પોતાની અદાઓથી સૌને દીવાના બનાવી દેનારા દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ (Mumtaz)નો ખૂબસૂરત અંદાજ આજે પણ યાદ કરવામાં આવે છે. 60-70ના દાયકામાં પોતાની ચુલબુલી અદાઓથી દર્શકોના દિલ પર રાજ કરનારા અભિનેત્રીએ ‘રોટી’ (Roti), ‘અપરાધ’ (Apradh), ‘આપકી કસમ’ (Aap Ki Kasam) જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. ‘આપ કી કસમ’ ફિલ્મનું ગીત ‘જય જય શિવશંકર’ આજે પણ લોકોને ઝૂમવા પર મજબૂર કરી નાખે છે. જૂના જમાનાની આ એક્ટ્રેસ મોટેભાગે સાડી અથવા સૂટમાં જ જોવા મળતી.
મુમતાઝના ડ્રેસ અને ખાસ કરીને હેર સ્ટાઈલની ઘણી ચર્ચા થાય છે. મુમતાઝ પહેરે એ સ્ટાઈલના કપડાં યુવતીઓમાં બહુ પોપ્યુલર થયા હતા. એ સમયે એક્ટ્રેસ કપડાં બાબતે અને ખાસ કરીને ફિલ્મના સીનને લઈને બહુ સજાગ હતી. મુમતાઝે ક્યારેય ફિલ્મોમાં બોલ્ડ સીન નથી આપ્યા અને તેમણે આની પાછળનું કારણ પણ જણાવ્યું.
મુમતાઝે સુપરસ્ટાર રાજેશ ખન્ના, શમ્મી કપૂર, ફિરોઝ ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું. લેજન્ડ અભિનેત્રીએ પડદા પર ક્યારેય પોતાના કો-એક્ટરને કિસ પણ નથી કરી. મીડિયા સાથે વાત કરતાં મુમતાઝે જણાવ્યું કે, ‘મેં ક્યારેય બોલ્ડ સીન નથી કર્યો. સ્ક્રીન પર કિસ સુદ્ધાં નથી કરી. આજકાલ તો ખબર નહીં શું કરે છે. હવે તો હદ પાર થઈ ગઈ છે. હું બહુ રૂઢિવાદી છું. જો હું પડદા પર બોલ્ડ સીન કરત તો મારા લગ્ન મયૂર માધવાની સાથે ન થયા હોત કેમકે માધવાની પરિવાર એની પરવાનગી ન આપત.’
જોકે, મુમતાઝે 1972માં આવેલી પોતાની ફિલ્મ ‘અપરાધ’માં બિકીની પહેરી હતી. મીડિયાની રિપોર્ટ્સ મુજબ, શમ્મી કપૂર મુમતાઝ સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. મુમતાઝ શમ્મી કપૂરને પ્રેમ કરતા હતા પણ શમ્મીએ કહ્યું હતું કે, લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહેવું પડશે. મુમતાઝે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો અને તેમના લગ્ન ન થઈ શક્યા.
મુમતાઝે 1974માં મયૂર માધવાની સાથે લગ્ન કરી લીધા. મુમતાઝ અને મયૂરની બે દીકરીઓ છે- તાન્યા માધવાની અને નતાશા માધવાની. નતાશાના લગ્ન બોલિવુડના લેજન્ડ એક્ટર ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાનથી થયા છે.