Home /News /entertainment /TMKOC: અંતિમ ક્ષણોમાં પોતાનું નામ પણ ભૂલી ગયા હતા 'નટુકાકા', દીકરાએ જણાવી તેમની આખરી ઈચ્છા
TMKOC: અંતિમ ક્ષણોમાં પોતાનું નામ પણ ભૂલી ગયા હતા 'નટુકાકા', દીકરાએ જણાવી તેમની આખરી ઈચ્છા
‘નટ્ટુ કાકા’ (Nattu Kaka)નું પાત્ર એવું હતું જેને ક્યારેય ભૂલી નહીં શકાય.
ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) દ્વારા ભજવવામાં આવેલું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)નું ‘નટુકાકા’ (Nattu Kaka)નું પાત્ર એવું હતું જેને ક્યારેય ભૂલી નહીં શકાય. ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે (Vikas) તેમના જીવનની અંતિમ ક્ષણો વિશે વાત કરી.
મુંબઈ. ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) દ્વારા ભજવવામાં આવેલું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)નું ‘નટુકાકા’ (Nattu Kaka)નું પાત્ર એવું હતું જેને ક્યારેય ભૂલી નહીં શકાય. એક વર્ષ સુધી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ આ દિગ્ગજ અભિનેતાએ 3 ઓક્ટોબરે અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે (Vikas) તેમના જીવનની અંતિમ ક્ષણો વિશે વાત કરી. વિકાસે જણાવ્યું કે તેઓ અંતિમ ક્ષણોમાં પોતાનું નામ પણ ભૂલી ગયા હતા.
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં વિકાસ નાયકે જણાવ્યું કે, ‘એક વર્ષ પહેલાં મારા પિતાજીની કેન્સર સર્જરી થઈ હતી. ત્યારબાદ કીમોથેરેપી થઈ. તેમનું કેન્સર એટલું રેર હતું કે ઈલાજ બિનઅસરકારક લાગતો હતો. તેમના 9 કીમોથેરેપી સેશન હતા, ગયા વર્ષે 5 અને 4 આ વર્ષે. આ સપ્ટેમ્બર 2020 આસપાસનો સમય હતો અને બધું નિયંત્રણમાં છે એવું લાગતું હતું. પરંતુ માર્ચ 2021માં પપ્પાના ચહેરા પર સોજો આવી ગયો. અમને લાગ્યું કે એ રેડિયેશનનું પરિણામ છે, પણ ટેસ્ટથી ખ્યાલ આવ્યો કે કેન્સર તેમના ફેફસામાં ફેલાઈ ગયો છે.’
તેમણે આગળ કહ્યું કે, ‘એપ્રિલ 2021માં અમે કીમોથેરેપી ફરી શરુ કરી. જૂન સુધી એ ચાલ્યું પણ કોઈ સુધારો જણાતો ન હતો. સોજો પણ ઓછો ન થયો. પરંતુ પપ્પાએ ભાર દઈને કહ્યું કે તેઓ હજુ પણ કામ પર જવા માગે છે અને એટલે જ તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે થોડું શૂટિંગ કર્યું અને એક જાહેરાત પણ કરી. અમે ફરી એકવાર ટેસ્ટ કરાવ્યો અને જાણ્યું કે હવે કેન્સર ફક્ત ફેફસામાં નહીં પણ શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. અમે કીમોથેરેપી બંધ કરી નાખી અને હોમ્યોપેથી અને આયુર્વેદનો પ્રયત્ન કર્યો, પણ હાલત બગડવા લાગી.’
વિકાસે કહ્યું કે, ‘છેલ્લા કેટલાંક દિવસોથી પપ્પાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને અમે ઘરે ઓક્સિજન અને નર્સની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન રહ્યું, અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. તેમને આઈસીયુમાં ભરતી થવું પડ્યું, પછી એક રૂમમાં લઈ જવામાં આવ્યા કેમકે સ્થિતિ થોડી સારી લાગતી હતી, પણ તબિયત બગડતાં તેમને ફરી આઈસીયુમાં મોકલવામાં આવ્યા.
નિધનના 15 દિવસ પહેલાંથી જ તેમનું શુગર લેવલ વધી ગયું હતું અને કોઈને ઓળખી શકતા ન હતા, પણ શુગર લેવલ નીચે ગયા બાદ તેઓ ઓળખવા લાગ્યા. જોકે, 2 ઓક્ટોબરે મને પપ્પાએ પૂછ્યું કે હું કોણ છું? તેઓ પોતાનું નામ ભૂલી ગયા હતા. જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમે પોફેશનલ મેકઅપ આર્ટિસ્ટને મેકઅપ કરવા માટે બોલાવ્યો હતો, કેમકે તેઓ મેકઅપ સાથે મરવા ઇચ્છતા હતા. જ્યારે તેમની નાડી બંધ થઈ ત્યારે તેમના ચહેરા પર અપાર શાંતિ હતી.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર