ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈ ખાતે નિધન, કેન્સરથી પીડિત હતો

ફાઇલ તસવીર

મુંબઈની કોકીલાબેન અંબાણી હૉસ્પિટલમાં ઇરફાન ખાનની સારવાર ચાલી રહી હતી, માતાના નિધન બાદ ઇરફાન બીમાર હતો.

 • Share this:
  મુંબઈ :  બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન (Bollywood Actor Irfan Khan)નું 54 વર્ષની વયે નિધન થયું છે. ઇરફાન ખાનની મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ (kokilaben dhirubhai ambani hospital) ખાતે સારવાર ચાલી રહી હતી. 2018માં ઇરફાન ખાનને હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર હોવાનું માલુમ પડ્યું હતું. ઇરફાન ખાનના નિધન મામલે હજુ સુધી કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

  ઇરફાન ખાનના મોતના સમાચાર અંગે સૌપ્રથમ ફિલ્મ નિર્માતા સૂજિત સરકારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, "મારા પ્રિય મિત્ર ઇરફાન. તું ખૂબ લડ્યો. મને હંમેશા તારા પર ગર્વ છે...આપણે ફરીથી મળીશું...સુતાપા અને બબિલ તમને દિલાશો...તમે બંને પણ ખૂબ લડ્યાં. સુતાપા આ લડાઈમાં તારાથી જે પણ થઈ શક્યું તે કર્યું. ઓમ શાંતિ. ઇરફાન ખાન સલામ."  નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ઇરફાન ખાનની માતાનું નિધન થયું હતું. લૉકડાઉન (Lockdown)ને પગલે ઇરફાન માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાન ખાનની માતા સઈદા બેગમ ઘણા લાંબા સમયથી બીમારી હતા. પરિવારના લોકોએ અંતિમ વિદાય આપીને જયપુરમાં તેમને સુપર્દ-એ-ખાક કર્યા હતા. જોકે, આનાથી દુઃખદ વાત એ હતી કે લૉકડાઉનને પગલે ઇરફાન ખાન પોતાની માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાને વીડિયો કૉન્ફરન્સિંગથી માતાના અંતિમ દર્શન કર્યા હતા. માતાના નિધન બાદથી ઇરફાનની તબિયત ખરાબ છે.

  નોંધનીય છે કે કેન્સર પછી ઇરફાન ખાન રૂટિન તપાસ માટે પણ કોકિલાબેન હૉસ્પિટલમાં જતો હતો. ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર બીમારીથી પીડિત હતો. વર્ષ 2017માં જૂન મહિનામાં તેને પોતાની બીમારીની ખબર પડી હતી. જે બાદમાં કામને વચ્ચે છોડીને જ ઇરફાન સારવાર માટે વિદેશ ગયો હતો. ઇરફાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. વિદેશમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન સમયાંતરે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયાના મારફતે માહિતી શેર કરતો રહેતો હતો.

  પોતાની બીમારી પછી ઇરફાન ખાન 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મમાં નજરે આવ્યો હતો. આ ફિલ્મ 13મી માર્ચના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાયરસને પગલે આ ફિલ્મ અમુક રાજ્યમાં રિલીઝ થઈ ન હતી. આ કારણે ફિલ્મની કમાણી પર ખૂબ માઠી અસર પડી હતી. ઇરફાનની આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: