નવી દિલ્હી: બોલિવુડમાં અમુક કલાકારો એવા પણ છે, જેમણે બોલિવુડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હોય અને પહેલી ફિલ્મથી જ ઓળખ મળી હોય પણ પછી કરિયરમાં એવી સિદ્ધિ ન મળે જેની સૌને અપેક્ષા હોય. રાહુલ દેવે (Rahul Dev) બોલિવુડમાં ઘણી બધી ફિલ્મો કરી પણ મોટેભાગે તેણે વિલનના રોલ કરીને પોતાની ઓળખ બનાવી છે. આજે રાહુલ દેવ પોતાનો 53મો જન્મદિવસ (Happy Birthday Rahul Dev) મનાવી રહ્યો છે. રાહુલ દેવ મૂળ દિલ્હીનો છે. તે ફિલ્મો ઉપરાંત બિગ બોસ (Bigg Boss)માં પણ ભાગ લઈ ચૂક્યો છે.
રાહુલ દેવે બોલિવુડમાં 2000માં આવેલી ‘ચેમ્પિયન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો. ‘ચેમ્પિયન’માં સની દેઓલ અને મનીષા કોઈરાલા મુખ્ય રોલમાં હતા.
આ ફિલ્મથી રાહુલ દેવને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. ‘ચેમ્પિયન’ બાદ પણ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. રાહુલે બોબી દેઓલની ફિલ્મ ‘23 માર્ચ 1931: શહીદ’માં સુખદેવનો રોલ ભજવ્યો હતો. રાહુલ દેવ હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાનો દમદાર અભિનય દેખાડી ચૂક્યો છે.
રાહુલ દેવ પોતાની રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે. રાહુલ દેવ અને મુગ્ધા ગોડ્સે (Mugdha Godse) લાંબા સમયથી રિલેશનશિપમાં છે. મોડેલ અને એક્ટ્રેસ મુગ્ધા ગોડ્સે ‘ફેશન’ ફિલ્મ માટે જાણીતી છે. રાહુલ અને મુગ્ધા વચ્ચે વયમાં 18 વર્ષનું અંતર છે પણ બંનેની કેમેસ્ટ્રી કમાલની છે. બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે અને હંમેશા પોતાના સંબંધનો સ્વીકાર કરે છે.
બંને 2013માં પહેલી વખત મળ્યા હતા અને એ પછી એકબીજાની નજીક આવ્યા. રાહુલ અને મુગ્ધા એક જ ગુરુને ફોલો કરે છે. એક ઇન્ટરવ્યુમાં મુગ્ધાએ જણાવ્યું હતું કે, રાહુલ એક એવી વ્યક્તિ છે જેના પર હું ભરોસો કરી શકું છું. તો રાહુલ દેવે પણ કહ્યું હતું કે, ગુરુના કારણે તેઓ એકબીજાને સમજી શક્યા અને હું પણ એ સમજી શક્યો કે જિંદગી આપણને બીજો મોકો આપે છે.
તમને જણાવી દઈએ કે રાહુલનો એક દીકરો પણ છે. રાહુલ દેવની પત્ની કેન્સરની બીમારીને લીધે મૃત્યુ પામી હતી. ‘બિગ બોસ 10’માં રાહુલે કહ્યું હતું કે, તે શોમાં ફક્ત પોતાના દીકરાના ભણતરના ખર્ચ માટે આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર