Home /News /entertainment /

‘કબીર સિંહ’ કેમ સુપરહીટ છે?

‘કબીર સિંહ’ કેમ સુપરહીટ છે?

આટલા વિરોધો અને કડક સમીક્ષા છતાંય કેમ ‘કબીર સિંહ’ ફિલ્મ લોકોને ગમી રહી છે?

આટલા વિરોધો અને કડક સમીક્ષા છતાંય કેમ ‘કબીર સિંહ’ ફિલ્મ લોકોને ગમી રહી છે?

  આટલા વિરોધો અને કડક સમીક્ષા છતાંય કેમ ‘કબીર સિંહ’ ફિલ્મ લોકોને ગમી રહી છે? એ સર્ટિફિકેટ અને સાઉથની ફિલ્મની સત્તાવાર રિમેક છતાં કેમ બોક્સ-ઑફિસના રેકોર્ડ્સ તોડી રહી છે? એવું શું છે ફિલ્મમાં જે જોવા લોકો
  થીએટરમાં બીજી બીજી વાર જઈ રહ્યા છે?

  -પાર્થ દવે

  આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ‘કબીર સિંહ’ ફિલ્મે 274.36 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના ડિરેક્ટર સંદિપ રેડ્ડી વાંગાએ રિલીઝ પછીના ઈન્ટરવ્યુઝ આપવાના શરૂ કરી દીધા છે. ફિલ્મને ક્રિટિક્સે ભરપૂર ગાળો આપી છે અને હવે ડિરેક્ટરે આપેલા ઈન્ટરવ્યુઝ પણ ટ્રોલ થઈ રહ્યા છે. ફિલ્મના અમુક ચોક્કસ સીન્સ વિશે સંદિપ વાંગાએ પોતાના જે વિચારો રજુ કર્યા તે લોકો સ્વીકારવા તૈયાર નથી.  ‘કબીર સિંહ’ રિલીઝ થઈ એ દિવસથી સમીક્ષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેનો વિરોધ કરવો એક અભિયાન હોય એમ મંડી પડ્યા છે. કહ્યું એમ ડિરેક્ટરે જે વાત કરી તેનો પણ સખત વિરોધ થઈ રહ્યો છે. કોઈક કહી રહ્યું છે કે, આનાથી ડોમેસ્ટિક વાયોલેન્સને પ્રોત્સાહન મળે છે તો કોઈકનું માનવું છે કે આવી ફિલ્મો અને માણસો સમાજ માટે નુક્શાનકારક છે.

  તો આટઆટલા વિરોધો અને અવરોધો છતાંય ફિલ્મે કેમ આટલી બધી કમાણી કરી? ‘આટલી બધી’ એટલે ફિલ્મે ઓલરેડી સલમાન ખાનની ‘ભારત’ના રેકોર્ડ તોડી નાખ્યા છે. ‘ઉરી’ની નજીક પહોંચી ચૂકી છે, પાર પણ કરી જશે અને ૨૦૧૯ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. બૉક્સ ઑફિસ આંકડા ફિલ્મની સફળતાનું માપદંડ નથી એ મંજૂર, પણ એ પહેલા અઠવાડિયા સુધી. જેમ કે, ‘કલંક’; તે શરૂઆતમાં સ્ટારકાસ્ટ અને બિગ બેનરના કારણે ચાલી પણ પછી પટકાઈ. એવી પટકાઈ કે વરુણ ધવન સહિત આખી કાસ્ટે તે સ્વીકાર્યું કે ફિલ્મ હબંગ બની હતી! ‘કબીર સિંહ’ની રિલીઝ પછી ‘આર્ટિકલ ૧૫’ જેવી વિષયને પ્રાધ્યાન આપતી અને હોલીવુડની જાણીતી ફ્રેન્ચાઈઝી માર્વેલની ‘સ્પાઈડર મૅન’ જેવી ફિલ્મ આવી. પણ ‘કબીર સિંહ’ તેમની સાથે સતત ચાલી રહી છે. ફિલ્મને રીપીટ ઑડિયન્સ મળી રહ્યું છે. કારણ? યુવાનો મોટી સંખ્યામાં ફિલ્મથી આકર્ષાઈ રહ્યા છે, કારણ? સૌથી મોટું કારણ છે કે ફિલ્મ ફ્લો સાથે દોડે છે. દર્શકોને પહેલા સિનથી જ પોતાની સાથે લઈ લે છે, અને એ પકડ છેવટ સુધી રહે છે, અને એટલે જ ઓલમોસ્ટ ત્રણ કલાકનો રન ટાઈમ હોવા છતાંય કોઈ કંટાળતું નથી. ફિલ્મના વિષય-વસ્તુ કે વિચારનો વિરોધ હોઈ શકે પણ તેની ઈમ્પેક્ટ અને ટ્રીટમેન્ટ જબરદસ્ત છે તેની કોઈ ના નહીં કહી શકે. હવે આ ટ્રીટમેન્ટ અને ઈમ્પેક્ટ દક્ષિણ ભારતની દેન છે! ત્યાંના ડિરેક્ટર્સ આ માહોલ ઊભો કરવામાં માહેર છે. તમે રામ ગોપાલ વર્માની શરૂઆતની ફિલ્મોની ટ્રીટમેન્ટ જુઓ, તેની અસર માર્ક કરો. મણીરત્નમની હિન્દી ફિલ્મો વિચારો; સંદીપ વાંગાએ પણ ૨૦૧૭માં ‘અર્જુન રેડ્ડી’ બનાવી જેની ઑફિશિયલ રિમૅક ‘કબીર સિંહ’ નામે બનાવી. ‘કબીર સિંહ’ના પ્રતાપે હવે તો ‘અર્જુન રેડ્ડી’ પણ ખાસી જાણીતી થઈ ગઈ અને જોવાઈ! સાઉથની ફિલ્મોમાં ઈમ્પેક્ટ ઊભું કરવામાં સૌથી મહત્વનું તત્ત્વ હોય તેનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, જે અહીં પણ હાજરાહજુર છે! ત્યાં બીજીએમ એટલે કે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની બોલબાલા છે! બેઉ ફિલ્મમાં સેઈમ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ થયો છે.  હવે મુખ્ય વાત, જે લોકોને સૌથી વધારે ગમી પણ છે અને વિરોધમાં પણ તે સૌથી આગળ છે, એ છે ફિલ્મનું પાત્ર: કબીર સિંહ! અર્જુન રેડ્ડી! આ માણસ આવો કેમ છે? ઘણાનું એવું કહેવું છે કે તે જે રીતે વર્તન કરે છે તે સમજાતું નથી. તેને પ્રોબ્લેમ શું છે? પાછો હેપ્પી એન્ડિગ છે, તે ખરાબ છે છતાંય તેની સાથે સારું થાય છે!

  વેલ, સૌથી પહેલી વાત એ કે, વર્લ્ડ સિનેમામાં એટલે કે દુનિયાભરની સિનેમામાં આવા પાત્રો ખૂબ લખાયા છે. ઈવન, દક્ષિણ ભારતની તમિલ, તેલુગુ, મલયાલમ ક્લાસિક ફિલ્મોમાં આવા પાત્રો જોવા મળે છે. ‘સિમ્બા’ જેના પરથી બની તે ‘ટેમ્પર’નું પાત્ર યાદ કરો, અડધે સુધી તે કરપ્ટ હોય છે પછી હૃદયપરિવર્તન થાય છે. પણ તે હિરોઈક કૅરૅક્ટર હતું, ‘કબીર સિંહ’ વાસ્તવિક છે. આ પાત્ર સમજાતું નથીનો જવાબ છે કે, દુનિયામાં દરેક વસ્તુ સમજાય એવી ન હોય!

  આપણી આસપાસની મોટાભાગની વસ્તુ ગ્રે શેડ છે. તમે તમારા નજિકના જે સ્નેહીનો સખત આદર કરતા હો બની શકે કે તે અંગત જિંદગીમાં સ્વછંદી હોય. તેના કેસકબાડા ચાલતા હોય. છતાંય તમારા સાથે તે સો ટકા શુદ્ધ હોય! આ કૉમ્બિનેશન દરેકની જિંદગીમાં રહેવાનો.  થોડી ફિલોસોફિકલ વાત થશે પણ કરવી જરૂરી છે. આપણી પોતાની જિંદગીનો એક ભાગ એવો હોય જે આપણને જ માત્ર ખબર છે. તેનું શેરિંગ સામાન્ય રીતે કોઈ સાથે ન હોય. આપણી કલ્પના, વિચારો આપણા પૂરતા જ સિમીત હોય. તે અન્યને ખબર પડે તો ભૂકંપ આવી જાય! આ જે અંદરની સચ્ચાઈ છે તે ‘કબીર સિંહે’ ઉઘાડી પાડી છે! એટલે લોકોને તે ગમે છે. દારૂ, વ્યસન, ડ્રગ્સ, છોકરી, બીમારી, આ બધાના કારણે તો અન્ય ફિલ્મો પણ ચાલી છે અને નથી પણ ચાલી. ‘રઈશ’માં શાહરુખ ખાન બુટલેગર હતો અને દમદાર હિરોઈઝમ હતું; તહેવારના દિવસે રિલીઝ ડેટ હતી પણ તેમ છતાંય પ્રમાણમાં એવરેજ ફિલ્મ રહી. શાહીદનું કદ શાહરુખથી ઘણું પાછળ. અહીં કોઈ બેનર પણ નથી, ટિકીટના ભાવ પણ નોર્મલ છે, કોઈ તહેવાર નથી, ઑફિશિયલ બીજી વાર બનેલી ફિલ્મ છે, તેમ છતાંય લોકો જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ ખોટી ન હોઈ શકે! (મુર્ખ પણ નહીં!)
  કબીર સિંહ અતિશય નિખાલસ છે, અને અતિશય નિખાલસતા અને નકારાત્મકતા બહુ નજીક છે! બંને વચ્ચે પાતળી રેખા છે. બીજું, કબીર સિંહ ગમે તેવો હોય, દંભી નથી! (આજના યુવાનોની જેમ!) અને એટલે જ લોકો તેને તાળીઓથી વધાવે છે. ગુસ્સો આપણા સ્વભાવનો એક ભાગ છે. માણસ ગુસ્સામાં હોય ત્યારે ખોટું ન બોલે- આ હકિકત છે! સંદિપ વાંગાએ કહેલું, એન્ગર ઈઝ પ્યોરેસ્ટ ઈમોશન. કબીર સિંહ તેનાથી ડિલ કરે છે. તે સર્જન છે, હોશિયાર છે, જાણે છે તેના માઈનસ પૉઈન્ટ.

  ડિરેક્ટરને તેના અનોખા કેરેક્ટર ક્રિએટિંગ માટે પણ માર્ક્સ આપવા પડે. કબીર પોતાની દાદીની પ્રાર્થના સભામાં જાય છે ત્યારે બધા સફેદ વસ્ત્રોમાં હોય છે, કબીર કાળા. તે ત્યાં પણ નેચરલ રહે છે, દાદીને ગમતું ગીત વગાડે છે! ફિલ્મમાં ઘણી જગ્યાએ મેટાફોર છે, જે ફિલ્મના લેયર્સ સુચવે છે. સંદીપ વાંગાના ભાઈ અને પપ્પાએ બધું વેંચીમારીને સંદીપની પહેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ બનાવી હતી. હવે કબીર સિંહના ભાઈ અને પપ્પાના પાત્રો યાદ કરો! સંદિપ વાંગા પોતે ગુસ્સેલ આદમી છે અને પોતાના પુત્રનું નામ અર્જુન રેડ્ડી રાખ્યું છે!  દોઢ વર્ષ પહેલા જ્યારે ‘અર્જુન રેડ્ડી’ ફિલ્મ જોઈ ત્યારે આ પાત્રની જર્ની જોઈને દંગ રહી જવાયું હતું. આ કોઈકની જિંદગી પડદા પર દેખાઈ રહી છે તેવું ફિલ થયું હતું. ‘કબીર સિંહ’ની જાહેરાત ટાણે થયું કે આવું બીજી વાર થોડી થાય? પણ એટલીજ આક્રમકતા સાથે થયું!

  ડિસક્લેમર માત્ર એટલું જ કે ફિલ્મ જોઈને કોઈ યુવાન સાથે પ્રેમભંગ થાય તો તે તેની જેમ પોતાના શરીરને નુક્શાન પહોંચાડવાનું શરૂ કરી ન દે! તેમ કરવાથી પોતાને જ નુક્શાન છે. ફિલ્મમાં ઈન્ટેન્સ પ્રેમ રજુ કરવા માટે તે દર્શાવાયું છે. જેમ શરદ બાબુએ દેવદાસનું પાત્ર સર્જ્યું હતું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Box Office, Box office Collection, Kabir singh, Shahid Kapoor

  આગામી સમાચાર