એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌત ક્યારેક પોતાને ટોમ ક્રૂઝથી પણ સારા સ્ટંટ કરનાર કહે છે, તો ક્યારેક મેરિલ સ્ટ્રીપ સાથે પોતાની તુલના કરે છે. જોકે, હવે કંગનાએ એક નવો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે હિંદુસ્તાનમાં શ્રીદેવી બાદ તે એકમાત્ર અભિનેત્રી છે, જે પડદા પર યોગ્ય રીતે કોમેડી કરે છે. આ ટ્વીટને લોકોએ તેને આડે હાથ લીધી છે.
કંગનાની ફિલ્મ તનુ વેડ્સ મનુને 10 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કંગનાએ ટ્વીટ કર્યું છે કે- ‘આ પહેલો હું તુનકમિજાજ અને વિક્ષિપ્તવાળા પાત્ર ભજવી રહી હતી. પરંતુ આ ફિલ્મે મારા કરિયરની દિશા બદલી દીધી. આ ફિલ્મે મને મુખ્યધારામાં કોમેડી સાથે એન્ટ્રી અપાવી. ક્વીન અને દત્તોથી મે મારી કોમિક ટાઈમિંગને મજબૂત કરી અને લેજેન્ડરી શ્રીદેવી બાદ કોમેડી કરનાર એકમાત્ર અભિનેત્રી બની ગઈ.’
બીજા ટ્વીટમાં કંગનાએ લખ્યું કે, ‘ આ માટે આનંદ એલ રાય અને લેખક હિમાંશુ શર્માનો આભાર. મેં વિચાર્યું કે હું તેમનું કરિયર બનાવી શકું છું. પરંતુ તેમણે મારું કરિયર બનાવી દીધું. કોઈ ન કહી શકે કે કઈ ફિલ્મ ચાલશે અને કઈ નહીં. પરંતુ બધું નસીબમાં છે, હું ખુશ છુ કે મારા નસીબમાં તમે છો.’
પોતાની તુલના શ્રીદેવી સાથે કર્યા બાદ સોશ્યલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરી છે. કોઈએ ટોન્ટ માર્યો કે શું કોમેડી કરે છે, તો કોઈએ કહ્યું કે તેના કરતા તો કોમેડિયન ભારતી સારી છે. એક યુઝરે લખ્યું કે શું તમે ક્યારેય માધુરી દીક્ષિતનું નામ સાંભળ્યું છે?
ઉલ્લેખનીય છે કે તનુ વેડ્સ મનુના 4 વર્ષ બાદ એટલે કે 2015માં તેની સીક્વલ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ રિલીઝ થઈ હતી. જેમાં કંગનાએ ડબલ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં કંગનાએ તનુ અને હરિયાણવી ખેલાડી દત્તોના પાત્રમાં જોવા મળી હતી. મહત્વનું છે કે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.