Home /News /entertainment /મને લાગે છે કે ‘ધુઆંધાર’ ફિલ્મમાં મારી માતાના આશીર્વાદ ફળ્યા છે: હિતેન કુમાર
મને લાગે છે કે ‘ધુઆંધાર’ ફિલ્મમાં મારી માતાના આશીર્વાદ ફળ્યા છે: હિતેન કુમાર
હિતેન કુમાર
ગુજરાતી અભિનેતા હિતેન કુમારના માતાનું તાજેતરમાં જ અવસાન થયું છે. એક બાજુ ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું અને બીજી બાજુ તેમને આ સમાચાર મળ્યા. તેમણે કહ્યું કે...
ગુજરાતી અભિનેતા (Gujarati actor) હિતેન કુમાર (Hiten Kumar)ના માતાનું તાજેતરમાં જ અવસાન થયું છે. એક બાજુ ફિલ્મનું (Hiten Kumar Film) પ્રમોશન ચાલતું હતું અને બીજી બાજુ તેમને આ સમાચાર મળ્યા. તેમણે કહ્યું કે, ‘છેલ્લા 15 દિવસમાં જે અસમંજસ અનુભવી છે એ જિંદગીમાં ક્યારેય નથી અનુભવી’.
આજે ગુજરાતી સિનેમામાં પ્રયોગાત્મક દોર ચાલી રહ્યો છે. જુદા-જુદા વિષયો, વિવિધ જોનર એક્સપ્લોર થઈ રહ્યા છે. થિએટરો ખુલ્યા બાદ તાજેતરમાં આવી જ એક નવો વિષય ધરાવતી અને રસપ્રદ ફિલ્મ રજૂ થઈ છે જેનું નામ છે ‘ધુંઆધાર’. ગુજરાતી સિનેમામાં બહુ જૂજ બનતી મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મોની યાદીમાં ‘ધુંઆધાર’નું નામ ઉમેરાયું છે. આ ફિલ્મ એકાધિક રીતે ખાસ છે. ગુજરાતી ફિલ્મોના બે સુપરસ્ટાર હિતેન કુમાર અને મલ્હાર ઠાકર પહેલી વખત સાથે જોવા મળ્યા છે. ‘દેશ રે જોયા દાદા પ્રદેશ જોયા’નો ‘રામ’ એટલે કે લોકપ્રિય કલાકાર હિતેન કુમાર ‘ધુંઆધાર’માં અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. હિતેન કુમારે આ ફિલ્મ વિશે, તેમના રોલ વિશે અને ઇન્ડસ્ટ્રી વિશે News18 સાથે ખાસ વાતચીત કરી.
‘ધુંઆધાર’ ફિલ્મ અને તમારા રોલ વિશે જણાવો.
મેં મારા કરિયરમાં ડ્રામા, કોમેડી, એક્શન વગેરે જોનરની ફિલ્મો કરી છે. 100થી વધુ ફિલ્મો કર્યા પછી હું કંઈક રસપ્રદ અને મેચ્યોર કન્ટેન્ટની રાહમાં હતો. એવા રોલ કરવા હતા જે આજની જનરેશન સાથે કનેક્ટ થાય. એક હિરોને હંમેશા યુવાન દેખાવાનું હોય - એ સ્ટીરીયોટાઇપ હું તોડવા માગતો હતો એટલે મેં પાંચ વર્ષનો બ્રેક લીધો અને એ દરમ્યાન થિએટર, ટીવી સિરિયલ કરી. મારું રાહ જોવું ફળ્યું અને ‘ધુંઆધાર’માં મારો પોલિસ ઇન્સ્પેકટરનો રોલ સાંભળીને મને થયું કે આ રોલ મારા એજ ગ્રુપને લાયક છે. આ પોલિસ પ્રેક્ટિકલ છે, ગ્રે શેડ ધરાવે છે. તેને એક પાસામાં ન બાંધી શકાય. પાછું સાઈકોલોજિકલ ડ્રામા ફિલ્મ આપણે ત્યાં પહેલી વખત બની રહી છે. એટલે આ પ્રયોગ સરસ રહ્યો. આ ફિલ્મથી ફક્ત અર્બન ગુજરાતી માટે નથી, પણ દરેક માટે છે.
દર્શકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે?
અદભુત રિસ્પોન્સ મળી રહ્યો છે. મારા માટે આ સરપ્રાઈઝિંગ એટલા માટે હતું કેમ કે મને હતું કે દર્શકોને આ પ્રકારનો વિષય સમજાશે?! પણ 18 વર્ષથી 65 વર્ષની વ્યક્તિએ પણ મને આ ફિલ્મ બદલ શુભેચ્છા આપી છે. હું મારા દર્શકોને મારા પાત્ર થકી નવું આશ્ચર્ય આપી શકું તેવા પ્રયત્નો રહેશે. આ ઉપરાંત, ઓટીટીને લીધે દર્શકો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરનું કન્ટેન્ટ જોઈ રહ્યા છે એટલે તેમની સાઈકોલોજીમાં તફાવત આવ્યો છે. આટલા અઘરા વિષયને સમજવાની તેમની શક્તિ વધી છે.
સદગત આશિષ કક્કડ પણ આ ફિલ્મમાં હતા
આશિષ કક્કડને યાદ કરતા હિતેન કુમારે જણાવ્યું કે, ‘છેલ્લા બે વર્ષોમાં પડદા પરના અને પડદા પાછળના ઘણાં વ્યક્તિ આપણે ગૂમાવી ચૂક્યા. આપણાં નસીબ કહી શકાય કે આશિષ કક્કડની યાદોને પડદા પર સાચવીને રાખી શક્યા છીએ. એક્ટર તરીકે તેઓ આ ફિલ્મમાં સદેહે છે. આશિષ કક્કડ એક ઉમદા વ્યક્તિ હતા. મહાન અવાજના ધણી હતા. વિશાળ કેનવાસ ધરાવતા ડિરેક્ટર હતા. ઇટ ઇઝ પેઈનફુલ કે તેઓ આપણી વચ્ચે નથી.’
એક તરફ ફિલ્મની સફળતા અને બીજી તરફ તમારા મધરનું અવસાન થયું. કઈ રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી?
મેં છેલ્લા 15 દિવસમાં જે અસમંજસ અનુભવી છે એ જિંદગીમાં ક્યારેય નથી અનુભવી. એક તરફ ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું અને બીજી તરફ મારા મમ્મીનું અવસાન થયું. મને ફિલ્મ માટે અભિનંદન આપતાં ઘણાં ફોન કોલ્સ અને મેસેજીઝ આવતા હતા. મને ખ્યાલ ન હતો આવતો કે હું રિએક્ટ કઈ રીતે કરું. એક તરફ ખાલીપો છે અને બીજી તરફ લોકોનો ઉત્સાહ પણ છે જેને તમે નકારી ન શકો. હું એવું વિચારું છું કે આ ફિલ્મમાં મારી માતાના આશીર્વાદ ફળ્યા છે.
મલ્હાર ઠાકર અને અન્ય કલાકારો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ફેન્ટાસ્ટિક. યંગસ્ટર્સની એનર્જી, તેમનું ટેક્નોલોજી અંગેનું નોલેજ જૂદું છે, એમનું વાંચન પણ છે. પહેલાં કરતાં હાલમાં કમ્યુનિકેશન કરવું સરળ બન્યું છે. હવે યુવાનો કોઈને કોઈ ઇન્સ્ટિટયૂટમાંથી ટ્રેનિંગ મેળવીને આવ્યા છે. ફિલ્મના દરેક ડીપાર્ટમેન્ટની દરેક વ્યક્તિ હવે તૈયાર છે એટલે મારા માટે કામ કરવાનું બહુ સરળ રહ્યું. મેં તેમને કહ્યું કે હું તમારી પાસેથી શીખી રહ્યો છું.
પહેલાંની અને હાલની ઇન્ડસ્ટ્રી વચ્ચે તમને શું તફાવત લાગે છે?
મેં જ્યારે કામ કર્યું ત્યારે ઇન્ડસ્ટ્રીમાં આટલા એજ્યુકેટેડ લોકો ન હતા. હું એકમાત્ર ડબલ ગ્રેજ્યુએટ હતો જે મુંબઈમાં ભણીને ગુજરાત પોતાના સપનાં માટે આવ્યો હતો. બાકી ફિલ્મો પ્રત્યેનું જનૂન તો એ જ છે. શ્રેષ્ઠ ફિલ્મો તો પહેલાં પણ બની છે, પણ એની ખાસ નોંધ ન હતી લેવાઈ. તો આજની જનરેશનને મેટ્રો ઉપરાંત પણ એક્ચ્યુલ ગુજરાતને જાણવાની જરૂર છે. નાના શહેરોની વાર્તા હશે તો આપણે વધારે દર્શકોથી કનેક્ટ થઈ શકીશું અને હવે એ ધીમે-ધીમે થઈ પણ રહ્યું છે.
‘પંખીડાંને આ પીંજરું’વાળો સીન લોકોને ગમ્યો છે. એ સીન વિશે કહો
ફિલ્મના મેકર્સ મારી જ કોઈ પોપ્યુલર ફિલ્મનું ગીત રાખવા માગતા હતા અને મેં એની ના પાડી કે હું જુદા કેરેક્ટર, જુદી ઈમેજને લઈને આવ્યો છું અને એમાં મારું જૂનું ગીત હશે તો લોકોને કન્ફ્યુઝન થશે અને મારે જૂના હિતેનને દેખાડવો ન હતો. એ પછી મેં એમને અન્ય એક મારું ગમતું ‘પંખીડાંને આ પીંજરું’ ગીત સૂચવ્યું કે આ પરિસ્થિતિના હિસાબે યોગ્ય છે. લોકોને આ સીન ગમ્યો છે. મારી આગામી ફિલ્મ ‘રાડો’માં પણ હું અલગ પાત્રમાં જોવા મળવાનો છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર