Hiccups and Hookups review: હૂકઅપ્સ વચ્ચે જીવનના હિકપ્સનું શું કરવું? લારા દત્તાની વેબસિરીઝ હિકપ્સ એન્ડ હૂકઅપ્સ (Hiccups and Hookups) આ વાતને રજૂ કરે છે. કુણાલ કોહલી દિગ્દર્શિત આ વેબસિરીઝ (Web series) ડ્રામા, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર છે. આ વેબ સિરીઝ એક એવા પરિવારની વાર્તા છે જે નાસ્તાથી લઈને સોશિયલ એન્કાઉન્ટર સુધી બધું જ શેર કરે છે. આ લાયન્સગેટની પ્રથમ ભારતીય વેબ સિરીઝ છે. જે મોડર્ન ડેટિંગના વિષયને વણી લે છે.
આ સિરીઝમાં લારા દત્તા (Lara dutta) અને પ્રતિક બબ્બર (pratik babbar) લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. લારા દત્તા 39 વર્ષીય આધુનિક ભારતીય મહિલાની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. તે તેના પતિથી છુટા થયા બાદ રિલેશનશિપના વિવિધ એન્ગલને સમજી રહી છે. જ્યારે પ્રતિક બબ્બર લારા દત્તા એટલે કે વસુધા રાવના નાના ભાઈ અખિલ રાવની ભૂમિકા ભજવે છે.
વસુધા તેના છેતરપિંડી કરનારા પતિને છોડી દેવાનું નક્કી કર્યા પછી, 20 લાંબા વર્ષો બાદ ડેટિંગની દુનિયામાં ફરીથી પ્રવેશ કરે છે. પરંતુ ત્યાં ઘણું બદલાઈ ગયું છે. જોકે, તેની મદદ તેનો ચાર્મિંગ અને વિશ્વસનીય નાનો ભાઈ અખિલ રાવ કરે છે. બંને વચ્ચેના ગાઢ સંબંધો ખૂબ સારી રીતે વ્યક્ત કરાયા છે. આ સિરીઝ ઘણી રમુજી અને વાસ્તવિક લાગે છે. સિરીઝમાં ડેટિંગ વર્લ્ડની તકલીફો અને સ્ટ્રગલ દર્શવવામાં આવી છે. આ સિરીઝની સ્ટોરી બેંગ્લોરમાં સેટ છે.
પ્રતીકની રમૂજી શૈલી તમને ખૂબ હસાવશે. જ્યારે લારા દત્તાને આધુનિક માતા તરીકે જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. બીજી તરફ લારા દત્તાની 18 વર્ષની પુત્રી કેયની ભૂમિકા શિનોવા ભજવે છે. તે કોલેજની વિદ્યાર્થીની છે અને સેક્સ્યુલીટી જગત ખેડવા ઉત્સુક છે. લારા દત્તા, પ્રતીક બબ્બર અને શિનોવાએ આધુનિક સંબંધોની વાસ્તવિકતાને શાનદાર રીતે જીવંત કરી છે. દિવ્યા શેઠ, મીરા ચોપરા અને નાસિર અબ્દુલ્લા પણ ખૂબ સારી ભૂમિકા ભજવે છે.
ઇન્દિરા બિષ્ટે હિકપ્સ એન્ડ હૂકઅપ્સની સ્ટોરી લખી છે. તેણે વાર્તામાં ઘણા લેવલ ઉમેર્યા છે. તમે જેમ જેમ સિરીઝમાં આગળ વધો છો તેમ તેમ નવા લેવલ ખુલે છે. સ્નેહા ખાનવાકરનું સંગીત સ્ટોરી અને થીમ અનુસાર છે.
ઉલ્લેખનીય છે કે, કુણાલ કોહલીએ હમ તુમ અને ફના જેવી ફિલ્મો બનાવી છે. આ બંને ફિલ્મમાં સંવેદનશીલ લવ સ્ટોરી બતાવે છે. હિકપ્સ એન્ડ હૂકઅપ્સ પણ રોમેન્ટિક ડ્રામા છે, પરંતુ તે આજની વાર્તા છે. વાર્તા અનુસાર લારા દત્તા અને પ્રતિક બબ્બરે ભાઈ-બહેનના રોલને જીવંત રાખ્યો છે. આખી સિરીઝ આ બંનેના ખભા પર ટકેલી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર