Angad Bedi Birthday : બૉલીવુડ (Bollywood) અભિનેતા અંગદ બેદી (Angad Bedi) આજે પોતાનો 39મોં જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. અંગદ બેદીનો જન્મ 6 ફેબ્રુઆરી, 1983માં નવી દિલ્હી (New Delhi)માં થયો હતો. અંગદ બેદી પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી (Bishan Singh Bedi)નો પુત્ર છે. વર્ષ 2004માં અંગદે ફિલ્મ 'કાયા તરણ'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. સાત વર્ષ બાદ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને ફિલ્મ 'ફાલતુ'માં જોવા મળ્યો હતો. પોતાના કેરિયરમાં અંગદ બેદીએ એટલી ઓળખ મેળવી ન હતી, પરંતુ વર્ષ 2018 માં, અંગદ બેદી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia) સાથે ગુપ્ત રીતે લગ્ન (Marriage) કર્યા.
અંગદ બેદી અને નેહાની પહેલી મુલાકાત વિષે વાત કરીએ તો, અંગદે નેહાને પહેલીવાર જીમમાં જોઈ હતી. પહેલીવાર નેહાને જોઈ ત્યારથી જ અંગદ તેના પર દિલ હારી ગયો હતો. તે સમયે અંગદ દિલ્હીમાં અંડર 19 ક્રિકેટ રમતો હતો અને નેહા મિસ ઈન્ડિયા સ્પર્ધાની તૈયારી કરી રહી હતી. નેહાને જીમમાં જોઈ ત્યારથી જ અંગદ તેને પસંદ કરવા લાગ્યો હતો, પરંતુ એભિનેત્રી તરફથી કોઈ ઈશારો પણ જોવા મળ્યો ન હતો એટલે કે, શરૂઆતમાં તે સંપૂર્ણપણે એક તરફી પ્રેમ હતો.
નેહા સાથેની પહેલી મુલાકાત અંગે અંગદે કહ્યું કે, 'મેં નેહાને પહેલીવાર જીમમાં જોઈ હતી જ્યારે હું દિલ્હીમાં અંડર-19 ક્રિકેટ રમતો હતો. નેહાએ શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. જીમમાં નેહાની દોડવાની ટેક્નિકથી હું ઘણો પ્રભાવિત થયો હતો. તે સમયે મને નેહાનું નામ પણ ખબર ન હતું."
અંગદ બેદીએ વધુમાં કહ્યું કે, 'ઘણા વર્ષો પછી અમે મુંબઈમાં મળ્યા અને પછી અમે બંને મિત્રો બની ગયા. હું તે સમયે તેની સાથે સંબંધ રાખવા તૈયાર હતો, પરંતુ નેહાએ તે સમયે માત્ર મિત્રતાના સંબંધને આગળ વધારવા કહ્યું હતું. આ પછી બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ.'
નેહા અને અંગદની મિત્રતા પ્રેમમાં બદલાયા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 10 મે, 2018ના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. એકદમ ગુપ્ત રીતે થયેલા આ લગ્ન વિષે તેના ફેન્સને પણ ત્યારે જાણ થઈ જયારે બંનેએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને લગ્ન કર્યા હોવાની જાણ કરી.
ઉલ્લેખનીય છે કે, નેહા-અંગદના લગ્નથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. અચાનક લગ્નના સમાચાર સાંભળ્યા બાદ અટકળો શરૂ થઈ ગઈ કે નેહા ગર્ભવતી (પ્રેગ્નન્ટ) છે. પહેલા તો અંગદ અને નેહાએ પ્રેગ્નેન્સીના સમાચારને નકારી કાઢ્યા હતા પરંતુ બાદમાં પોતે જ બધી વાત જણાવી હતી. અંગદ બેદીએ પોતે નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર નેહા'માં આ વાત સ્વીકારી હતી. અંગદે ત્યારે કહ્યું હતું કે, 'લગ્ન પહેલા નેહા ગર્ભવતી હતી. જ્યારે બંનેએ આ વાત પોતાના માતા-પિતાને જણાવી તો ભારે 'તકલીફો' થઈ હતી.' જોકે આ કપલના લગ્ન પછી બધું બરાબર થઈ ગયું અને આજે તેઓ એક સુખી જીવન જીવે છે. નેહાએ તાજેતરમાં જ તેના બીજા સંતાનને પણ જન્મ આપ્યો છે. આ સાથે જ નેહા અને અંગદનો પરિવાર જાણે પૂરો થઈ ગયો છે અને તેઓ ખુશીથી એકબીજા સાથે જીવન પસાર કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર