શ્રીદેવીના મૃતદેહને ભારત લાવવા માટે દુબઇ પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું છે. હવે તેના મૃતદેહને ભારત લાવી શકાશે. આ પહેલા બોની કપૂરનો પુત્ર અર્જુન કપૂર દુબઇ પહોંચી ગયો હતો. તો એક અહેવાલ પ્રમાણે શ્રીદેવીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે.
શ્રીદેવીનો મેડિકલ રિપોર્ટ મંગાયો
પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રીદેવીના પરિવાર પાસેથી તેનો મેડિકલ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો તેની સર્જરી અને દવાઓ અંગે પણ વિગત માંગવામાં આવી હતી. બીજી તરફ શ્રીદેવીના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા. જેમાં શ્રીદેવીના માથા પર ઊંડો ઘા જોવા મળ્યો છે. એક સ્પેશ્યલ પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટને ઝીણવટપૂર્વક તપાસી રહી હતી.
શ્રીદેવીની બહેનનો પાસપોર્ટ જપ્ત કરાયો
દુબઈ પોલીસનું કહેવું છે કે શ્રીદેવીનો મૃતદેહ ત્યારે જ સોંપવામાં આવશે જ્યારે આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ પૂરી કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોની કપૂરની 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેના કારણે તેઓ ખૂબ જ સ્ટ્રેસમાં છે.
ન્યૂઝ 18ના જણાવ્યા પ્રમાણે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શ્રીદેવીની બહેન શ્રીલતાનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. હોટલને સીસીટીવી પણ ઝપ્ત કરી લેવામાં આવ્યા છે. સાથે જ હોટલના રૂમ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બોની કપૂરની સાથે શ્રીલતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે.
દુબઇ પોલીસ તપાસની સીમા વધારી
દુબઈ પોલીસ શ્રીદેવીના મોતની તપાસની સીમા વધારી દીધી છે. હવે તેમાં મેડિકલ પેનલને સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. જે એ વાતનો નિર્ણય કરશે કે શું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની જરૂર છે કે નહીં? પબ્લિક પ્રોસિક્યૂટરને પ્રથમ પોસ્ટમોર્ટમ પર આશંકા છે, તે તેનાથી સંતુષ્ઠ નથી. જો બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તો પ્રોસેસમાં ડોક્ટર્સની સાથે સીનિયર વકીલ પણ સામેલ થશે.
પતિની પૂછપરછ નહીં ફક્ત નિવેદન લેવાયું
તાજા સમાચાર પ્રમાણે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇના અલ મુહૈસના કન્ડેન્સેશન સેન્ટર મોકલવામાં આવશે. જ્યાં તેના શરીર પર કેમિકલ લેપ લગાવવામાં આવશે. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે તેના પાર્થિવ દેહને મુંબઈ ક્યારે મોકલવામાં આવશે. ખલીઝ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે તેના પતિ બોની કપૂરની આ કેસમાં કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. પોલીસે ફક્ત તેમનું નિવેદન નોંધ્યું છે.
ખલીઝ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીના પતિ બોની કપૂરને દુબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા ન હતા. ખલીઝ ટાઈમ્સે દુબઇ પોલીસના સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે, પોલીસ તપાસની ઔપચારિકતા માટે રવિવારે સવારે પોતાનું નિવેદન નોંધાવવા માટે બોની કપૂરને બોલાવવામાં આવ્યા હતા. શ્રીદેવીના મોત બાદ ઝુમેરાહ અમીરાત ટાવર હોટલ ખાતે પોલીસ અધિકારીઓ અને બોની કપૂર વચ્ચે વાતચીત થઈ હતી.
દુબઇ પોલીસની મંજૂરી બાદ સોંપાશે મૃતદેહઃ ભારતીય રાજદૂત
આ અંગે યુએઈ ખાતે ભારતના રાજદૂત નવદીપ સૂરીનું કહેવું છે કે દુબઇ પોલીસની મંજૂરી મળ્યા બાદ જ મૃતદેહને સોંપવામાં આવશે. જોકે, તેમણે એવું જણાવ્યું ન હતું કે હવે કયા પ્રકારની મંજૂરીની જરૂર છે. સૂરીએ કહ્યું કે આ તેમની આંતરિક પ્રક્રિયા છે. આ અંગે તેમને વધારે માહિતી નથી.
રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે શ્રીદેવીના પાર્થિવ દેહને વહેલામાં વહેલી તકે ભારત મોકલી દેવામાં આવશે. આ માટે તેઓ સતત સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. તેઓ બોલિવૂડ અભિનેત્રીના પરિવારનું દુઃખ સમજી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર