નવી દિલ્હી: ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા (Neeraj Chopra) ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ પ્લસ 6’ (Dance+ 6)ના આગામી એપિસોડમાં સ્પેશ્યલ ગેસ્ટ તરીકે મંચની શોભા વધારશે. તે સ્ટેજ પર ‘ઇશ્ક તેરા તડપાવે’ ગીત પર ડાન્સ કરતો પણ જોવા મળશે. રસપ્રદ વાત છે કે નીરજ ચોપરાએ કેપ્ટન શક્તિ મોહન (Shakti Mohan)ને પ્રપોઝ પણ કર્યું હતું, જેના પર હોસ્ટ રાઘવ જુયાલે મજેદાર પ્રતિક્રિયા આપી છે. તે સેટ પર દિલ તૂટવાનું નાટક કરતો જોવા મળ્યો.
રાઘવ છેલ્લા કેટલાંક સમયથી શક્તિને પોતાના દિલની વાત કહેવાની કોશિશ કરી રહ્યો છે. આવું Dance+ પર ઘણાં સમયથી ચાલી રહ્યું છે. વિડીયોમાં એક જગ્યાએ રાઘવ શક્તિને કહે છે, ‘હું પણ તારી સાથે ઇશ્ક કમીના કરવા માગું છું.’ પછી બંને સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. જજની સાથે શોના કન્ટેસ્ટન્ટ પણ તેમને ચીઅર અપ કરે છે.
શક્તિ નીરજને મંચ પર આવવાની વિનંતી કરે છે જેથી રાઘવને બતાવી શકે કે પ્રપોઝ કઈ રીતે કરવામાં આવે છે. નીરજ શક્તિને કહે છે, ‘મારા જીવનમાં તું સૌથી જરૂરી ભાલો છે. મને ન આટલું સારું જમવાનું બનાવતા આવડે છે, ના હું સમય આપી શકું છું.’ રાઘવ દિલ તૂટવાનું નાટક કરીને નીરજને કહે છે, ‘ભાઈ તમે ખોટી જગ્યાએ જેવલિન ફેંક્યો છે.’
વિડીયોના બીજા ભાગમાં નીરજ Dance+ 6ના કન્ટેસ્ટન્ટ અને રાઘવ સાથે ‘ઇશ્ક તેરા તડપાવે’ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. સુપર-જજ રેમો ડિસુઝા એક ખાસ પરફોર્મન્સ નીરજને ડેડીકેટ કરતા કહે છે કે, ‘એક ગોલ્ડ છે જેનાથી જેવર (ઝવેરાત) બને છે, પણ આ ગોલ્ડથી ઇન્ડિયાનું તેવર બને છે.’
વિડીયોમાં લોકોને નીરજનો પ્રપોઝ કરવાનો અંદાજ અનોખો લાગી રહ્યો છે. નેટીઝનોમાં આ વિડીયો બહુ પોપ્યુલર થઈ ગયો છે. નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીત્યા બાદ અલગ-અલગ કાર્યક્રમો અને શોમાં જોવા મળી રહ્યો છે. તે આ પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જોવા મળ્યો હતો. તે એડવર્ટાઈઝ પણ કરવા લાગ્યો છે જ્યાં તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.