Asha Parekh B'day Spl: આમિર ખાનના કાકાને કારણે જીવનભર કુંવારા રહ્યા આશા પારેખ, વાંચો રસપ્રદ કિસ્સા
Asha Parekh B'day Spl: આમિર ખાનના કાકાને કારણે જીવનભર કુંવારા રહ્યા આશા પારેખ, વાંચો રસપ્રદ કિસ્સા
આશા પારેખ
Happy Birthday Asha Parekh: આશા પારેખ (Asha Parekh)ને 2002ની સાલમાં ફિલ્મફેરનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા આશા પારેખ એ અભિનેત્રીઓમાંથી એક છે, જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની નવી પરિભાષા બનાવી છે.
60-70ના દાયકાના હિન્દી સિનેમાના જાણીતાં અભિનેત્રી આશા પારેખ (Asha Parekh)નો જન્મ 2 ઓક્ટોબર 1942ના મુંબઈમાં થયો હતો. આશાએ કેટલીય સુપરહિટ ફિલ્મો બોલિવુડને આપી છે. પોતાના જમાનાની ટોચની એક્ટ્રેસ આશાએ બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેમને 1971માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. દરેકને પોતાના દીવાના બનાવનારા આશા પારેખ પણ કોઈના એટલા દીવાના બન્યા કે તેમણે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આજે આશા પારેખના જન્મદિવસે એમના જીવનથી જોડાયેલા રસપ્રદ કિસ્સા તમને જણાવીએ.
આશા પારેખે ફિલ્મ ‘માં’થી બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. એક્ટ્રેસ તરીકે તેમની પહેલી ફિલ્મ હતી ‘દિલ દે કે દેખો’, જે જબરદસ્ત હિટ સાબિત થઈ અને આશાના નામનો ડંકો વાગવા લાગ્યો. ત્યારબાદ તેમણે ‘કટી પતંગ’, ‘આન મિલો સજના’, ‘ઘરાના’, ‘ભરોસા’, ‘મેરે સનમ’, ‘તીસરી મંઝિલ’, ‘દો બદન’, ‘ઉપકાર’ જેવી સફળ ફિલ્મો આપી. લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીનો ભાગ બનેલા આશા પારેખે લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું. નૃત્યમાં પારંગત આશાએ દેશ-વિદેશમાં પર્ફોમન્સ આપી છે. લેજન્ડ એક્ટ્રેસ ભારતીય સેન્સર બોર્ડના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
મીડિયાની રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમેકર વિજય ભટ્ટે એક વખત આશા પારેખને એવું કહીને પોતાની ફિલ્મમાં લેવાની ના પાડી હતી કે તેમનામાં એક્ટ્રેસવાળી કોઈ વાત નથી. પરંતુ ડિરેક્ટર નાસિર હુસૈન જ્યારે પહેલી વખત આશાને મળ્યા ત્યારે તેઓ સમજી ગયા હતા કે તેઓ અભિનયના દરેક ગુણ ધરાવે છે. નાસિરે તેમના ટેલેન્ટને સન્માન અને કામ બંને આપ્યું. સાથે કામ કરતા આશાને તેમના પ્રત્યે લગાવ થઈ ગયો.
કહેવાય છે કે આમિર ખાનના કાકા નાસિર ખાન સાથે આશા પારેખના અફેરની ખૂબ ચર્ચા રહી હતી. નાસિર સાથે આશાએ પ્રેમ કર્યો, પણ લગ્ન ન કર્યા. આ અંગે આશા પારેખે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય એવું ન હતા ઇચ્છતા કે નાસિરનો પરિવાર તૂટી જાય. બસ આ જ કારણે લગ્ન ન કર્યા. નાસિર પરિણીત હતા પણ આશા તેમને સાચો પ્રેમ કરતા હતા. નાસિરથી લગ્ન ન થઈ શક્યા તો તેમણે ક્યારેય અન્ય વ્યક્તિ સાથે લગ્ન ન કર્યા. જીવન ભર એકલા રહ્યા.
મનોરંજન જગતમાં ખૂબ નામના મેળવનારા આશા પારેખને 2002માં ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા આશા એ અભિનેત્રીઓમાંથી એક છે, જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની નવી પરિભાષા બનાવી છે.