જ્યારે કપિલ શર્માને ડાન્સ શો હોસ્ટ કરવા બાબતે કહી દેવામાં આવ્યું- ‘પહેલાં તમે વજન ઘટાડો’...
જ્યારે કપિલ શર્માને ડાન્સ શો હોસ્ટ કરવા બાબતે કહી દેવામાં આવ્યું- ‘પહેલાં તમે વજન ઘટાડો’...
કપિલ શર્માએ શેર કરી વજન ઘટાવાની કહાની
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)એ કલર્સ ટીવીનો ‘ધ કપિલ શર્મા શો’ કઈ રીતે મળ્યો તેની ઇનસાઈડ સ્ટોરી શેર કરી છે. ફીવર FM બાઉન્સ બેક ભારત ફેસ્ટિવલ (Fever FM’s Bounce Back Bharat Festival)ના એક એપિસોડમાં કપિલ શર્માએ ‘ધ કપિલ શર્મા શો’ની શરૂઆત વિશે ખુલાસો કર્યો હતો.
કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ કપિલ શર્માએ કલર્સ ટીવીનો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) કઈ રીતે મળ્યો તેની ઇનસાઈડ સ્ટોરી શેર કરી છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (The Great Indian Laughter Challenge), ‘કોમેડી સર્કસ’ (Comedy Circus) અને અન્ય કોમેડી શોમાં ભાગ લીધા બાદ કપિલ શર્માએ 2016માં પોતાનો કોમેડી ચેટ શો ‘ધ કપિલ શર્મા શો’ શરુ કર્યો હતો. આટલા વર્ષોમાં 500થી વધુ એપિસોડમાં કપિલે ઘણાં સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ કર્યા છે.
‘ફીવર FM બાઉન્સ બેક ભારત ફેસ્ટિવલ’માં કપિલ શર્માએ આ શો શરુ થયો એ અંગેની રસપ્રદ ઘટના જણાવી હતી. કપિલે જણાવ્યું કે કલર્સ દ્વારા તેને ‘ઝલક દિખલા જા’ શો હોસ્ટ કરવા માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. કપિલ કહે છે, ‘આ ખરેખર શો ન હતો. મને કલર્સની ઓફિસ બોલાવવામાં આવ્યો, તેમણે મને પૂછ્યું કે એક શો છે તમે હોસ્ટ કરી શકો કે નહીં. મેં પૂછ્યું કે કયો શો? તેમણે કહ્યું કે ‘ઝલક દિખલા જા.’ મેં તેમને પૂછ્યું કે મારે શું કરવાનું રહેશે? તેમણે જણાવ્યું કે તમે અને મનીષ પૌલ હોસ્ટ કરશો.’
કપિલ આગળ કહે છે કે, ‘મને કહેવામાં આવ્યું એ પ્રમાણે હું BBC નામના એક પ્રોડક્શન હાઉસને મળવા ગયો. તેમણે મને જોયો અને કહ્યું કે, ‘તમે બહુ જાડા છો. તમે થોડું વજન ઘટાડો.’ મેં ચેનલને આ અંગે કહ્યું. ચેનલે ત્યાં ફોન કરીને કહ્યું કે, ‘આ માણસ સારો છે. એમને હોસ્ટ તરીકે લાવીએ. વજન એ પછી ઘટાડી નાખશે. મેં તેમને પૂછ્યું કે, ‘તમે કોમેડી શો બનાવવાનું કેમ નથી વિચારતા?’
કપિલ શર્માને ત્યારબાદ કોમેડી શો વિશે વધુ આઈડિયા આપવાના હોવાથી તેણે બે દિવસનો સમય લીધો. કપિલ કહે છે, ‘મને સ્ટેન્ડઅપ, સ્કેચ કોમેડી, કોશ્ચ્યુમ કોમેડી કરવી ગમતી. એટલે મેં એ બધું જ સાથે લાવવાની યોજના બનાવી જે હું સારી રીતે કરી શકું અને શોમાં તેને રજૂ કરી શકું. મને એપિસોડનો કુલ સમય પૂછવામાં આવ્યો. સ્ટેન્ડ-અપ, ગેગ્સ, સેલિબ્રિટી ઇન્ટરવ્યુ વગેરે બાદ પણ પાંચ મિનિટનો સમય બચતો હતો. પણ જ્યારે શોનું શૂટિંગ થયું ત્યારે તે 120 મિનિટ ચાલ્યો અને મેકર્સને 70 મિનિટનું જ કન્ટેન્ટ જોઈતું હતું.’
‘તેઓ નક્કી ન કરી શક્યા કે કયો ભાગ રાખવો અને કયો કટ કરવો. પરંતુ શો ખરેખર લોકપ્રિય બન્યો અને આજે પણ એની લોકપ્રિયતા અકબંધ છે. એ સમયે 25 એપિસોડ નક્કી કરવામાં આવ્યા હતા પણ અમે વર્તમાન સીઝનની શરૂઆત કરી ત્યારે જ 500 એપિસોડ પૂરા થઈ ચૂક્યા હતા.’