિલ્મને લઈને વિવાદમાં નથી ફસાઈ પરંતુ આ વખતે વિવાદનું કારણ તેણીના 'ક્લીવીજ' છે! સોમવારે આસામ વિધાનસભામાં પ્રિયંકા ચોપડાના ક્લીવેજ બતાવવાના મામલે ચર્ચા થઈ હતી. પ્રિયંકાના કપડાં અને તેના પહેરવેશ પર કોંગ્રેસ પાર્ટીના અમુક ધારાસભ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો.
હકીકતમાં પ્રિયંકા ચોપડા આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર છે. નવ વર્ષથી તેણીની તસવીર આસામ ટૂરિઝમના કેલેન્ડર પર છપાઈ રહી છે. આ તસવીરમાં તેણીએ ફ્રોક પહેર્યું છે, તેણીએ જે કપડાં પહેર્યા છે તેમાં તેના ક્લીવેજ દેખાઈ રહ્યા છે. આસામ વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના સભ્ય રુપજ્યોતી કુર્મી, રોજલીન ટિર્કી અને નંદિતા દાસે પ્રિયંકા પર આક્ષેપ લગાવ્યો કે તેણીએ આ પ્રકારનો ડ્રેસ પહેરીને આસામની સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરી છે.
કોંગ્રેસના સભ્યોએ એવું પણ કહ્યું કે, આવું કરવા પર તેને આસામ બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવી દેવી જોઈએ. એક ચેનલ સાથે વાતચીત કરતા કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, ફ્રોક એ એકપણ રીતે આસામનો પહેરવેશ નથી, તેમજ કેલેન્ડર પર છપાયેલી તસવીર બિલકુલ યોગ્ય નથી. ફ્રોકની જગ્યાએ પ્રિયંકા ચોપડાએ આસામની ઓળખ તેમજ પરંપરાગત મેખેલા ચાદરનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે જ તેની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જોકે, આસામના ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન જયંત મલ્લાએ કહ્યું કે, કેલેન્ડરને આસામના ટૂરિઝમને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે પ્રિયંકાનો બચાવ કરતા કહ્યું કે, તે એક આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગઈ છે. આસામના કેલેન્ડર પર તેણીની તસવીર છપાવવાનો મતલબ છે કે તેનાથી રાજ્યનું સન્માન વધશે. તેનું માનવું છે કે પ્રિયંકાની તસવીર કલેન્ડરમાં હોવી એ રાજ્યની અસ્મિતા માટે નુકસાનકારણ નથી.