મુંબઈ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)ના એકાએક નિધન બાદ ઇન્ડસ્ટ્રીએ વધુ એક રત્ન ગુમાવ્યો છે. રામાનંદ સાગર (Ramanand Sagar)ની ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું (Arvind Trivedi Death) 82 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. તેમના અંતિમ સસ્કાર આજે મુંબઈમાં થશે. તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી બીમાર હતા. 1985ની સાલમાં રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવીને તેઓ અમર થઈ ગયા છે, પણ શું તમે જાણો છો કે આ રોલ પહેલાં અમરીશ પુરીને ઓફર થયો હતો?
રામાયણના રામ (Ramayana Ram) ઉર્ફે અરુણ ગોવિલે (Arun Govil) એક વિડીયોમાં જણાવ્યું કે, અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણ નહીં પણ કેવટના રોલ માટે ઓડિશન આપવા પહોંચ્યા હતા. પરંતુ તેમની બોડી લેન્ગ્વેજથી ખુશ થઈને રામાનંદ સાગરે તેમને રાવણનો રોલ આપ્યો હતો. અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘રામાનંદ સાગરે મને સ્ક્રિપ્ટ વાંચવા માટે કહ્યું. હું જ્યારે સ્ક્રિપ્ટ પાછી આપીને જવા લાગ્યો ત્યારે રામાનંદ સાગરે મને રોક્યો અને કહ્યું કે મને મારો લંકેશ મળી ગયો છે.
અમરીશ પુરી હતા રાવણ માટેની પહેલી પસંદ
અરુણ ગોવિલે જણાવ્યું હતું કે, રામાયણની કાસ્ટ ઇચ્છતી હતી કે રાવણનો રોલ અમરીશ પુરી કરે, પણ અમરીશ પુરીએ આ રોલ કરવાની ના પાડી. એ વખતે અમરીશ પુરી પોતાના કરિયરની ટોચ પર હતા. બીજી તરફ ટીવી એ સમયે નવું-નવું હતું. રામાનંદ સાગરને એવા વ્યક્તિની તલાશ હતી જેમાં બુદ્ધિ અને બળ હોય, મુખ પર તેજ હોય. આ માટે રામાનંદ સાગરે ત્રણ હજાર લોકોનું ઓડિશન લીધું હતું.
અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)ને રાવણના રોલમાં અપાર લોકપ્રિયતા મળી છે. આજે પણ તેઓ આ જ રોલને કારણે ચાહકોના દિમાગ પર છવાયેલા છે. તેમણે કેટલીય જાણીતી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતી સિનેમામાં તેમણે 40 વર્ષો સુધી કામ કર્યું હતું. તો ‘રામાયણ’ ઉપરાંત ‘વિક્રમ ઔર બેતાલ’ (Vikram aur Betaal) માં પણ પોતાની અદાકારી દર્શાવી હતી. તેમણે હિન્દી અને ગુજરાતી સહિત 300 ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંથી ઘણી ફિલ્મો સામાજિક અને પૌરાણિક હતી. તેઓ ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.
લક્ષ્મણે કરી ટ્વીટ
‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવનારા અભિનેતા સુનિલ લહરી (Sunil Lahri Tweet)એ અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુનિલે ટ્વીટર પર લખ્યું કે ‘બહુ દુઃખદ સમાચાર છે કે આપણા બધાના ચહિતા અરવિંદ ભાઈ હવે આપણી વચ્ચે નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મેં પોતાના પિતા સમાન, મારા ગાઈડ અને ઉત્તમ વ્યક્તિને ખોઈ નાખ્યા.’ સુનિલ લહરી ઉપરાંત દીપિકા ચીખલિયા (Deepika Chikhalia), અરુણ ગોવિલ (Arun Govil) સહિતના સેલેબ્સ અને ચાહકોએ પણ અરવિંદ ત્રિવેદીને સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર