ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ક્વીન કંગના રનોટ આજકાલ તેના ગુસ્સાને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ 'મણિકર્ણિકા'ને બોલિવૂડમાં કોઇનો સપોર્ટ મળ્યો નથી. જેના કારણે કંગનાએ આરોપ મૂક્યો છે કે, આખું બોલિવૂડ તેની વિરુદ્ધ ઊભું છે. સાથે જ તેણે ધમકી પણ આપી કે તે દરેકને જોઇ લેશે. કંગનાના ગુસ્સા બાદ સોશિયલ મીડિયામાં તેના ફેન્સ તેને સપોર્ટ કરવામાં લાગી ગયા છે. જેમાં અભિનેતા અનુપમ ખેર પણ સામેલ થયા છે.
હાલમાં જ અનુપમ ખેરે કંગના રનોટના સપોર્ટમાં ટ્વિટ કરી તેના વખાણ કર્યા હતા. અનુપમ ખેરે કહ્યું કે, કંગના રનોટ એક રોકસ્ટાર છે. તે શાનદાર છે અને હું તેના સાહસ અને પ્રદર્શનના વખાણ કરું છું. તે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. અનુપમ ખેરની આ ટ્વિટે લોકોના દીલ જીતી લીધા છે. લોકો તેમની ટ્વિટ પર કમેન્ટ અને શેર કરી રહ્યાં છે.
કંગના બોલિવૂડના મોટા સ્ટાર્સથી નારાજ છે. તેનું કહેવું છે કે કોઇ તેની ફિલ્મ્સને સપોર્ટ કે પ્રમોટ નથી કરતું. તેનું કહેવું છે કે, નેપોટિઝ્મ પર સવાલ ઉઠાવતાં સમગ્ર બોલિવૂડ તેની વિરુદ્ધ એક થઇ ગયું છે. તેણે આલિયા ભટ્ટ પર પણ નિશાન સાધ્યું હતું. તેણે આલિયાને કરન જોહરની કઠપૂતળી ગણાવી હતી. ત્યાં આલિયાએ કહ્યું કે, તેણે જાણી જોઇને એવું નથી કર્યું. તે કંગના પાસે પર્સનલી જઇને માફી માગશે.