Keshto Mukherjee Birth Anniversary: બોલિવૂડમાં એકથી એક જોરદાર હાસ્ય કલાકાર થઈ ગયા છે. જોની વોકર, મેહમુદ, રાજેન્દ્રનાથ, ટુનટુન, અસરાની, જગદીપ જેવા દિગ્ગજ કલાકારોમાં મોહન ચોટી, મુકરી જેવા હાસ્ય કલાકારો પણ હતા. જેમનું કામ કદાચ ઓછું જાણીતું હશે પણ તેમનું નામ ખૂબ જાણીતું હતું. કેશ્ટો મુખર્જી (Keshto Mukherjee) આવા જ એક કલાકાર હતા. કેશ્ટો તેમના ખાસ પ્રકારના દારૂડિયાનો રોલ કરવા જાણીતા હતા. ફિલ્મોમાં દારૂડિયાની ભૂમિકા ભજવનાર કેશ્તોએ વાસ્તવિક જીવનમાં દારૂને સ્પર્શ પણ કર્યો ન હતો.
ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવતા પાત્રો પણ ફિલ્મોને હિટ બનાવી શકે છે, તેવું કેશ્ટો મુખર્જી (Keshto Mukherjee) એ સાબિત કરી બતાવ્યું હતું. તે સમયે કેશ્ટો મુખર્જીનું નામ ફિલ્મોમાં આવતા જ લોકો તેમણે આ ફિલ્મમાં દારૂડિયાનું પાત્ર ભજવ્યું હશે તેવું અનુમાન લગાવતા હતા. પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હતા કે, તેમણે ક્યારેય દારૂ પીધો નથી.
કેશ્ટો મુખર્જીનો જન્મ 1925ની 7મી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે થયો હતો. શરૂઆતમાં તેઓ શેરી નાટકો અને રંગમંચમાં કામ કરતા હતા. ત્યારબાદ ફિલ્મો તરફ આકર્ષણ વધતા તેઓ મુંબઇ પહોંચ્યા હતા. તે સમયે કેશ્ટો દર બીજી ફિલ્મમાં જોવા મળતા હતા. તેઓ પડદા પર આવતા જ દર્શકો હસી પડતા હતા.
હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કર્યું કામ
કેશ્ટોને તે સમયના ખ્યાતનામ ડાયરેક્ટર ઋત્વિક ઘટકે પ્રથમ તક આપી હતી. તેમની પ્રથમ બંગાળી ફિલ્મ નાગરિક હતી. જેમાં તેમની ભૂમિકા ખૂબ સારી હતી. ત્યારબાદ ઋષિકેશ મુખર્જીએ તેમને તક આપી હતી. તેઓ હિન્દી અને બંગાળી ફિલ્મોનો ભાગ હતા.
મુંબઈમાં કેશ્ટો કામ શોધતા હતા ત્યારે તેમની મુલાકાત મહાન નિર્દેશક બિમલ રોય સાથે થઈ હતી. બિમલ રોયે પરિણીતા, બિરાજ બહુ, મધુમતી, સુજાતા, પારખ, બંદિની જેવી ઘણી ફિલ્મો બનાવી હતી. પ્રથમ મુલાકાત સમયે બિમલ રોયે તેમને ઉપરથી નીચે સુધી જોઈ પૂછ્યું કે, શું છે? ત્યારે કેશ્ટો કહ્યું કે, સાહેબ મારા લાયક કોઈ કામ હોય તો મને કહો.
કૂતરાનો અવાજ કાઢી આપ્યું હતું ઓડિશન
કેશ્ટો મુખર્જીની વાત સંભાળી બિમલ રોયે કહ્યું કે, અત્યારે તો કઈ નથી. પછી ક્યારેક આવજે. પણ કામની શોધમાં રહેલા કેશ્ટો ત્યાંથી હલ્યા વગર બિમલ રોય તરફ મીટ માંડી જોઈ રહ્યા હતા. જેથી તેમને જોઈ બિમલ રોયને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું કે, અત્યારે કૂતરાની જરૂર છે. શું તું ભસી શકીશ? કેશ્ટો કામ માટે કાંઈ પણ કરવા તૈયાર હતા. જેથી તેમણે તરત હા પાડી કંઈ પણ કરવાની તૈયારી બતાવી હતી અને થોડી વારમાં જ કૂતરાનો અવાજ કાઢી બતાવ્યો હતો. ત્યારબાદ બિમલ રોયે તેમને ફિલ્મમાં કામ આપ્યુ હતું. 90થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
કેશ્તોએ 30 વર્ષથી લાંબી કારકિર્દીમાં 90થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ રસપ્રદ વાત એ હતી કે, તેમણે માત્ર દારૂડિયાની ભૂમિકા જ ભજવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર