Home /News /entertainment /મેરિલીન મુનરોથી લઈને પરવીન બાબી સુધીની આ અભિનેત્રીઓ જીવનમાં ખૂબ દુઃખી હતી, અંતિમ શ્વાસ સુધી નહોતો મળ્યો પ્રેમ

મેરિલીન મુનરોથી લઈને પરવીન બાબી સુધીની આ અભિનેત્રીઓ જીવનમાં ખૂબ દુઃખી હતી, અંતિમ શ્વાસ સુધી નહોતો મળ્યો પ્રેમ

આ અભિનેત્રીઓ હંમેશાં પ્રેમ માટે તરસતી રહી

વિશ્વની સૌથી કિંમતી વસ્તુ પ્રેમ કહેવાય છે અને દરેક વ્યક્તિને પ્રેમ મળે જ તે જરૂરી નથી. કેમેરાની ચાંદની પાછળ અનેક અભિનેત્રીઓ પોતાનું વાસ્તવિક જીવન જીવે છે.

વિશ્વની સૌથી કિંમતી વસ્તુ પ્રેમ કહેવાય છે અને દરેક વ્યક્તિને પ્રેમ મળે જ તે જરૂરી નથી. કેમેરાની ચાંદની પાછળ અનેક અભિનેત્રીઓ પોતાનું વાસ્તવિક જીવન જીવે છે. આ જીવન આપણા વિચારથી તદ્દન અલગ હોય છે. તમે ભલે ગમે તેટલું તેમના વિશે જાણવાની કોશિશ કરો, પરંતુ સોશિયલ મીડિયા ફેનપેજ અથવા ગૂગલ તમને કોઈના વાસ્તવિક જીવન વિશે જાણકારી આપી શકતું નથી.

બોલિવુડથી લઈને હોલિવુડ ઈન્ડસ્ટ્રી સુધી અનેક સેલિબ્રિટીએ પોતાના જીવનથી કંટાળીને મોતને વ્હાલુ કર્યું છે. અનેક લોકોએ પોતાનું આ દુ:ખ દૂર કરવા માટે દારૂ અને ડ્રગ્સનો સહારો લીધો છે. અનેક લોકો એવા છે, જે લોકોની ભીડમાં રહેવા છતાં પણ પ્રેમ માટે તરસતા રહ્યા છે. અહીંયા અમે તમને આવી જ સેલિબ્રિટી વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ પણ વાંચોઃઅલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નમાં હોલિવૂડના આ સ્ટાર હાજરી આપશે, દિલ્હીમાં સાત ફેરા લેશે

મર્લિન મુનરો


મર્લિન મુનરો હોલીવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંથી એક હતી. દર્શકોને પડદા પર મર્લિનની સુંદરતા અને તેનો મજાકિયા સ્વભાવ ખૂબ જ પસંદ આવતો હતો. તેમનું વાસ્તવિક જીવન આ પડદાના જીવન કરતા ખૂબ જ અલગ હતું. વાસ્તવિક જીવનમાં તેઓ નોર્મા જીન હતા, જે ફેમસ મર્લિન મુનરો હોવાનું નાટક કરતી હતી.મર્લિને પોતાની જીવનમાં ખૂબ જ દુ:ખ જોયું હતું. તેમની માતા મૃત્યુ પામ્યા બાદ તેમણે અનાથની જેમ જીવન પસાર કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમને જીવનમાં પ્રેમ મળ્યો, પરંતુ તે વધુ સમય સુધી રહી શક્યો ન હતો. મર્લિને ત્રણ લગ્ન કર્યા તેમ છતાં, તેમને હંમેશા એકલું લાગતું હતું. તેમણે બાળક વિશે પણ વિચાર્યું હતું, પરંતુ તે પણ થઈ શક્યું નહોતું. એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેઓ ન્યૂયોર્કના એક થિયેટરમાં ગુમનામ વ્યક્તિની જેમ ક્લાસ લેતા હતા. તેઓ પોતાના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈને જાણકારી નથી.

મીના કુમારી


વિનોદ મહેતાએ મીના કુમારીની બાયોપિકમાં જણાવ્યું હતું કે, મીના કુમારીનો જન્મ થયો ત્યારે તેમના પિતાએ તેમને ડોકટર પાસે જ મુકી દીધી હતી. પૈસાની તંગીના કારણે તેમના પિતાએ આ પગલું ભર્યું હતું. કિશોર કુમારના ભાઈ અશોકના કારણે તેમની મુલાકાત પતિ કમલ અમરોહી સાથે થઈ હતી. કમલ અમરોહી પહેલેથી જ પરિણીત હતા અને તેમને ત્રણ બાળકો હતો. મીના કુમારી અને કમલ અમરોહી લગ્ન કરવાના હતા ત્યારે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

તે બંને માટે લગ્ન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. મીના કુમારીએ કમલ સાથે ચૂપચાપ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કમલ અમરોહીએ મીના કુમારી પર ખૂબ જ પાબંદીઓ લગાવી હતી. આ કારણોસર થોડા સમય બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. અલગ થયા બાદ મીનાકુમારી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું અને પોતાનું દુ:ખ ભૂલવાની કોશિશ કરી રહ્યા હતા. ડોકટરોએ ના પાડી તે છતાં, તેઓ દારૂ પીતા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

સિલ્ક સ્મિતા


સાઉથ ઈન્ડસ્ટ્રીની ‘સેક્સ સિંબલ’ તરીકે ઓળખાતી સિલ્ક સ્મિતાના અનેક લોકો દીવાના હતા. તેમની અદા અને તેમના સેંસુઅસ અંદાજ પર અનેક લોકો પોતાનું દિલ હારી જતા હતા. તેમનું વાસ્તવિક જીવન ખૂબ જ નિરસ હતું. તેમણે પોતાના 17 વર્ષના કરિયરમાં પાંચ ભાષાઓની 450 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. ટચઅપ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરનાર સિલ્ક સ્મિતાએ વર્ષ 1980માં મોટા પડદા પર એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ ક્યારેય પણ પાછું વળીને જોયું નથી.

સિલ્ક એક ગરીબ પરિવારની દીકરી હતી. ગરીબીના કારણે તેઓ ચોથા ધોરણ બાદ ભણી શક્યા નહોતા. 14 વર્ષની ઉંમરે જબરદસ્તી તેમના લગ્ન કરી દેવામાં આવ્યા. જે વ્યક્તિ સાથે તેમના લગ્ન થયા તેમને સિલ્ક સ્મિતા ઓળખતી જ નહોતી. આ લગ્નજીવનમાં તેમના પતિએ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તેમના માતા પિતાએ તેમને ખૂબ જ પરેશાન કર્યા હતા. થોડા વર્ષો બાદ આ સંબંધ જ પૂરો થઈ ગયો હતો.

પડદા પર બેધડક વાત કરનાર સિલ્ક સ્મિતા વાસ્તવિક જીવનમાં ખૂબ જ શર્મિલી હતી. તેઓ ક્યારેય પણ પોતાની પરેશાની કોઈ સાથે શેર કરતા ન હતા. છતાં પણ તે લોકોને મોઢા પર પોતાના મનની વાત કહેતી હતી. એક સમયે તેઓ તેમના જીવનમાં તેઓ એકદમ એકલા પડી ગયા હતા. ત્યારબાદ 23 સપ્ટેમ્બર 1996ના રોજ તેઓ તેમના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. કહેવામાં આવે છે કે, તેમણે આપઘાત કર્યો હતો.

પરવીન બાબી


પરવીન બોબીએ પોતાના જીવનમાં અનેક દુ:ખનો સામનો કર્યો હતો. લોકોની ભીડમાં એકલું રહેવું અને પ્રેમ માટે ભટકવું તે તેમના જીવનનો એક ભાગ હતી. પડદા પર પરવીન બોબીએ પોતાના અલગ અલગ જલવા દર્શાવ્યા છે. 70ના દાયકામાં તે એક બિંદાસ અભિનેત્રી તરીકે ઓળખાતી હતી. તેમનું કરિઅર પણ ખૂબ જ જબરદસ્ત હતું. ફિલ્મ મેકર્સ તેમને પોતાની ફિલ્મમાં લેવા માટે લાઈનમાં બેસતા હતા. પ્રેમના મામલે પરવીન બોબીનું નસીબ હંમેશા પાછળ રહી ગયું છે.

અનેક અભિનેતા સાથે તેમનું નામ જોડી દેવામાં આવ્યું છે. ડેની ડેંજોગપા, કબીર બેદી અને ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે તેમનું નામ જોડી દેવામાં આવ્યું છે. તેમનું રિલેશન કોઈ વ્યક્તિ સાથે વધુ ટકી શક્યું નથી. તેમને પેરાનોયડ સેજોફ્રેનિયા થઈ ગયું હતું. જેના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓ ખૂબ જ ડરેલા રહેતા હતા. તેઓ આ બધાથી દૂર અમેરિકા જતા રહ્યા હતા. ત્યારબાદ જ્યારે તે ભારત પરત આવી ત્યારે તેમને એવું લાગતું હતું કે, લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. તેઓ છેલ્લા સમય સુધી એકલા રહી ગયા હતા અને તેમની છેલ્લી ઈચ્છા પણ અધૂરી રહી ગઈ હતી. પરવીન પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. ત્રણ દિવસ બાદ તેમના પાડોશીઓને આ વાતની જાણ થઈ હતી. ઓટોપ્સીમાં જાણવા મળ્યું હતું કે, તેમના પેટમાં માત્ર દારૂ હતો અને અનાજનો એક દાણો પણ નહોતો.
First published:

विज्ञापन
विज्ञापन