આજે કિશોર કુમારનો જન્મદિવસ (Kishore Kumar Birthday) છે. 4 ઓગસ્ટ 1929ના રોજ મધ્યપ્રદેશના ખંડવામાં જન્મેલા કિશોર કુમાર (Kishore Kumar) મહાન ગાયક સાથે ઉત્તમ અભિનેતા, સંગીત નિર્દેશક, ગીત લેખક, નિર્માતા અને પટકથા લેખક પણ હતા. હિન્દી ગીતો સિવાય કિશોર કુમારે બંગાળી અને તમિલ ભાષાઓમાં પણ ઘણી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીશું.
કિશોર કુમારનું સાચું નામ..
કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર ગાંગુલી (Abhas Kumar Ganguly) હતું. તેઓ પોતાનો પરિચય પોતાનું નામ ઊંધું બોલીને એટલે કે, રશોકી રમાકુ તરીકે આપતા હતા. તેમના પિતાનું નામ કુંજલાલ ગાંગુલી હતું. તેઓ વ્યવસાયે વકીલ હતા. કિશોર કુમાર ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.
મોટાભાઈ અશોક કુમારની જીદના કારણે અભિનયમાં ઝંપલાવ્યું
કિશોર કુમાર કોઈ કારણસર પોતાના ગામથી ભાગી મોટા ભાઈ અશોક કુમાર પાસે મુંબઈ આવી ગયા હતા. ત્યાં અશોક કુમારે તેમને અભિનય કરવાની સલાહ આપી હતી. પરંતુ કિશોર કુમારને અભિનયમાં રસ નહોતો. મોટાભાઈની જીદના કારણે તેમણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું અને 1946માં પોતાની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે સમયે બોલિવૂડ દ્વારા તેમને કિશોર કુમાર નામ અપાયું હતું.
ડાયલોગ ભૂલી જતા હતા કિશોર કુમાર
અભિનયમાં મન ન લાગતું હોવાથી કિશોર કુમાર શૂટિંગ દરમિયાન ડાયલોગ ભુલી જતા હતા. જેના કારણે અશોક કુમાર તેમને ઠપકો આપતા હતા. જેમ તેમ કરી તેમણે શૂટિંગ પૂરું તો કર્યું પણ તેમનું મન તો ગાયક બનવા માટે ઉત્સુક હતું. જેથી 1948માં ખેમચંદ્ર પ્રકાશ દ્વારા જીદ ફિલ્મ માટે કિશોર કુમારને ગીત 'મરને કી દુઆએ કયું માંગુ, જીને કી તમન્ના કૌન કરે ' ગાવાની પ્રથમ તક આપવામાં આવી હતી.
ચલતી કા નામ ગાડી ફિલ્મમાં કિશોર કુમારનું ફેમસ 'પાંચ રુપૈયા બારહ આના' ગીત ખૂબ ખ્યાતનામ થયું હતું. આ ગીત સાથે એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. કિશોર કુમારે કોલેજકાળ દરમિયાન કોલેજની કેન્ટીનમાં પૈસા ઉધાર રાખ્યા હતા. આ રકમ 5 રૂપિયા 12 આના જેટલી હતી. જ્યારે કેન્ટીન સંચાલક પૈસા માંગતો ત્યારે કિશોર કુમાર બેફિકર થઈ કહી દેતા પાંચ રુપૈયા બારા આના, મારેગા ભૈયા.. ના.. ના.. આવી જ મજાક મજાકમાં આ ગીત બની ગયું હતું.
સફળતાના સીમાડા વટાવ્યા
ફિલ્મોમાં ગીત ગાવાની તક મળ્યા બાદ તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. એસડી બર્મનના સાથ બાદ તો તેઓ દરરોજ સફળતાના નવા શિખરો સર કરતા હતા.
કિશોર કુમારે સંગીત માટે વિધિવત શિક્ષા લીધી નહોતી. છતાં પણ તેમના ગીતો આજે આખા દેશમાં ગુંજે છે. તેમના લાખો ચાહકો છે. કિશોર દા તરીકે પણ ઓળખાતા કિશોર કુમાર હિન્દી સીને જગતના મહાન કલાકાર રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર