બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક જાણીતી હસ્તીઓના મોતની ખબરો આવી રહી છે. બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર જેમણે અનેક સુપરહિટ ફિલ્મોને ડાયરેક્ટ કરી છે તેવા બાસુ ચેટર્જી (Basu Chatterjee Passes Away) નિધન થયું છે. IFTDAના પ્રમુખ અશોક પંડિત (Ashoke Pandit) તેમના નિધનની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને જણાવ્યું હતું કે તેમના જવાથી ફિલ્મ જગતને મોટું નુક્શાન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગુરુવારે સવારે લગભગ 8 વાગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયું. તે લાંબા સમયથી ઉંમર વધવાથી થતી બિમારીઓ સામે લડી રહ્યા હતા. તેમને ડાયાબિટીજ અને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હતી. તેમની ઉંમર 90 વર્ષની હતી. અને ઇન્ડસ્ટ્રીમાં તેમને બાસુ દા નામથી ઓળખવામાં આવતા હતા. તેમની અચાનક મૃત્યુથી ફિલ્મ જગત પણ શોકમય બન્યું છે. અને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
IFTDAના પ્રમુખ અશોક પંડિત ટ્વિટર પર પોસ્ટ લખી તેમના નિધનની જાણકારી આપતા કહ્યું કે - હું તમને જણાવતા ખુબ જ દુખ અનુભવું છું કે ફિલ્મ જગતના દિગ્ગજ ફિલ્મ મેકર બાસુ ચેટર્જી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમની અંતિમ યાત્રા 3 વાગે સાંતાક્રૂઝ કબ્રસ્તાન પર છે. તેમના જવાથી ફિલ્મ જગતને મોટું નુક્શાન થયું છે. અમે તમને હંમેશા યાદ રાખીશું સર.#RIPBasuChaterjee
તમને જણાવી દઇએ કે તેમણે બોલિવૂડને અનેક રોમાન્ટિક કોમેડિ ફિલ્મો આપી છે. બાસુ ચેટર્જીએ છોટી સી બાત, રજનીગંધા, બાતો બાતો મેં, એક રુકા હુઆ ફેસલા અને ચમેલી કી શાદી જેવી અદ્ધભૂત ફિલ્મોનું નિર્દેશન કરીને બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. ખરેખરમાં તેમના નિધનની ખબરથી ફિલ્મ જગતને મોટો ઝટકો લાગ્યો છે. અને તેમના પરિવાર શોકગ્રસ્ત થયો છે.