Home /News /entertainment /

ભારતમાં Netflixના પ્લાનની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે દર મહિને રૂ. 149માં માણી શકશો મનોરંજન

ભારતમાં Netflixના પ્લાનની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે દર મહિને રૂ. 149માં માણી શકશો મનોરંજન

નેટફ્લિક્સ પ્લાન

સ્પર્ધા અને ડિજિટલ કોંન્ટેન્ટની માંગ વચ્ચે Netflix દ્વારા પ્લાનની (Netflix plans) કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. એન્ટ્રી લેવલના બેઝિક પ્લાન (Netflix basic plan)ની કિંમત રૂ. 499થી ઘટીને રૂ.199 થઈ છે.

  ભારતના બહોળા માર્કેટમાં વધતી જતી સ્પર્ધા અને ડિજિટલ કોંન્ટેન્ટની માંગ વચ્ચે Netflix દ્વારા પ્લાનની (Netflix plans) કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પરિણામે એન્ટ્રી લેવલના બેઝિક પ્લાન (Netflix basic plan)ની કિંમત રૂ. 499થી ઘટીને રૂ.199 થઈ છે. આ પ્લાનમાં ગ્રાહકો મોબાઈલ, ટેબ્લેટ કે ટીવીમાં શો કે ફિલ્મો (Movies) જોઈ શકે છે. જોકે, તે એક સમયે કોઈ એક સ્ક્રીનમાં જ જોઈ શકાય છે. આવી જ રીતે રૂ. 649ના પ્લાનની કિંમત ઘટીને રૂ. 499 થઈ છે. જેમાં ગ્રાહકો HDનો આનંદ માણી શકે છે.

  Netflixનો સૌથી મોંઘો પ્રીમિયમ પ્લાન હવે રૂ. 649માં મળશે. પહેલા તેની કિંમત રૂ. 799 હતી. આ પ્લાનમાં એક સાથે 4 સ્ક્રીનના સપોર્ટ સાથે અલ્ટ્રા હાઇ-ડેફિનેશન (Ultra HD)નો આનંદ લઈ શકાય છે. બીજી તરફ Netflixનો મોબાઈલ ઓન્લી પ્લાન હવે રૂ. 199ના સ્થાને રૂ. 149માં મળશે. યુઝર્સ આ બધા લાભ નવા બીલિંગ સાયકલથી લઈ શકશે.

  યુઝર્સને નવા સબસ્ક્રિપ્શનનો વિકલ્પ આવી રીતે મળશે

  Netflix ઇન્ડિયાના વીપી-કન્ટેન્ટ મોનિકા શેરગિલે મનીકન્ટ્રોલને જણાવ્યું હતું કે, તેઓ 14 ડિસેમ્બરથી હાલના સભ્યો માટે નવું ઓટો-અપગ્રેડ ફીચર પણ રજૂ કરી રહ્યા છે. જેમાં યુઝર્સને એક પોપઅપ જોવા મળશે અને યુઝર્સ નવી પ્રાઈઝ ચૂકવવામાં અનુકૂળ હોય તો તેમના પ્લાનને ઓટો-અપગ્રેડ કરી શકે છે.

  દા.ત, જો વપરાશકર્તા જૂના રૂ. 499ના બેઝિક પ્લાન પર હોય અને તેઓ અપગ્રેડને કન્ફર્મ કરે તો તેમને આપોઆપ આગલા સ્તરના 'સ્ટાન્ડર્ડ' પ્લાનમાં ખસેડવામાં આવશે. જેની કિંમત હવે રૂ. 499 છે. અલબત્ત યુઝર્સ નીચા ભાવનો લાભ લેવા માટે અપગ્રેડને નકારી શકે છે.

  ઉલ્લેખનીય છે કે, Netflixના પ્લાન મોંઘા છે. ખાસ કરીને ડિઝની+ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વીડિયો, ઝી એન્ટરટેઇનમેન્ટ, ઝી5 અને સોની પિક્ચર્સ નેટવર્કના સોનીલિવ જેવા હરીફો સાથે સ્પર્ધાની વાત આવે ત્યારે આ પ્લાન લોકોને વધુ મોંઘા લાગે છે. જોકે, હવે ભાવ ઘટાડવા લેવાયેલો નિર્ણય બહોળા વર્ગને આકર્ષી શકે છે.

  ભારતમાં વધતા ગ્રાહકો

  ઑક્ટોબર 2021માં તેના શેરધારકોને લખેલા પત્રમાં Netflixએ જણાવ્યું હતું કે, એશિયા પેસિફિક ક્ષેત્રે તેની મેમ્બરશીપ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. બીજી તરફ કન્સલ્ટિંગ ફર્મ મીડિયા પાર્ટનર્સ એશિયા (MPA)એ પોતાના રિપોર્ટમાં 2021ના ​​અંત સુધીમાં Netflix સબ્સ્ક્રાઇબર બેઝ 5.5 મિલિયન થવાનો અંદાજ મૂક્યો હતો.

  રિપોર્ટમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે, ભારતમાં આ સેવાના કુલ ગ્રાહકોના માત્ર 5 ટકા છે, પરંતુ તે સબ્સ્ક્રિપ્શન વિડિઓ-ઓન-ડિમાન્ડ (SVoD) આવક હિસ્સાની દ્રષ્ટિએ બજારમાં મોખરે છે. તે કુલ બજાર આવકના 29 ટકા હિસ્સો ધરાવે છે. એકંદરે, ભારતમાં હાલમાં આશરે 102 મિલિયન SVoD ગ્રાહકો છે, જે 2026 સુધીમાં વધીને 224 મિલિયન થવાની સંભાવના છે.

  કિંમત બાબતે ભારતમાં Netflix પ્રયોગો કરી ચૂક્યું છે

  પાછલા કેટલાક વર્ષોમાં Netflixએ ભારતમાં વિવિધ પ્રાઇસિંગ પ્રયોગો કર્યા છે. જેમાં વિકએન્ડ પર મફતમાં નોન સબસ્ક્રાઈબરને વિનામૂલ્યે એક્સેસ, વિકલી પ્લાન અને સસ્તા દરે લાંબા ગાળાનો પ્લાનનો સમાવેશ થાય છે. આ પ્રયોગો ગ્રાહકો માટે ઓફર વધુ આકર્ષક બનાવવા થયા હતા.

  Netflix ટોચના શો-ફિલ્મો હસ્તગત કર્યા

  કંપનીએ ભારતમાં તેના કન્ટેન્ટ પ્રોગ્રામિંગને પણ વેગ આપ્યો છે, કંપનીએ આ વર્ષે માર્ચમાં 40થી વધુ ટાઇટલ લઈ સૌથી મોટું રોસ્ટર બહાર પાડ્યું છે. આ ટાઇટલમાં મલયાલમ-ભાષાની સુપરહીરો-કોમેડી ફિલ્મ મિનલ મુરલી, આર માધવન-સ્ટારર રોમેન્ટિક કોમેડી ડીકપલ્ડ, માધુરી દીક્ષિત-સ્ટારર ફાઈન્ડિંગ અનામિકા અને ધ વિચર, કોબ્રા કાઈ અને લિયોનાર્ડો ડી કેપ્રિયોની નવી સીઝન ડોન્ટ લૂક અપનો સમાવેશ થાય છે.
  First published:

  Tags: Netflix

  આગામી સમાચાર